પહેલાં રહેઠાણની વ્યવસ્થા કરો, પછી કરો દબાણ હટાવવાની કાર્યવાહી: જેતપુર કોંગ્રેસ
આજરોજ તા. 10, રાજકોટ જિલ્લાના જેતપુરમાં તંત્ર દ્વારા જાહેર માર્ગ પરના દબાણ હટાવવાની કામગીરી તેમજ નવાગઢમાં સરધારપુર રોડ પર આવેલ તળાવ પાસે પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. ત્યારે જેતપુર શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ આક્ષેપો સાથે જેતપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, હાલ જેતપુર શહેરમાં જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાં વ્હાલા-દવલાની નીતિથી દબાણ દૂર કરવામાં આવે છે. જેતપુરમાં ઘણા કારખાનેદારો દ્વારા સાર્વજનીક પ્લોટ પર દબાણ કરેલ છે.
તેમજ સીસીરોડના રસ્તાઓ પણ બંધ કરી દીધેલ છે, અમુક ભાજપના લોકોએ રસ્તા પર પાકી દુકાનો બનાવી ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દબાણ કરેલ હોવા છતાં તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
તેમજ માત્ર આ દબાણ દૂર કરવાની કામગીરીથી ગરીબ લોકો રહેઠાણ અને રોજી રોટીથી વિહોણા થઈ રહ્યાં છે. તેમજ નવાગઢમાં સરધારપુર રોડ પર આવેલ તળાવ પાસે પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
ત્યારે ત્યાં વર્ષોથી વસવાટ કરતા લોકોને પહેલા રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ દબાણ હટાવવામાં આવે તેવી એડવોકેટ ગોવિંદભાઈ પી. ડોબરીયાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે એડવોકેટ ગોવિંદભાઈ પી. ડોબરીયાની જેતપુર શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક થતા જાણે જેતપુરમાં મરણ ખાટલે પડેલી કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો છે.