જીવનમાં આપણે સૌ શું શોધીએ છે? પૈસા, પ્રસિદ્ધિ કે પછી પ્રતિષ્ઠા?
નૃતિ શાહ, અમદાવાદ: દરેક વ્યક્તિ સવારથી રાત સુધી કોઇ ને કોઇ રીતે મહેનત કરતી હોય છે. પોતપોતાની રીતે પોતાના કાર્યને ન્યાય આપવાની પણ કોશિશ કરતાં હોય છે. કોઇ જો નોકરી કરતા હોય તો મર્યાદિત સમયમાં મહેનત કરીને સંતોષ પામવાની કોશિશ કરે છે જ્યારે બિઝનેસ કરનાર વ્યક્તિ પોતાના ગ્રાહકોને સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે.
છેવટે સૌ કોઇ જીવનમાં વ્યસ્ત રહી કંઇક પામવાનો પ્રયત્ન કરે છે જીવનભર.ખરેખર આપણે શું આપણું જીવન ફક્ત વ્યસ્ત રહી જીવીએ તે માટે જ વ્યતીત કરીએ છે?કદાચ ના,તો આપણે શેના માટે આ બધું કરીએ છે?
આપણે આ સઘળા પ્રયત્નો અને માથાકૂટો કરીએ છે “સુખ” અને “આત્મસંતોષ” મેળવવા.સુખ શબ્દ બોલતાં અને સાંભળતાં જ કંઇક સારું ફીલ થાય છે નહીં?દરેક શબ્દ તેનો પોતાનો ભાવ લઇને જન્મતો હોય છે.તો, આપણે જો સુખની વાત કરીએ તો તે શેમાંથી મળે છે?
પૈસા,પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ કદાચ થોડા સમય માટે ખુશી આપી શકે છે. વૈભવી જીવનશૈલી પણ કદાચ થોડા સમય માટે ખુશ રાખી શકે છે! પણ છેવટે સંપૂર્ણ સાચું સુખ નથી જ આપી શકતાં.
દિવસના અંતે એક ગરીબ મજૂર જો પોતાના ભાણામાંથી એક ટુકડો રોટલી કૂતરાને ખવડાવીને જે લાગણી અનુભવશે તે કદાચ એક મોટાં બંગલામાં વસેલો ધનિક યુવાન પચાસ પકવાન પરાણે આરોગીને નહીં અનુભવી શકતો હોય.
આ લાગણી જ સુખ છે!આમ તો સુખ શબ્દ ખૂ..બ બહોળો અર્થ ધરાવે છે.કોઇ માટે પોતાના કુટુંબ માટે ન્યોછાવર થવું એ સુખ છે તો કોઇ માટે સામાજિક કાર્યોમાં પોતાનું જીવન વ્યતીત કરવું એ સુખ છે.
એક માતા માટે બાળકનું પોતાના હાથે જમાડીને બાળકના ચહેરા પરના સંતોષના ભાવને જોવું સુખ છે તો કોઇ પિતા માટે પોતાના યુવાન થયેલા પુત્રને પોતાનો શર્ટ પહેરાવવો એ પણ સુખ હોય!
કોઇ મિત્ર માટે પોતાના દસ હજાર પગારમાંથી બીમાર મિત્રબે પાંચ હજાર આપવા એ સુખ હોય તો કોઇ દીકરી માટે પોતાની માતાને સૌપ્રથમવાર જાતે બનાવેલ શીરો ખવડાવવો એ પણ સુખ હોઇ શકે.
સુખ મેળવવું અને સુખી રહેવું એ દરેકનો જન્મસિધ્ધ હક છે. એ સુખ કઇ રીતે મેળવવું એ ખુદ વ્યક્તિ પોતે જાતે જ જાણતો હોય છે અને શોધી લેતો હોય છે.
કોઇ કલાકાર પોતાની ઉત્કૃષ્ટ કલા બનાવી સુખ અનુભવે છે જ્યારે એક બિઝનેસપર્સન પોતાના બિઝનેસનો વ્યાપ દેશવિદેશમાં વધારી સુખ અનુભવે !
આ સુખ મેળવવા માટે ક્યાંય કદાચ પૈસા કે સંપત્તિની જરૂર પડતી નથી. હા,ધન અને વૈભવ ઉત્તમ સગવડો આપી શકે પણ એ સગવડો સુખ આપશે જ એ કોઇ ગેરંટી નથી આપી શકતું.
સુખ જો તમને અનુભવાતું હશે તો કદાચ સામાન્ય નાનું અમથું કાર્ય પણ તમે દિલથી કરશો અને જો સુખ ન હોય તો તમારી સામે વિશ્વની સૌથી સુંદર અને કીમતી વસ્તુ હશે, તમને કોઇ ફેર નહીં પડે.
પણ પ્રશ્ન થાય કે આ સુખ મેળવવું કઇ રીતે?સનાતન સત્યની જેમ સનાતન હસહંમેશ રહેતું સુખ હોય ખરું?સુખ જો છે તો પછી જ્યારે પીડા કે દર્દ આવે જીવનમાં તો એ સુખ જાય છે ક્યાં?
અદ્રશ્ય થાય છે કે અલોપ થઇ જાય છે? હંમેશા આપણું થઇને રહેતું કેમ નથી? આ સુખ આપણું થઇને જ આપણી પાસે રહે તે માટે શું કોઇ રસ્તો નથી?
જવાબ છે હા, છે ને રસ્તો અને તે ય ખૂબ સરળ રસ્તો! તો એ રસ્તો છે “પોતાના વ્યક્તિત્વને પ્રેમ કરવો.પોતાને જ માન આપવું ને પોતાની જાતને ખૂબ ચાહવું.”
જો તમે પોતે,તમે ખુદ તમને નહીં ગમાડતાં હો તો એ આશા પણ ન રાખો કે કોઇને તમે ગમશો. સુખ એ તમને આપોઆપ મળશે જ્યારે તમે અરીસામાં તમારો ચહેરો જોઇ સ્મિત કરશો.
જ્યારે તમે ખુદને ગમે તેવું કાર્ય કરશો કે પોતાને સંતોષ આપે તેવી વસ્તુઓ કે વ્યક્તિઓની દાથે રહેશો. જો તમને કાર ચલાવવી નહીં ગમતી હોય તો સુંદર ફૂલોથી ભરેલો રસ્તો પણ સુખ નહીં આપે અને જો તમને સાઇકલ પણ ચલાવવી ખૂબ ગમતી હશે તો કાદવકીચડભર્યો ઉબડખાબડ રસ્તો પણ આનંદ આપશે.
આ સુખ બહુ સરળ શબ્દ છે, સુખ બહુ સરળ રીતે પ્રાપ્ત પણ થાય છે. પોતાને પોતાની જાતને પેમ્પર કરતાં જો શીખી જઇએ તો સમજો આપણું સુખ આપણા હાથમાં જ છે.
અને આપણે ખૂબ સારી રીતે જાણીએ છે કે આપણને શું ગમે છે ને શું નથી ગમતું.આપણે સ્વને સૌથી પહેલાં સન્માન આપવું જોઇએ અને સ્વને સંતોષ મળે તેવા કાર્યો કરવા જોઇએ.
એક કુટુંબના મોભી તરિકે જો સભ્યોના સુખે સુખ મળે તોતે પણ સ્વને મળતું સુખ જ ગણાય.સંતોષી નર સદા સુખી એ કહેવત અનુસાર સંતોષ મળે તેવા કાર્યો કરતાં અચૂક સુખની અનુભૂતિ થશે.
આ સુખ છે ને ખૂબ અમૂલ્ય અને અતુલ્ય છે,તો મળ્યા પછી તેને સાચવી રાખવું એ આપણી પોતાની નૈતિક ફરજ બને છે.
મને શેમાં સુખ મળશે એ હું શોધીશ અને મારા સુખને હું સાચવીશ – આ વિચાર કરવાથી પણ આપણે સુખ પામવાની દિશામાં એક ડગલું ભરીએ છે.અને હા, ”હું મબે ખૂબ ગમું છું હું સારો છું.” – આ વાક્ય રોજ બોલવાથી આત્મસંતોષ અને સુખ મળશે જ !