આજે કર્મઠ સાથીદારો કનુ સુમરા, હેમંત પરમાર અને જગદીશ સોલંકી સાથે બહુજન આંદોલનની પાયાની ઇંટ જેવા જોનીભાઈ મકવાણાના ઘરે હું ગયો અને તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. જોનીભાઈના આર્યોદય મિલની ચાલીમાં આવેલા ઘરમાં અમે બેઠા અને તેમના જ મુખે તેમના જીવનના બહુમૂલ્ય સંસ્મરણો સાંભળ્યા, ત્યારે થયું કે દિલ્હીની ગાદી પર બહુજન સમાજ તો બેસતા બેસશે એ પહેલાં જોનીભાઈ જેવા કેટલા કાર્યકરોની જિંદગીઓ હોમાઈ જશે.
બહુજન આંદોલન ફેસબુક પર જય ભીમ, જય સંવિધાનના નારા લગાવવાથી નથી ચાલતું. ચહેરા પર કરચલીઓ વળી જાય છે અને ચહેરો સગડી પર જામેલી મેશ જેવો કાળો પડી જાય છે.
આંખોમાં લાલ ટશીયા ફૂટી જાય છે. કમર વાંકી વળી જાય છે. ઘરની ભીંતો પર વળેલી પોપડીઓ ઉખાડીને બિરલા પુટ્ટી લગાવવાના પૈસા ગજવામાં નથી હોતા. બાળપણમાં જે પબ્લિક જાજરૂમાં ડબલુ લઇને હગવા જતા હોય તે જ જાજરૂ, થોડા પાક્કા પણ એવા ને એવા જ ગંધાતા જાજરુમાં ચાલીસ વર્ષ પછી પણ જવું પડે છે. કારમી કંગાલિયત રોજ નજર સામે ડાકલાં વગાડતી રહે છે અને છતાં જો કોઈ માણસ બહુજન આંદોલન વિષે પૂછે તો મુખમાંથી તર્કબદ્ધ દલીલો નીકળવા માંડે અને તેને સાંભળીને ભલભલા અભ્યાસુ પણ મંત્રમુગ્ધ થઈ જાય ત્યારે કહેવાનું મન થાય કે જોનીભાઈ જેવા બહુજન કર્મશીલો હવા, પાણી કે આહાર પર નહીં માત્ર ને માત્ર મિશનના જજબાત પર જ જીવી રહ્યા છે.
10 સપ્ટેમ્બર, 1953ના રોજ જન્મેલા જોનીભાઈ આજે 66 વર્ષની પાકટ ઉંમરે ચાલીની બે રૂમની ખોલીમાં નકરા અભાવની વચ્ચે જીવી રહ્યા છે, પરંતુ કોઈની સામે એમની ફરિયાદ નથી.
એમના વિચારોમાં એક સકારાત્મકતા છે. જમીન પર કામ કરતો કાર્યકર પોતાના વિચારો જનતા સુધી પહોંચાડવા એના આગવા અને અનોખા માધ્યમો ઉભા કરી લેતો હોય છે.
જોનીભાઈ બે દાયકાથી ચાલીના સામેના બ્લેકબોર્ડ પર રોજ આંબેડકરવાદી વિચારધારાને લગતા લખાણો લખતા રહ્યા છે. એમના લખાણોની જબરજસ્ત અસર હતી.
એકવાર એમણે ‘સ્વાધ્યાય પરીવારથી સાવધાન’ હેડિંગથી લખેલું. રાત્રે બે વાગે દસેક રીક્ષાઓ ભરીને સ્વાધ્યાયીઓ એમના ઘરે આવેલા. સામેની ચાલીના બે છોકરા ત્યારે જાગતા હતા. આટલું મોટું ટોળુ જોઇને તેઓ પણ પાછળ પાછળ આવ્યા. એમને જોઇને જોનીભાઈએ ઇશારો કર્યો કે કોઈ મગજમારી કરશો નહીં. એમના (સ્વાધ્યાયીઓના) સવાલોના જવાબો હું આપીશ.
પછી જોનીભાઈએ પાંડુરંગ આઠવલેનું એક પુસ્તક કાઢીને એમાંથી કેટલાક ફકરા એ ટોળાને વાંચી સંભળાવ્યા. એ લોકોએ પાંડુરંગના પ્રવચનો સાંભળલા, પરંતુ આવું કોઈ પુસ્તક વાંચેલું નહીં. એમને પણ થયું કે આ માણસ જોનીભાઈ જાણકાર છે. ટોળું ચુપચાપ પાછુ ફરી ગયેલું.
સ્વાધ્યાયી પરીવારના લોકોએ વિરોધી મત ધરાવતા રેશનાલિસ્ટો પર હિંસક હૂમલા કરેલા છે. અહીં જોનીભાઈ સામે એમની બોબડી બંધ થઈ ગઈ.
આવી અસાધારણ હિંમત જોનીભાઈમાં આંબેડકરવાદી વિચારધારાને કારણે આવી છે.
આજના ફેસબુકીયા એક્ટિવિસ્ટો ફેસબુક પર માતા-મહાદેવનો વિરોધ કર્યા કરે, પરંતુ જમીની સ્તરે એમની કોઈ અસર નથી.
આવો જ બીજો બનાવ જોનીભાઈએ ‘વાવમાં ડૂબી નાવ’ હેડિંગ હેઠળ વાવના બાવા અંગે લખ્યું ત્યારે બનેલો. વાવથી લોકો રાત્રે રીક્ષાઓ લઇને ચાલીમાં ખાબકેલા.
તેમણે જોનીભાઈને કહ્યું કે વાવનો બાવો આપણા સમાજનો છે, તમે એની વિરુદ્ધમાં કેમ લખો છો. ત્યારે જોનીભાઈએ કહેલું કે અમારો વાંધો વિચારધારાનો છે.
વાવવાળા પણ વીલા મોંઢે પાછા ફરી ગયેલા. આવા જોનીભાઈએ છેક 1972માં ઘરમાંથી દેવ-દેવીઓની છબીઓ વાળી ચોળીને ભેગી કરીને ચાલીના પબ્લિક જાજરુમાં ફેંકી દીધેલી.
17 વર્ષની ઉંમરે મિલમાં નોકરીએ ચડી ગયેલા જોનીભાઈના પિતા નાનપણમાં ગુજરી ગયા હતા. મોટા બેન રેવાબેને તેમને ઉછેર્યા હતા. ત્યારે પહેલો પગાર કેટલો હતો એ યાદ નથી. કંઈક દોઢસો-બસો હતો. એ જમાનામાં દોઢસો-બસો પણ ઓછા તો ના કહેવાય. એ જ સમયે આટલો પગાર મેળવનારા મિલ કામદારોએ ગણપત, ધાબર, સુતરીયા, કલ્યાણગ્રામ જેવી સોસાયટીઓ બનાવેલી.
જોનીભાઈ ચાલીના બે સાંકડા રૂમની ખોલીમાં આખી જિંદગી જીવ્યા તો એનું એકમાત્ર કારણ એમની બહુજન દિવાનગી હતી.
રિપબ્લિકન પાર્ટી હોય કે બહુજન સમાજ પાર્ટી હોય, દિવાલો પર લખાણો કરવા, બેનરો બનાવવા, ચૌદમી એપ્રિલની નગરયાત્રા વખતે ટ્રકો શણગારવી – પાગલ માણસની જેમ જોનીભાઈએ જાત ઘસી નાંખી.
રાતોના ઉજાગરા કર્યા અને તેમનો નાલાયક સમાજ ઉંઘતો રહ્યો, સપના જોવા માટે. હજુ પણ ઉંઘે છે.