Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાનાં દુદાપુર ગામના વાડી વિસ્તારમાં રહેતાં પ્રસુતા મનીષાબેનને અચાનક પ્રસવ પીડા ઉપડતા તેમના પરિજનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે 108ને જાણ કરી હતી. 108ની રીંગ રણકતા જ ગણતરીની મિનિટોમાં જ 108ની માલવણ ટીમના ઈએમટી પંકજ પરમાર પાયલોટ ઘનશ્યામભાઈ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પ્રસૂતાને 108 એમ્બ્યુલન્સમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રસૂતાને વધારે દુઃખાવો ઉપાડતા 108 સાઈડમાં જ ઉભી રાખી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી.
વધુ સારવાર અર્થે આ મહિલાને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ મહિલાને બાકીની સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.
અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા 108ની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે 108ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાની 108 સેવા દ્વારા અનેકવાર પ્રસુતા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે. જે પ્રસુતા માતા મૃત્યદર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
108ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની પ્રસુતા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. તથા જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવે છે.
આ રીતે ખરા અર્થમાં 108ની ઈમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ગરજ સારવાની પણ ભૂમિકા ભજવી રહી છે.