આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો
Bhuj: તાજેતરમાં કચ્છ (Kutch)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા અંતર્ગત આવેલી કોટડા ઉગમણા ડિસ્પેન્સરી ખાતે એએનસી આરોગ્ય સારસંભાળ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સગર્ભા માતાની ઉંચાઈ, વજન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હીમોગ્લોબિન, સિફિલીસ વગેરેની તપાસ કરીને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત, સગર્ભા માતાઓના થેલેસેમિયા ટેસ્ટ માટેના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
આયુષ મેડિકલ ઓફિસર ડૉ.ધારા અજાણી દ્વારા સગર્ભાવસ્થાના દિવસો દરમિયાન રાખવાની કાળજી, આહાર, રસીકરણ અને સોનોગ્રાફી વિશે સગર્ભા માતાઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
વધુ સારવારની જરૂર જણાય એવા કિસ્સામાં સગર્ભા માતાઓને જરૂર પડ્યે ભુજ શહેર રીફર કરવામાં આવ્યા હતા.
આ આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો હતો. સગર્ભા માતાઓને કેમ્પના સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ખિલખિલાટ વાનની સેવાનો ઉપયોગ કરાયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી તથા ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારના માર્ગદર્શન હેઠળ કુકમાના મેડિકલ ઑફિસર ડૉ. પ્રિન્સ ફેફર દ્વારા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા સગર્ભા માતાના આયુષ્માન કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક FHS, FHW,MPW અને આશા બહેનોએ કેમ્પને સાર્થક બનાવી મહત્તમ સગર્ભા માતાઓ જાગૃત થાય તે દિશામાં પ્રયત્નો કર્યા હતા.