મહેશ કનોડીયા ગુજરાતના બદલે વિદેશની ધરતી પર જન્મ્યા હોત તો ખતરનાક સેલિબ્રિટી હોત…

SHARE THE NEWS
Photo/DDNews Gujarati

1981માં વાલજીભાઈ પટેલ, રમેશચંદ્ર પરમાર અને નારણ વોરા જેવા દલિત પેંથરના નેતાઓ અન્ડરગ્રાઉન્ડ થયા ત્યારે મહેશના મુંબઈના ઘરે રોકાયા હતા.

મહેશ-નરેશનું ઘર અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા મહેસાણીયા વાસમાં હતું. 1962માં લતા મંગેશકરે ગાયેલું પ્રદીપનું ગીત ‘અય મેરે વતન કે લોગોં’ લોકપ્રિયતાની પરાકાષ્ટાએ હતું. ત્યારે મહેશ-નરેશ હાર્મેનીયમ લઇને અમદાવાદની પોળોમાં ગીતો ગાતા. લોકો ચાર આના, આઠ આના નાંખતા. એમાંથી એમનું ગુજરાન ચાલતું. એક વાર કાળુપુરના સ્વામિનારાયણ મંદિરની પાસે આવેલી દાદા સાહેબની પોળમાં બંને ભાઈઓએ સંગીતનો કાર્યક્રમ કર્યો.

મહેશને કુદરતે અદભૂત બક્ષિસ આપેલી. લતાના ગીતો તેઓ ગાતા, ત્યારે સાંભળનારને ખબર ના હોય કે એક પુરુષ ગાઈ રહ્યો છે તો એ એમ જ સમજતો કે ખુદ લતાએ ગાયું છે. દાદા સાહેબની પોળમાં મહેશે પ્રદીપનું એ ગીત ‘અય મેરે વતન કે લોગોં’ ગાયું. લોકોએ તાળીઓથી વધાવી લીધું એ ગીત અને ચીચીયારીઓ પાડી, ‘વન્સ મોર, વન્સ મોર’. એવું કહેવાય છે કે મહેશે એ ગીત ફરીવાર ગાવાની ના પાડી રોષે ભરાયેલી પબ્લિકે એમને માર માર્યો. મહેશ-નરેશ રડી પડેલા.

શેખાદમ આબુવાલાએ મહેશ માટે લખેલું કે મહેશ ગુજરાતના બદલે વિદેશની ધરતી પર જન્મ્યા હોત તો ખતરનાક સેલિબ્રિટી હોત અને જીવતા જીવત જ એક લીજેન્ડ બની ગયા હોત. પરંતુ આ તો ગુજરાત છે, કૃપણ, કૃતક, દંભી ગુજરાત. અહીં માણસને પોંખતા પહેલા પણ એની જાતિ જોવામાં આવે છે. મહેશ કલા અને સંસ્કૃતિના આઇકોન બન્યા નહીં, ભાજપ જેવા રાજકીય પક્ષે એમને સાંસદ બનાવ્યા અને ઉલ્ટાના લોકોમાં અળખામણા બન્યા.

કરોડો લોકોમાં ક્યારેક એક માણસને કુદરતી રીતે આવી ગિફ્ટ મળે છે, જ્યારે તે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ગાઈ શકે છે. મહેશ-નરેશે એમની આવડતથી પૈસા તો ધૂમ રળ્યા, પરંતુ ગુજરાતના તથાકથિત મુખ્ય પ્રવાહના મૂર્ધન્ય લોકો એમને જોઇને મોંઢુ જ મચકોડતા રહ્યા. જાતિ બહુ મોટી ચીજ છે આ દેશમાં.

મહેશ પાટણના સાંસદ બન્યા. એમની સામે એમના જ મહેસાણીયા વાસમાં જન્મેલા અને મોટા થયેલા પ્રવિણ રાષ્ટ્રપાલ ચૂંટણી લડ્યા. રાષ્ટ્રપાલે ત્યારે સૂત્ર આપેલું, તમારે ગાયક જોઇએ છે કે લાયક. લોકોએ ગાયકને રીજેક્ટ કર્યા અને લાયક એટલે કે રાષ્ટ્રપાલને ચૂંટીને સંસદમાં મોકલ્યા. બીજી વાર જોકે રાષ્ટ્રપાલને લોકોએ લાયકમાંથી ગેરલાયક ઠેરવી દીધેલા. મહેશ સંસદમાં ગયા, એમના પછી એમના ભાઈ નરેશ ધારાસભામાં ગયા, એમના પછી હિતુ નરેશ કનોડીયા ધારાસભ્ય બન્યા. એક કલાકાર રાજકારણી બને ત્યારે કલા અને રાજકારણ બંનેની અધોગતિ થાય છે.

મહેશ મારા મામા મનુભાઈ દુધાભાઈ સોલંકીના ખાસ મિત્ર. મામા મુંબઈ જાય ત્યારે મહેશના ઘરે ખાસ રોકાતા. મહેશ-નરેશની એક ફ્લોપ હિન્દી ફિલ્મમાં મામાએ રોકાણ પણ કરેલું. નાનપણમાં મામા મહેશ-નરેશની પાર્ટીમાં એકવાર મને લઈ ગયેલા. ચારેબાજુ એવો ઘોંઘાટ હતો કે પાર્ટીમાં મજા પડી કે કંટાળો આવ્યો એની જ ખબર નહોતી પડી.

1981માં વાલજીભાઈ પટેલ, રમેશચંદ્ર પરમાર અને નારણ વોરા જેવા દલિત પેંથરના નેતાઓ અન્ડરગ્રાઉન્ડ થયા ત્યારે મહેશના મુંબઈના ઘરે રોકાયા હતા. એમની સામાજિક પ્રતિબદ્ધતાનું આ એક ઉદાહરણ આપણી પાસે છે, તેમ છતાં સચ્ચાઈ એ હતી કે મહેશ-નરેશ માર્કેટના કલાકારો હતા. માર્કેટમાં શું ચાલે છે એની સાથે એમને નિસબત હતી.

એક અદભૂત નૈસર્ગિક ક્ષમતા ધરાવતો કલાકાર એના સમાજની વરવી વાસ્તવિકતાઓથી બેખબર, બેપરવા રહ્યો એનો વસવસો રહેશે.

આ દેશના દલિતોને મામા આફ્રિકા જેવું ગીત ગાનારા એકોનની પ્રતિક્ષા છે, જે આફ્રિકા વિષે કહે છે,

A, this is for all the love and the life took away

F, don’t forget we were born in trade

R, are ripped from the land and shipped away

I, is the inspiration we used to survive

C, have to see it with your own cries

Don’t play add it up and alright.

લેખક: રાજુ સોલંકી

લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *