Jamnagar: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl 2021) નિમિતે ગુજરાત સરકાર (Government of Gujarat) ના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને GVK EMRI દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ જામનગર દ્વારા, સરકારી શાળા નં 4,21, સરકારી ચિલ્ડ્રન હોમ, એમ.પી.શાહ એજ્યુકેશન ટ્રસ્ટ, રણજીત સાગર (Ranjit sagar) રોડ, જામનગર ખાતે આરોગ્ય કેમ્પ (Health camp)નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દિકરીઓ, તેમનાં માતા પિતા અને અન્ય લોકોના રેગ્યુલર ચેક અપ જેવા કે લોહીની ટકાવારી, બી.પી, ડાયાબિટીસ જેવા રિપોર્ટ સ્થળ ઉપર જ કરવામાં આવેલાં હતા. તદઉપરાંત તેમનામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા, રોજિંદા જીવનમાં જરૂરી ખોરાક, સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખવા માટેની રોજિંદી ટેવ અને ટેક, રોજિંદા આહારમાં જોવા મળતી ટેવ, કુટેવ, પૌષ્ટિક આહારની જરૂરિયાતની સમજ આપવામાં આવી હતી.
કેમ્પમાં મુખ્યત્વે મહિલાઓમાં લોહીની ઉણપ ઘટાડવા વિશે, લોકોને સ્વાસ્થ્યની દરકાર લેવાનો અને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક સર્વે મુજબ 51% જેટલી ગર્ભવતી મહિલાઓ લોહીની ટકાવારીની ઊણપ ભોગવી રહી છે અને સંવેદનશીલ સરકાર આ મહિલાઓની મદદ માટે પુરતાં પગલાં લઈ રહી છે. કેમ્પ દરમિયાન રિપોર્ટ ઉપરાંત સ્થળ પર જ સામાન્ય બિમારીઓની દવા આપવામાં આવી હતી. કેમ્પમાં ૩૦૦ જેટલા લોકોને તપાસવામાં આવ્યાં હતાં, જેમાં 228 જેટલાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવી હતી.
કેમ્પને સફળ બનાવવા જામનગર ધનવંતરી ટીમના ડો. પૂજા શિયાર, ડો. અંજલિ પરમાર, લેબ ટેક્નિશિયન દિશાબેન, વિપુલભાઈ મેણીયા, પેરામેડીક નિકુંજભાઇ, વિપુલભાઈ લોખીલ તથા દિનેશભાઈ દ્વારા સુવ્યવસ્થિત આયોજન અને સેવા આપવામાં આવી હતી. આ આયોજનમાં જામનગર બાંધકામ બોર્ડના પી.એમ. મકવાણા અને સ્કૂલનાં આચાર્ય મધુબેન રૂપાપરા અને સંચાલકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર
313 Views, 1