બાબસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જતાં રેકડી ધારકો
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગંદકી અને અસ્વચ્છતા ફેલાવતા દબાણકર્તાઓ
Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur)માં સરદાર ગાર્ડન (Sardar Garden) પાસે બાબાસાહેબ આંબેડકર (Dr. Ambedkar) ની પુરા કદની પ્રતિમા આવેલ છે. જેમાં પ્રતિમા (Statue) પાસેના પરિસરમાં SC સમાજ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમયે સમયે યોજવામાં આવતા હોય છે. પરંતુ આ પ્રતિમાની આગળના ભાગમાં ઘણા સમયથી ટ્રાફિક (Traffic) અને ગંદકી ફેલાવતા રેકડીધારકો ઉભા રહેવા લાગ્યાં છે.
જેને કારણે પ્રતિમા પાસે આવતા લોકોને વાહન રાખવામાં હાલાકીનો સામનો કરવો પડે છે, ઉપરાંત રેકડીધારકો લોકો સાથે બોલાચાલી પણ કરતા હોય છે. જેને લઈને જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ પી.ડી. દરજીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.
જેમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ પી.ડી. દરજી SC સમાજના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. અને સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
આપને જણાવી આપીએ કે સરદાર ગાર્ડન પાસે શાકભાજીના રેકડીધારકો પણ MG રોડ પર પડ્યા પાથર્યા રહે છે. જેને કારણે રખડતા ઢોર પણ અડીંગો જમાવીને બેસતા હોય છે.
જેને કારણે ભૂતકાળમાં ગંભીર અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. અને આ રોડ પર જ જેતપુરની A ગ્રેડ સરકારી હોસ્પિટલ પણ આવેલી છે. જેમાં એમ્બ્યુલન્સ (Ambulance) પણ ભૂતકાળમાં ઘણીવાર પડ્યા પાથર્યા રહેતા ઢોરના કારણે ટ્રાફિકમાં ફસાણી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે.
જેતપુરતંત્ર દ્વારા બાબા સાહેબની પ્રતિમાનિ અવગણના
ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા શહેરની મધ્યમાં આવેલા સરદાર ગાર્ડન પાસે પ્રસ્થાપિત થયેલી છે. પરંતુ જે વિશ્વ વિભૂતિએ ભારતની તમામ મહિલાઓ અને પછાત વર્ગોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે તેની જ પ્રતિમા કે તેની આસપાસની જગ્યાની ગરિમા જળવાતી નથી.
તંત્રને અવાર-નવાર SC સમાજ દ્વારા રજૂઆત કરવા છતાં પણ ત્યાંની સાફ-સફાઈ અને લાઇટિંગના પ્રશનો જૈસેથી ની સ્થિતિમાં છે.
આવેદન કર્તાઓની માંગણી નહીં પૂરી કરવાના સત્તાધીશોએ જાણે સમ ખાઈ લીધા હોય તેવું વલણ દર્શાવી રહ્યા છે. જ્યારે અનુ.જાતિના ચૂંટાયેલા સભ્યો પણ આ કામ કરાવવા અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે.
પ્રતિમાનું પરિસરની જગ્યા વધારવા માંગ
જેતપુર અનુ.જાતિ સમાજ અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબા સાહેબની જન્મ જયંતિ તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થાય છે, ત્યારે જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાય છે.
તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એકજ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડે છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહે છે.
જેને લઈને અનુ.જાતિ (SC) ની એક સમાજિક મિટિંગમાં આગેવાન દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો પ્રસારિત કર્યો હતો. જેમાં જેતપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને સંબોધતા બગીચાની જગ્યાને બાબા સાહેબની પ્રતિમાના પરિસરમાં આવરી લેવાની, બંને સાઈડની સીડી બનાવવાની તેમજ તેને લાગતાં દરેક પ્રશ્નો નું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી.