Rajkot: જેતપુર તાલુકા પંચાયતમાં (Jetpur Taluka Panchayat) ઘણાં વિવાદો અવાર-નવાર બહાર આવતા હોય છે, ત્યારે આજે પણ એક નવો વિવાદ સામે આવ્યો છે. વાત એમ છે કે જેતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા એક આધારા પુરાવા સાથે અરજી તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી છે. જેમાં જેતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના (Congress) અધ્યક્ષ ગોપલભાઈ કાનજીભાઈ વઘાસીયા દ્વારા વર્તમાન તાલુકા પંચાયતના મહિલા સભ્ય દયાબેન દિલીપભાઈ ધડુકને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
જૂઓ વીડિયો:
રિવોલ્ટ ન્યૂઝ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જેતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગોપલભાઈ કાનજીભાઈ વઘાસીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેતપુર તાલુકા પંચાયતમાં વર્તમાન તાલુકા પંચાયતના મહિલા સભ્ય દયાબેન દિલીપભાઈ ધડુકને ત્રણ સંતાન હોવાથી જેતપુર તાલુકા પંચાયતના પીઠડીયા સીટના સભ્યપદેથી તાત્કાલિક દૂર કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી જેતપુરને આધાર પુરાવા સાથે અરજી આપી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે જો કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
આપને જણાવી આપીએ કે 2005માં, ગુજરાત સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી એક્ટમાં સુધારો કર્યો હતો. આ સુધારા મુજબ બે કરતાં વધુ બાળકો ધરાવતી કોઈપણ વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવે છે.
આમ આજે જેતપુર તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ ગોપાલભાઈ વઘાસીયા દ્વારા જેતપુર તાલુકા પંચાયતના મહિલા સભ્ય દયાબેન દિલિપભાઈ ધડુકને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે અરજી આપવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી ભળી જાય છે!
ગુજરાત લોકલ ઓથોરિટી એક્ટ 2005 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો