કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.
તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.
આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.