150 જેટલા લોકોના ટોળાએ ધોકા-પાઇપ વડે દલિત જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ, એસપી બલરામ મીણા મોડી રાત્રે અનીડા દોડી ગયા: ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા: ખોબા જેવડા ગામમાં જૂથ અથડામણના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : અજંપા ભરી શાંતિ: દલિત સમાજમાં ઉગ્ર રોષ :પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી
ગોંડલના અનીડા ગામે મતદાન વખતે થયેલા ડખ્ખા બાદ સરપંચ જુથ અને દલીત જુથ વચ્ચે બઘડાટી બોલી ગઇ હતી જેમાં એક મહીલા સહીત 4 લોકોને ઇજાઓ થતા રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. બનાવ બાદ દલીત સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે સરપંચ સહીતના ગામના 150 જેટલા લોકોના ટોળાએ ઘરમાં ઘુસી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ અને
ખુદ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા અનડા દોડી ગયા હતા.
હાલ સરપંચ સહીતના ટોળા સામે ગુનો નોંધવા તજવીજ થઈ રહી છે.
રાત્રે જ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. હાલ ખોબા જેવડા ગામમાં અજંપાપર શાંતી જોવા મળી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રે અનીડા ગામના રહેવાસી અને મજુરી કરતા દલીત પરીવારના સાગરભાઈ હસમુખભાઇ વિઝુંડા (ઉ.વ. 18), હસમુખભાઇ વાલજીભાઇ વિઝુંડા (ઉ.વ.42), ચંપાબેન હસમુખભાઇ વિડા (ઉ.વ. 40) , રમેશભાઈ બઘાભાઈ રાઠોડ (ઉં.વ.42) ને અનીડા ગામના સરપંચ સામતભાઇ ભરવાડ, કુલદીપ પટેલ, હીતેષ ભાલોડીયા સહીત 40 જેટલા અજાણ્યા માણસોએ ધોકા-પાઇપ વડે ઢોર માર મારી ઇજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
આ અંગે દલીત પરીવારના સભ્યો તરફથી મળતી વિગત મુજબ રાજકોટ જીલ્લા પંચાયત અને ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણી માટે તા. 28 ના રોજ અનીડા(ભાલોડી) ગામે મતદાન યોજાયું હતું.
ત્યારે મતદાન કરવા ગયેલા દલીત પરીવારના લોકો સાથે સરપંચ સહીતના રાજકીય લોકોએ બોલાચાલી કરી ગેરવર્તન કર્યુ હતુ. તે સમયે સાગરભાઇ વિંઝુડાએ વચ્ચે પડી ગેરવર્તન અંગે વિરોધ નોંધાવતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. ચૂંટણી મતદાન ચાલુ હોવાથી કોઇ અઇચ્છનીય બનાવ બન્યો નહોતો.
પરંતુ પરીણામ આવી ગયા બાદ ગત રાત્રે સાગરભાઇ કોઇ વસ્તુ લેવા માટે ગામમાં નીકળ્યા હતા. ત્યારે પાંચેક લોકો સાથે મતદાનના દીવસની ઘટનાને લઇ બોલાચાલી-માથાકુટ થઇ હતી. સાગરભાઇ ત્યારબાદ ઘરે આવી ગયા હતા. પરંતુ અગાઉનું ચુંટણી મનદુ:ખ રાખી સરપંચ સહીતના લોકો 2 કાર , ચાર-પાંચ મોટર સાયકલ અને અન્ય લોકો મળી 10 જેટલા માણસોના ટોળાઓ ધોકા-પાઇપ વડે સાગરભાઇના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
ઘટનામાં દલીત પરીવારના ચાર સભ્યોને ઇજા પહોંચતા ગોંડલ સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. રાત્રે 11 વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
બીજી તરફ ઘટના સ્થળે દલીત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવી ગયા હતા.
હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. અંદાજે રાત્રે બે-એક વાગ્યા સુધી એસપી બલરામ મીણા અનીડામાં જ રહયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એસપી દ્વારા કાયદેસર કાર્યવાહી થવાની ખાતરી અપાઇ હતી. આ લખાઇ છે ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ નોંધવા તજવીજ થઇ રહી છે.
હુમલાખોર ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી
અનીડા ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉશ્કેરાટમાં ફરી જુથ અથડામણ ન થાય તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે.
દલીત પરીવારના મહેશભાઇ વિંઝુડાએ કરેલા આક્ષેપ મુજબ સરપંચ સહીતના ટોળાએ હુમલો કર્યા બાદ ઘરમાં તોડફોડ કરી હતી અને ધમકીઓ આપી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.