જેતપુર (Jetpur) ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે. જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar Mahadev) મંદિર (Temple) ભૂતના ડેરા તરીકે પણ ઓળખાય છે. એક રાતમાંજ બન્યું હોવાની દંતકથા છે.
રાજકોટ: ગુજરાતની ભૂમિ આમ તો પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વરસાથી અખૂટ ભરી છે. ત્યારે જિલ્લાના જેતપુર તાલુકામાં પણ એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જે 13 મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ મુજબ જાણી શકાય છે.
આ શિવ મંદિર જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામમાં આવેલું છે જે સાંકળેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ ચાર ભાગ છે તેમજ ગર્ભગૃહની બહારની દીવાલો પર આછું અલંકરણ પણ છે. મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર જાલકભાતથી અલંકૃત છે.
આ ચાર ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી કહે છે. તેમજ આ મંદિર પાસે પહેલા પીપળાનું મોટું વૃક્ષ આવેલું હતું જોકે અત્યારે મંદિરના સામેના ભાગમાં કદાવર પીપળાનું વૃક્ષ આવેલું છે. આ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરને મળતું આવે છે તેમજ બૌદ્ધ કલાકૃતિની ઝલક પણ આ મંદિરમાં થયેલી કોતરણી તરફ જોનારા દરેકનું ધ્યાન ખેંચે છે.
શા માટે કહે છે આ મંદિરને ભૂતનો ડેરો?
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે આવેલું 800 વર્ષ પ્રાચીન સાંકળેશ્વર મહાદેવ મંદિર આજે પણ છે અડીખમ, બીરબલે બનાવ્યું હોવાની છે લોકવાયકા બીરબલના બે દીકરા હતા તેમની યાદમાં બે મંદિર બનાવવામાં આવેલ એક રામમંદિર અને બીજુ આ મંદિર બનાવેલ અહીંના વડીલ લોકોના જણાવ્યા મુજબ બીરબલ અહીં સૌરાષ્ટનો વતની હતો અને અહીં પહેલા ટિમ્બો હતો ધીરે ધીરે અહીં ગામ વસ્યુ અને નામ પડ્યું જૂની સાંકળી.
આ ગામ રાજા અમરાબાપુ હસ્તક હતુ ત્યારે કેટલાક લોકોએ માયાની લાલચમાં જે રામમંદિર હતું તે ખોદી નાખ્યું પણ માયા ન મળતા અહીં સાંકળેશ્વર મંદિરમાં ખોદવાનું કામ ચાલુ કરતા મંદિરના પગથિયાં અંદર ખોદતાં નાગ અને ભમરા ઉડવા લાગતા ભયના માર્યા ભાગી ગયેલ ત્યાર બાદ પોલીસ પટેલને જાણ કરતા પોલીસ પટેલ દ્વવારા રાજા અમરાબાપુ ને જાણ કરતા બાપુએ પણ નાગ જોતા તરત ખોદકામ બંધ કરવા હુકમ કરેલ અને ફરી પગથિયાં અને મંદિર એક રાતમાં પાછુ બનાવી દીધેલ એટલે ભૂતના ડેરા તરીકે પણ પ્રચલિત છે .
રાજા બીરબલ દ્વારા આ મંદિર બંધાવ્યું હોવાની લોકવાયકા
જૂની સાંકળી ગામના લોકો આ સાંકળેશ્વર મહાદેવ મંદિરને ભૂતના ડેરા તરીકે પણ ઓળખે છે. જો કે એક એવી લોકવાયકા છે કે આ મંદિર અકબરના મંત્રી બીરબલ દ્વારા બંધાવ્યું છે તેમજ બીરબલ આ જૂની સાંકળી ગામના હોવાનું પણ લોકોનું માનવું છે.
હાલ આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જો કે આ મંદિર ઘણા સમયથી સમારકામ ન થયું હોવાથી ગામ લોકો આ મંદિરમાં સમારકામ થાય તેવું પણ વ્યક્ત કરી રહ્યાં છે.