સુરેન્દ્રનગર આખું જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ક્યારે ક્યાં શું થશે એની કોઈને ખબર નહોતી. અફવાઓનું બજાર ગરમ હતું. તોફાનો ફાટી નીકળવાની પુરી દહેશત હતી.
અંગ્રેજોના સમયનો એ કેમ્પ (કાંપ) આજે સવર્ણો અને દલિતો અથવા તો… કહો કે અનામતનો વિરોધ કરનારા અને અનામતની તરફેણ કરનારા… એવા બે વર્ગમાં વહેંચાઈ ગયો હતો.
અનામત વિરોધી સવર્ણો જીદે ભરાયા કે રેલી તો દલિત વિસ્તારમાંથી જ નીકળશે…અને બાબાસાહેબના ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’ એ ત્રિસૂત્રને જીવનમંત્ર બનાવી ચૂકેલા દલિત ક્રાંતિકારી યુવાનોએ ખુલ્લી ચેતવણી આપી કે જો આ બાજુ આવ્યા તો જીવતા નહિ જાવ… કાપી નાખીશું.
સમગ્ર ગુજરાતમાં અનામત વિરોધી આંદોલનો-તોફાનો ફાટી નીકળ્યા હતા. ઈ.સ.1985ના એ વર્ષમાં ગુજરાતમાં અનેક જગ્યાએ દલિતો ઉપર હુમલાઓ પણ થયા હતા.
એ સમયે સુરેન્દ્રનગરના દલિત સમાજમાં બે યુવાનોની આણ વર્તે. એક હતો ગોરા ભવાન ડાભી ઉર્ફે ‘ગોરીયો’ અને બીજો હતો ડાયા અમરશી જાદવ ઉર્ફે ‘ડિયો’. આ બન્ને હતા તો બધી રીતે પૂરા. (સમય આવ્યે આવા જ લોકો ક્રાંતિ કરે છે અને સમાજ માટે પોતાની જાત ન્યોછાવર કરતા હોય છે.) બીજા પણ કેટલાંક યુવાનો તેમની સાથે જોડાયેલા ખરા.
પહેલા આ બન્ને યુવાનો સાથે હતા, પરંતુ પછીથી બન્ને વચ્ચે મતભેદ સર્જાયો (એક મ્યાનમાં બે તલવાર તો કેમ રહે..!) અને બન્નેએ પોતપોતાની ગેંગ અલગ બનાવી. મેં તો એવું પણ સાંભળેલું કે ગોરીયાની આણ તો છેક અમદાવાદ સુધી પ્રવર્તતી હતી. ત્યાંના વેપારીઓ પણ ગોરીયાના નામ માત્રથી થરથર કાંપતા. ગરીબોનો આ બેલી અમીરોને ડરાવતો.
ડિયો પણ એટલોજ ખતરનાક. પોલીસવાળાને છરી મર્યાના અને ચીફ ઓફિસરને તેની જ ચેમ્બરમાં ફડાકા ઝીકયાના તેના ઉપર કેસ ચાલે. પાસામાં પણ અનેક વખત પુરાયેલ.
ટૂંકમાં, પોલીસ માટે આ બન્ને યુવાનો માથાનો દુઃખાવો.
લાગે છે ને કોઈ એક્શન ફિલ્મની સ્ટોરી…!!! ચાલો આ રીલ નહિ પણ રીયલ સ્ટોરીમાં આગળ વધીએ.
ગોરીયા અને ડિયા વચ્ચે સંઘર્ષ પણ થયા. એ વિસ્તારમાં પોતપોતાનું આધિપત્ય સ્થાપિત કરવા એકબીજા ઉપર હુમલાઓ પણ કરતા. એક વખત બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો. ગોરીયાના માણસોએ ડિયાના પાનનાં ગલ્લે બેઠેલા તેના નાના ભાઈ પ્રવીણ ઉપર હુમલો કરેલો. પ્રવીણ ગલ્લામાંથી કુદયો કે તરત તેના સાથળ ઉપર તલવાર અને પગમાં ધારીયાના ઘા પડ્યા. છતાં પ્રવીણ જીવ બચાવી ભાગીને ઘેર આવ્યો.
ઘરના બધા તેને દવાખાને લઈ જવાની તજવીજ કરતા હતા ત્યાં જ ડિયો રિવોલ્વર લઈ આવ્યો અને ‘આજ તો ગોરિયો ખતમ સમજો.’ એમ કહી ગયો ચોકમાં..! પણ પછી સમાજના લોકોએ બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું.
આવી તો વારંવાર માથાકૂટ થતી રહેતી બન્ને વચ્ચે.
પરંતુ સમાજહિતની વાત આવે એટલે બધા મતભેદ ભૂલી આ બન્ને સાથે બેસી જતા. સમાજનો ગમે તે માણસ કામ લઈને જાય તો તરત જ એનું કામ થઈ જતું. ટૂંકમાં અમીરો કે વેપારીઓમાં ગુંડાની છાપ ધરાવતા ગોરીયો અને ડિયો દલિતો અને ગરીબો માટે તો મહાત્મા હતા… કહો કે સાક્ષાત ભગવાન હતા.
બાબાસાહેબ વિશે ભલે બહુ વાંચ્યું ન હોય પણ એ બન્નેના દિલમાં બાબાસાહેબના વિચારોનો વાસ હતો. ત્યારે આ લખનાર તો સુરેન્દ્રનગરમાં જીનતાન રોડ ઉપર આવેલ શાળા નંબર-12માં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ત્યારે આંબેડકર ચોકમાંથી નીકળો તો શાળા નંબર-13ની બીજા માળની છત ઉપરની દિવાલમાં વિશાળ અક્ષરોમાં વદળી રંગે એક સૂત્ર લખેલું.
“દુઃખની વાત છે કે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભારતમાં જનમ્યા હતાં, જો વિદેશમાં જનમ્યા હોત તો વિશ્વ વિભૂતિ ગણાત.” -ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ
બસ, આ સૂત્ર હું વાંચતો અને મને શેર લોહી ચડતું. ખબર નહિ પણ મારા આંબેડકરવાદી હોવાના મૂળ ત્યાં પડેલા છે.
સુરેન્દ્રનગરમાં ત્યારે ભરેલા અગ્નિ જેવું વાતાવરણ હતું. તોફાનો ફાટી નીકળવાની દહેશતથી સ્કૂલમાં રજા પડી ગઈ હતી. સમગ્ર ગુજરાતની જેમ સુરેન્દ્રનગરના દલિત વિસ્તારમાં પણ હુમલો કરવાની કેટલાક અનામત વિરોધી તત્વોની પેરવી હતી. જેની ગંધ દલિત યુવાનોને આવી ગયેલી. દલિતો પણ પોતાની પુરી તૈયારીમાં હતા.
પોલીસે બહુ સમજાવ્યા પણ અનામત વિરોધીઓ માન્યા નહિ અને રેલી ફાટકની આ બાજુ લાવવા જીદે ભરાયા. બીજી બાજુ દલિતો શું કરી શકે એમ છે તેની પોલીસને પુરેપુરી ખાતરી હતી. ભડકો થવાની પુરી શક્યતા હતી.
રેલી જેવી ફાટક પાસે પહોંચી કે તરત ગોરીયો અને ડિયો બન્ને સાથે મળ્યા અને પોતાના સાથીઓ સાથે અનામત વિરોધી રેલી ઉપર કાળ બનીને તૂટી પડ્યા. રેલી ઉપર થયેલ હુમલાથી નાસભાગ મચી ગઈ. તલવાર, ધારીયા, છરી, ગુપ્તિનો છૂટથી ઉપયોગ થયો અને રેલીમાં આવેલા અનેક અનામત વિરોધીઓને ઘાયલ કર્યા. આખા સુરેન્દ્રનગરમાં હાહાકાર મચી ગયો.
મુખ્યમંત્રી અમરશી ચૌધરીની ચેમ્બર સુધી ટેલિફોનની ઘંટડીઓ ઘણઘણી ઉઠી. ઑર્ડર છૂટ્યા. પોલીસને છુટ્ટો દોર મળ્યો. ગોરીયો અને ડિયો…જે આ આખા બનાવના મુખ્ય સૂત્રધાર હતા તેને કોઈપણ ભોગે પતાવી દેવાની તૈયારી સાથે જ આંબેડકર નગર-1ને પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો.
બરાબર આજનો જ દિવસ હતો. 12 ઓગસ્ટ, 1985ની એ ગોઝારી સાંજ કેમેય કરી સુરેન્દ્રનગરના દલિતો ભૂલી નહિ શકે. પોલીસે આખા વિસ્તારને સવારથી જ ઘેરી લીધો હતો. કોઈ એ વાસમાંથી બહાર જઈ શકે કે પ્રવેશી શકે તેમ ન હતું. ચકલું પણ ફરકી ન શકે એવો ચુસ્ત બંદોબસ્ત. બહારના કોઈપણ લોકોને એ વિસ્તારમાં પ્રવેશ ન હતો. કરફ્યૂની સ્થિતિ.
PSI ચૌધરી અને તેનો પોલીસ કાફલો વાસમાં પ્રવેશ્યા. સાંજના પાંચેક વાગ્યાનો સમય હતો. ઉપરી અધિકારીને ઉપરથી સૂચના હતી કે પછી પોલીસ બદલો લેવા માંગતી હતી…ખબર નહિ. પરંતુ પોલીસનો ટારગેટ ગોરીયો અને ડિયો જ હતા.
વાતો પણ વહેતી થયેલી કે પોલીસ કોઇપણ ભોગે આ બન્ને જુવાનિયાઓનું એન્કાઉન્ટર કરવા માંગે છે. પુરી તૈયારી સાથેની હથિયાર ધારી પોલીસની આખી પલટન ઉતારવામાં આવી હતી. ઓપરેશન એન્કાઉન્ટર કોઈપણ ભોગે પાર પડવાનું જ હતું.
પોલીસ વાસમાં પ્રવેશી કે તરત ડિયો દેખાયો. તેના ઉપર ત્રણ રાઉન્ડ ફાયર થયા. પણ ડિયો મંદિર પાછળથી એક ઘરમાં ઘૂસવામાં સફળ થયો અને એમ બચી ગયો.
પોલીસ આગળ વધી. ત્યાં તો ગોરીયો ઘરની બહાર નીકળ્યો. બીજો કોઈ વિકલ્પ જ ન હતો. કુટેવ મુજબ પીધેલ પણ ખરો. પોલીસે જોયું કે ગોરીયો જ છે. કપડાં દાઢી અને દેખાવ ઉપરથી જ ઓળખાઈ ગયો.
પોલીસ ઓફીસરના મોં માંથી ઑર્ડર છૂટ્યો…
ફાયર….
ધાય…ધાય..ધાય… કરતી 303 બંદૂકમાંથી ત્રણ ગોળી છૂટી અને ગોરીયાની છાતી અને પેટને વીંધતી શરીર સોંસરવી નીકળી ગઈ. પેટમાં ઘુસેલી ગોળીએ પાછળ માંસનો મોટો લૉચો બહાર કાઢી નાખેલો. અને દલિતોનો સિંહ જમીન ઉપર ઢળી પડ્યો.
અમે જ્યારે આંબેડકરનગર નંબર-3માં સમાચાર સાંભળ્યા કે ગોરીયો પડ્યો ત્યાંતો ચારે બાજુ માતમ છવાઈ ગયો.
બીજે દિવસે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મર્યાદિત લોકોને સાથે રાખી સ્મશાનયાત્રા નીકળી. ‘શહીદ વીર ગોરા ભવાન અમર રહો’ના ગગનચુંબી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
પછી ઠેરઠેર ગોરા ભવાનને શ્રદ્ધાંજલિ આપવા શોક સભાઓ થઈ. ત્યારે સુરેન્દ્રનગરમાં બહુ મોટું દલિત સંમેલન પણ થયું. જેમાં ડૉ.દિનેશ પરમાર અને શાંતાબેન ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને આ બનાવની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી.
આજે ગોરભાઈની 34મી પુણ્યતિથિ છે. દલિત સમાજના આ રોબિનહુડને લોકો આજે પણ હોંશભેર યાદ કરે છે અને તેમની સમાજ પ્રત્યેની દાઝને સલામ કરે છે.
આ બનાવ પછી ડિયો એકલો પડી ગયો. એણે પણ પોતાની તોફાની પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવી સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાની શક્તિ વાળી. ડિયો પછી તો ડાયલાલ બની ગયા. મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી લડી સભ્ય બની સમાજિક પ્રવૃત્તિ આદરી.
આજે રાજ હોટલ ચોકમાં જે બાબાસાહેબનું સ્ટેચ્યૂ ઊભું છે તે ડાયાલાલને આભારી છે. તે ચોકમાં મ્યુ.પાલિકા બીજો કોઈ પ્રોજેકટ કરવાની તૈયારી કરી રહી હતી. કર્મચારીઓ સર્વે માટે આવ્યા ત્યારે ડાયલાલને ખબર પડી તો તે એ કર્મચારીઓ પાછળ છરી લઈ દોડ્યા. ડાયાલાલે કહ્યું કે અહીં તો અમારો બાપ જ બિરાજશે. અને પછી ત્યાં પાલિકા દ્વારા બાબાસાહેબની પૂર્ણકદની પ્રતિમા મુકવામાં આવી.
ડાયાલાલના અવસાન વખતે વરસતા વરસાદમાં પણ હજારો લોકો સ્મશાન યાત્રામાં જોડાયેલા. બે’ક દિવસ પછી ડાયાલાલના અવસાન સંદર્ભે મેં કેટલાક લોકોના પ્રતિભાવ લીધા તો એક વડીલે કહ્યું :
“શું બોલીએ, આજે આપણી સમાજ વિધવા થઈ ગઈ. આપણા સમાજનું છત્ર છીનવાઈ ગયું. ડાયાલાલ ફક્ત ચોકમાં બેઠા હોય તોય બહારના કોઈ આવારાતત્વની હિંમત નહોતી થતી કે આપણા સમાજ સામે આંખ ઉંચી કરીને જુએ. આપણા સમાજનો મોભ છીનવાઈ ગયો.”
એટલું કહ્યું ને એ વડીલની આંખો ચુવા લાગી.
આજે નવી પેઢીના અનેક યુવાનો સુરેન્દ્રનગરના દલિત સમાજનું પ્રતિનિધિત્વ કે નેતૃત્વ કરી રહ્યા છે પણ એ સૌ ક્રાંતિકારી યુવાનોના આદર્શ તરીકે ગોરીયો અને ડિયો કાયમ યાદ રહેશે.
શહીદ વીર ગોરા ભવાન ડાભી અમર રહો…
સમાજ હિતેચ્છુ ડાયાલાલ જાદવ અમર રહો…
લેખક: ડૉ.સુનીલ જાદવ (94287 24881)