જામનગર (Jamnagar) શહેરના ગુલાબનગર (Gulabnagar) વિસ્તારમાંથી કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની જન આશીર્વાદ યાત્રા શરૂ થાય તે પહેલા જ સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
ગુલાબનગર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હોવાથી નારાજ મહિલાઓ રજૂઆત માટે પહોંચી હતી. યાત્રા શરૂ થાય તે પહેલા જ વિરોધ પ્રદર્શન થતા ભાજપના નેતાઓમાં દોડધામ મચી હતી. તાત્કાલીક નેતાઓએ મહિલાઓને સમસ્યાના ઉકેલની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.
વરસાદી પાણીનો નિકાલ ના થતા પરેશાન લોકોશહેરના વોર્ડ નંબર 11માં આવેલા ગુલાબનગર અને આસપાસના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક લોકોની મનપામાં અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનો નિકાલ ના થયો હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી.
જન આશીર્વાદ યાત્રા સમયે જ વિરોધનો સૂર વ્યકત કર્યો હતો. જામનગરના ગુલાબનગરથી આજે મંત્રી કિરીટસિંહ રાણાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રા શરૂ થવાની હતી. મંત્રી આવે તે પહેલા સ્થાનિક નેતાઓ યાત્રાની તૈયારીઓ કરી રહ્યા હતા.
આ જ સમયે સ્થાનિક મહિલાઓ પોતાની સમસ્યા લઈ યાત્રાના પ્રસ્થાન સ્થળ પર પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો. ડેપ્યુટી મેયર અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટર તપન પરમાર દ્વારા અને અન્ય નેતાઓ દ્વારા મહિલાઓને સમસ્યાના ઉકેલની ખાતરી આપવામા આવતા મામલો શાંત પડ્યો હતો.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર.