રાજકોટ: પીજીવીસીએલ PGVCL દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ) ની લેખિત પરીક્ષા જુલાઈ મહિનાની 07 તારીખના રોજ રાજકોટના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજવાની જાહેરાત પીજીવીસીએલની વેબસાઇટ પર કરવામાં આવી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા 4000 ની આસપાસ જેટલા પરિક્ષાર્થીઓને રૂબરૂ પરીક્ષાની હોલ ટીકીટ લેવામાં માટે બોલાવવામાં આવ્યા છે. જેને લઈને પરિક્ષાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. કેમકે અગાઉ જેટલી પણ પરીક્ષાઓ પીજીવીસીએલ દ્વારા લેવામાં આવી તેમાં પરિક્ષાર્થીઓને તેમના ઘરના સરનામે પોસ્ટ દ્વારા પરીક્ષાની હોલ ટીકીટ મળી જાતી હતી.
પીજીવીસીએલ દ્વારા ફક્ત 20 અને 21 જૂનના રોજ રૂબરૂ વિવિધ વર્તુળ કચેરીઓએ જઈને હોલ ટીકીટ મેળવવાનો કરવામાં આવ્યો નિર્ણય
વર્તમાન સમયમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે વાહન વ્યવહાર પણ પૂરતા પ્રમાણમાં નથી ચાલી રહ્યો. ત્યારે એકીસાથે 4000 ની આસપાસ પરિક્ષાર્થીઓને રૂબરૂ પરીક્ષાની હોલ ટીકીટ લેવા બોલાવવા તે વિચાર માંગી લે તેવું છે. કેમકે આજના ડિજિટલ યુગમાં પણ પીજીવીસીએલ દ્વારા પરિક્ષાર્થીઓને રૂબરૂ બોલાવે તે બાબતે પરિક્ષાર્થીઓ ચિંતામાં મુકાયા છે. વર્તમાન સમયમાં સરકારના દરેક વિભાગ ઓનલાઇન હોલ ટીકીટ મેળવી લેવાની સુવિધાઓ તો આપે જ છે.