રાજકોટ તા.15ડિસેમ્બર – તા.14/01/2023ના રોજ ઉજવવામાં આવતા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને રાજકોટ શહેરમાં જાહેર જનતાની સલામતિ અને સુખાકારી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ શહેર પોલિસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવ્યા છે.
જે અંતર્ગત કોઇપણ વ્યકિતએ જાહેર રસ્તાઓ પર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા કોઇપણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહન વ્યવહારને અવરોધ થાય તે રીતે ફરવા, વીજળીના કે ટેલીફોનના તાર પર લંગર નાખવા અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃતિ કરવા, નોન બાયોડીગ્રેડેબલ દોરા કે અન્ય હાનિકારક આયાતી દોરા તેમજ ચાઇનિઝ તુક્કલ વગેરેનો સંગ્રહ વપરાશ કે ખરીદ-વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉપરાંત, જાહેર માર્ગ પર પશુઓને ઘાસચારો નાંખવા કે માર્ગ પર ઘાસચારાનું વેચાણ કરી ટ્રાફિક અવરોધ ઉભો કરવા, આમ જનતાને ત્રાસ થાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા પર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં મનાઇ ફરમાવેલ છે.
આ હુકમો તા. 17/12/2022થી 17/01/2023 સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.