ફેસબુકનું નવું નામકરણ ‘Meta’, મિત્રતા અને બૌદ્ધ દર્શન (Buddhism) માં ‘મૈત્રી’ (metta)
ફેસબુક (Facebook) ના સહસ્થાપક અને CEO માર્ક્સ ઝૂકરબર્ગે (Mark Zuckerberg) હાલમાં જ ફેસબુકનું નામ બદલ્યું છે. હવે ફેસબુકનું નવું નામ છે ‘Meta’. આ ‘Meta’ શબ્દ sci-fi શબ્દ ‘Metaverse’ પરથી લેવાયો છે, જે ભૌતિક વિશ્વ (Physical world) અને ડિજિટલ વિશ્વ (Digital world) ને જોડે છે.
આવા ખ્યાલ ને લઈ હોલિવુડમાં મેટ્રિક્સ, માઈનોરોટી રિપોર્ટ, ડેજા વુ જેવી ઘણી ફિલ્મો બની છે. ડિજિટલ વિશ્વ હવે ભૌતિક વિશ્વ નો જ ભાગ બની ગયું છે. માનવીય સંબંધો પર તો ટેકનોલોજી હાવી થઈ રહી છે, પણ સંબંધો ની પરિભાષા એવી ને એવી જ છે.
આ માનવીય સંબંધોમાં પણ જો મિત્રતા ની વાત કરીએ લોહીના સંબંધોથી પર એવા આ સંબંધે માનવજાત ને સાંકળવાની બહુ મોટી ભૂમિકા નિભાવી છે અને જો હજી તેનો વ્યાપક પ્રયોગ કરવામાં આવે તો માનવજાતને સદીઓથી પજવતી અને એની પ્રગતિમાં બાધક એવી ધર્મ, સંપ્રદાય, વર્ગ અને જાતિમાં વિભાજીત કરતી સંકુચિતતાથી મુક્તિ મેળવી શકાય છે.
મિત્રતાની સરસ વ્યાખ્યા હમણાં વાંચી, ‘નામ વગરનો નાતો’, મારુ માનવું છે કે વ્યક્તિ જ્યારે લોહીના સંબંધોથી પરેશાન થાય ત્યારે માત્ર આ એક જ સંબંધ એને સાચવે છે. પણ બિનશરતી પ્રેમની જેમ નિઃસ્વાર્થ મિત્રતા પણ દુર્લભ છે.
વર્ષો પહેલા મિત્રતા માટેનું એક પ્લેટફોર્મ હતું ‘Orkut’ ત્યારબાદ આવા ઘણા પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવ્યા. ટેકનોલોજીએ સંબંધોને નવી દિશા આપવામાં અને પુનઃ પ્રસ્થાપિત કરવામાં ખૂબ સહાયક બની. અને વર્તમાન સમયમાં ફેસબુક તો મિત્રતાનું પર્યાય જ બની ગયું છે.
આજના વ્યસ્ત જીવનમાં દૂરના મિત્ર સાથેનો સંપર્ક, જીવનના અલગ-અલગ તબક્કે વિખુટા પડેલા મિત્રોને શોધવા, સમાન રુચિ વાળા મિત્રો બનાવવા માટે ફેસબુક ખૂબ સહાયક રહ્યું છે.
આ મિત્રતાને બૌદ્ધ દર્શન (Buddhism) માં વ્યહવારીક જીવનના ચાલકબળ તરીકે બહુ સુંદર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. મિત્રતા એટલે ‘મૈત્રી’ માટે પાલી ભાષા (Pali language) માં શબ્દ છે, ‘મેત્તા’ (Metta), જે ફેસબુકના નવા નામ ‘Meta’ સાથે અનાયાસે જ મળતો આવે છે અને એના ઉદેશ્ય ને સાર્થક પણ કરે છે.
બૌદ્ધ દર્શનમાં મૈત્રીને ચાર બ્રહ્મવિહાર અને દસ પારમીતાઓ પૈકીનો એક સદગુણ ગણવામાં આવે છે. જે માનવીય સંબંધો ને મજબૂત કરે છે. એનું મહત્વ એટલું અંકાયું છે કે એ સદગુણ ના વિકાસ માટે એક ધ્યાન પદ્ધતિની શોધ કરવામાં આવી, જેને ‘મૈત્રી ધ્યાન’ કહેવામાં આવે છે.
આ ધ્યાનમાં માત્ર માનવીને જ નહીં પણ સંસારમાં વસતા જીવમાત્ર પ્રત્યે અનુકંપાની ભાવના પ્રગટ કરવામાં આવે છે. જેમ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સંવાદ માટે શબ્દોની જરૂર પડે છે, પણ મૈત્રી ભાવનાથી પ્રાણીમાત્ર સાથે મૂકસંવાદ કરી શકાય છે.
ઉદા. તરીકે શેરીમાં રહેતા કૂતરાને પ્રેમપૂર્વક પંપાળવામાં આવે તો એ પણ પ્રેમપૂવર્ક પ્રત્યુતર આપે છે. પ્રાણીઓ મનમાં રહેલી દુર્ભાવના જાણી લે છે, એમની ઇન્દ્રિયો એટલી સતેજ હોય છે. મૈત્રી ભાવના પુષ્ટ થતા તિરસ્કાર, ઘૃણા, ક્રોધ જેવી દુર્ભાવનાઓ ઘટવા લાગે છે. બુદ્ધના ચિત્રોની આસપાસ નિર્ભયતાથી ફરતા વન્યજીવો બુદ્ધની મૈત્રીભાવનાને પ્રતિપાદિત કરે છે.
માનવ માનવ વચ્ચે જો મૈત્રી સ્થાપિત થાય અને તિરસ્કાર, ઘૃણા, ક્રોધ જેવી દુર્ભાવનાઓ નાશ થાય તો વિશ્વ મંગલમય બની જાય. આપણે આપણા રાષ્ટ્રની જ વાત કરીએ તો મૈત્રી ભાવના આપણા બંધારણના ત્રણ સ્તંભો સ્વતંત્રતા (Liberty), સમાનતા (Equality) અને બંધુતા (Fraternity) ને મજબૂત કરતું પરિબળ છે.
અને છેલ્લે વ્યક્તિગત વાત કરું તો જેમ પુસ્તકો એ મારા જીવન ઘડતરમાં બહુમૂલ્ય ફાળો આપ્યો એમ વિચારોમાં હકારાત્મક અભિગમ માટે ફેસબુકના ઘણા મિત્રોથી પ્રેરિત થયો છું. આ તકે એમનો પણ આભાર. આશા છે કે નવા વર્ષેમાં આવા જ ઉમદા મિત્રો આ જ પ્લેટફોર્મ પર મળતા રહેશે.
લેખક: આનંદ કાબા, જુનાગઢ.