ભારતના ઇતિહાસનું અંતિમ સત્ય એ જ છે કે માલિકો ગુલામોનું વર્ગીકરણ કે પેટા વર્ગીકરણ કરી શકે છે. ગુલામો હોમોજીનસ છે કે હીટરોજીનસ છે એ મુદ્દો મહત્વનો નથી. ગુલામો પાસે કોઈ વિકલ્પ જ નથી.
માલિકો ગુલામોને ટુકડા ફેંકે છે. ગુલામોમાં કેટલાક તાકતવર છે, તેઓ વધારે ટુકડા લઈ જાય છે. નબળા ગુલામો ટુકડાથી વંચિત રહી જાય છે.
ગુલામો એકત્રિત થઈને માલિકો સામે લડે, તેમને હરાવે અને પોતે શાસક બને એવી આશા શું ઠગારી છે?
હું ચુમ્માલીસ વર્ષથી અનુસૂચિત જાતિઓની એકતા માટે મથ્યો છું અને વાલ્મીકિ જાતિને દલિત-બહુજન આંદોલન સાથે જોડવાના પ્રયાસો કર્યા છે.
દલિતોની પેટા જાતિઓ વચ્ચેના આંતરિક મતભેદો ઘટાડવા માટે મેં હંંમેશા આંતરજાતિય લગ્નોની હિમાયત કરી છે.
1985માં વાલ્મિકી જાતિના પ્રથમ મહિલા પીએચડી ડો. શારદા વડાદરાનું અમે કર્મશીલ મિત્રોએ જાહેર નાગરિક સન્માન કર્યું હતું. અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં દલિત આંદોલનના તમામ કર્મઠ વડીલોએ હાજરી આપી હતી.
અમારી અસરકારક પહેલે શંકરાચાર્યને પણ ડો. શારદા વડાદરાનું સન્માન કરવાની પ્રેરણા આપી હતી. તે કાર્યક્રમમાં હરિજન સેવકના સંઘના પ્રમુખ જીણાલાલ જયરામદાસ આવ્યા હતા.
તેમણે તેમના વક્તવ્યમાં જણાવેલું કે સફાઈ કામદારો પરની એક ડોક્યુમેન્ટરી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા જોઈ રહ્યા હતા ત્યારે તેમાં વાલ્મિકી સફાઈ કામદારોને માથે મેલુ ઉપાડતા અને તેમના શરીર પર રેલા દદડતા જોઈને તેમણે નાક ઉપર રૂમાલ મૂકી દીધો હતો.
1990માં માથે મેલું ઉપાડવાની પ્રથાના સમગ્ર ગુજરાતમાં આંકડા પ્રથમવાર પત્રિકા પત્રિકા સ્વરૂપે ઉજાગર કરેલા અને આ સમસ્યા પરત્વે વ્યાપક સમાજનું ધ્યાન દોરેલું.
ડેવલપમેન્ટ કમિશનરના સત્તાવાર આંકડા અત્યંત ગોપનીય હતા, જેને જાહેર કરવામાં આવેલા.
1993માં ભાલ બારાના વીસ ગામોમાં બીહેવીયરલ સાયન્સ સેન્ટરે એક પહેલ કરી હતી. દરેક ગામમાં વાલ્મીકિ બહેનોના હાથે રાંધેલું ભોજન વણકર રોહિત સહિતની દલિત પેટા જાતિઓ તેમ જ દરબાર સુદ્ધાં એક પંગતમાં અને એ પણ વાલ્મીકિ વાસમાં જ બેસીને આરોગ્યું.
ત્યારે ‘ચોટલા ખત’ નામના શેરી નાટકની એક સ્ક્રીપ્ટ મેં લખેલી, જેમાં દેવાના બોજ હેઠળ ડૂબેલા વાલ્મીકિની વિપદા વર્ણવી હતી. આ નાટક બાળ કલાકારોએ ભજવેલું.
આજે અનુસૂચિત જાતિ અને જનજાતિઓની અનામતોમાં પેટા વર્ગીકરણ કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી રાતોરાત વાલ્મીકિની નજરમાં કેટલાક એનજીઓના અપવાદ બાદ કરતાં તમામ દલિત કર્મશીલો વિલન બની ગયા છે.
અત્યાર સુધી જે તોપનું નાળચું ઉપલી જાતિઓ તરફ તકાયેલું હતું, એ નાળચું 180 ડીગ્રી ફરીને દલિતની અંદરની જ પેટાજાતિઓ તરફ તકાયું છે. બહુજન સામે વંચિતોએ મોરચો માંડ્યો છે.
ફૂલે-શાહૂ-આંબેડકરી વિચારધારાએ વાલ્મીકિની વંચિતતાનો મુદ્દો એજન્ડા પર લેવો પડશે, તો જ આંદોલન અને વિચારધારા મજબૂત બનશે.
નોંધ: અહીં પ્રસ્તુત થતા લેખ લેખકના અંગત વિચાર છે.