જામકંડોરણામાં Jamkandorana થોડા દિવસ પહેલા પોલીસ (Police) દ્વારા એક દલિત (Dalit) યુવાનને ઢોરમાર (Torture) મારવામાં આવ્યો હતો. જેના કારણે યુવાનને શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહીની કરવામાં આવી માગ
જામકંડોરણા પોલીસ દ્વારા દારૂના બુટલેગરો પાસેથી હપ્તા લેતા હોવાના પણ કરવામાં આવ્યા આક્ષેપ
જામકંડોરણા પોલીસ દ્વારા દલિત સમાજના આગેવાનું અપમાન કરતા હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા
Rajkot: જિલ્લાના જામકંડોરણામાં પોલીસ (Jamkandorana Police) દ્વારા ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. જેને લઈને જામકંડોરણા દલિત સમાજ દ્વારા આક્રોશ સાથે એક આવેદનપત્ર જામકંડોરણા મામલતદાર મારફત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને મોકલવામાં આવ્યું છે. દેશ અને રાજ્યમાં થોડા થોડા સમય પોલીસ અત્યાચારોની ઘટનાઓ સામે આવતી રહે છે.
જેના કારણે લોકોનો પોલીસ પરનો ભરોસો પણ તૂટતો હોય છે. થોડા મહિનાઓ પહેલા કચ્છમાં પણ પોલીસનો ક્રૂર ચહેરો સામે આવ્યો હતો. જેના કારણે સમગ્ર પોલીસ બેડાને નીચું જોવાનું થયું હતું. હવે જોવાનું રહ્યું કે આઝાદીના 75 વર્ષો પછી પણ પોલીસ કર્મીઓ ક્યારે માનવીય અભિગમ દર્શાવશે તે એક મોટો પ્રશ્ન છે!
નામદાર સુપ્રીમ કૉર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના પણ પોલીસ સ્ટેશનમાં થતા ટોર્ચર પર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.
જામકંડોરણા દલિત સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે
ગત તા. 10/09/2021 ના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનના PSI ગોહિલ અને જમાદાર મયુર પટેલ દ્વારા દલિત સમાજના યુવાન લલિત બગડાને ખાનગી વાહનમાં લઈ જઈ તેની સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ કર્મી મયુર દ્વારા દલિત યુવાન લલિત ને પટ્ટા અને ઢીકા પાટુનો ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેમાં યુવાનની આંખ 50% ડેમેજ અને જડબના ઉપરના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હોવાનું પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. યુવાનોને ગંભીર ઇજાઓ થતા તેને ડરીને જામીન પર છોડવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આગળ આવેદનપત્ર મુજબ જણાવ્યું છે કે દલિત યુવાન લલિત બગડાને જામીન મળ્યા બાદ તેને શરીરમાં દુઃખાવો ઉપડતા તેને ધોરાજી ખાતેની સરકારી દવાખાના અને ત્યારબાદ જૂનાગઢના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. જ્યાં જામકંડોરણા પોલીસ દ્વારા 12/09/2021 ના રોજ બપોરના સમયે જૂનાગઢના સરકારી દવાખાના ખાતે લલિત બગડાનું નિવેદન લેવામાં આવ્યું હતું.જેમાં યુવાન દ્વારા તેઓને માર મારી જ્ઞાતિથી અપમાનિત
કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું નિવેદન આપવામાં આવેલ હતું.
આમ આ યુવાનના નિવેદન મુજબ અનુ.જાતિ અત્યાચાર નિવારણ ધારાની જોગવાઈ મુજબ ગુનો બનતો હોય તેનુ સ્ટેટમેન્ટ પી.એસ.આઈથી ઉતરતી કક્ષાના અધિકારી લઈ શકે નહી. આમ છતા જામકંડોરણા પોલીસ આ કાયદો જાણતી નહોય તેમ આ અધિનિયમની જોગવાઇ વિરૂધ્ધ હેડકોન્સ્ટેબલ દ્વારા આ યુવાનનુ નિવેદન લેવામા આવેલ હતુ.
જામકંડોરણા પોલીસ પર પોલીસ કર્મી મયુર પટેલનો બચાવ કરવાના લાગ્યા ગંભીર આક્ષેપો
દલિત સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ તુરત જ ગુનો દાખલ કરવાનો હોય છે. આમ છતા રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા પોતાના કમાઉ દિકરા પોલીસ જમાદાર મયુર પટેલને બચાવવા જાણે કોગ્નિઝેબલ (Cognizable) અને નોન કોગ્નિઝેબલ (Non-cognizable) ગુનાની તુરંત જ કાર્યવાહી પોલીસ ન જાણતી હોય તેમ તાત્કાલીક રજીસ્ટર કરવાની ફરીયાદને પી.આઈ. કક્ષના અધિકારીને ઇન્કવાયરી સોંપી દઈ સમગ્ર પ્રકરણ પર પાણી-ઢોળ કરતા હોય તેવું જણાવ્યું હતુ.
જવાબદાર પોલીસ કર્મીઓ ઉપર પગલાં ન ભરાય તો આંદોલનની આપી ચીમકી
દલિત સમાજ જામકંડોરણા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આ બનાવમાં આ આવેદનપત્રથી 24 કલાકમાં ગુનો જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ દાખલ કરવાની માગ કરવામાં આવી હતી તેમજ પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ પણ કરવાની માગ કરવામાં આવી હતી. તેમજ જો માગ ન સ્વીકારાય તો આંદોલન કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.