જેતપુરમાં આજે જેતપુર-નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર-1 ના અલગ-અલગ વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા વર્ષોથી પ્રાથમીક સુવિધાઓ ન અપાતા હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવાયું હતુ.
ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી આ વિસ્તારોમાં
જેતપુર પાલિકાની હદ હેઠળ આવતા ધોરાજી રોડ પર આવેલા દાસીજીવણ પરા, કૃષ્ણનગર, આંબલીયા નગર અને જલારામનગર 1,2,3 ના રહેવાસીઓ દ્વારા આક્રોશ સાથે રજુઆત કરવામાં આવી હતી કે તેમના વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે પાક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નથી. તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાનું પણ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કર્યો થયા જ કેમ નથી. શું પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કઈ નક્કર આયોજન કરવામાં નથી આવ્યું?
આવા અનેક સવાલો થતા જોવા મળતા હોય છે.જો કે વોર્ડ નંબર-1 રહેવાસીઓ દ્વારા અગાઉ 2019 માં પણ પાયાની સુવિધાઓ આપવા માટે આવેદનો પાઠવવામાં આવ્યા હતા. પણ સ્થિતિ “જે સે થે” મુજબની જોવા મળે છે.
માંગો ન સ્વીકારાય તો આંદોલનની આપવામાં આવી ચીમકી
જોકે આ વિસ્તારોના લોકો દ્વારા આજે અપાયેલા આવેદનપત્રમાં તે પણ જણાવ્યું હતું કે જો તેમની માંગો પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ સાથે આ વિસ્તારના લોકોની સમસ્યાઓમાં શહેર વિકાસ સમિતિ જેતપુર દ્વારા પણ ટેકો જાહેર કર્યો હતો અને શહેર વિકાસ સમિતિ જેતપુરના સંયોજક મનોજ પારઘી પણ આ લોકો સમસ્યાઓમાં લોકોની સાથે જોવા મળ્યા હતા.