Report by Dineshkumar Rathod
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા 10 તબીબોએ એકીસાથે રાજીનામા આપ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા એવા ડો. એસ.કે ગઢવીની અચાનક ભાવનગર ખાતે બદલી થતા મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા અન્ય 10 જેટલા તબીબોમાં રોષ જોવા મળ્યો હતો.
તેમજ આ મામલે તબીબોએ પ્રથમ હોસ્પિટલના ડિન. ડો ગૌરવી ધ્રુવને રજૂઆત કરી હતી અને આ મામલનું નિરાકરણ નહિ આવે તો રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારબાદ આ તબીબો રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને પણ આ મામલે રજુઆત કરવા પહોંચ્યા હતા.
પરંતુ તબીબોની સમસ્યાનું સમાધાન ન થતા અંતે મોડીરાત્રે 10 જેટલા તબીબોએ ડિનને રાજીનામા આપ્યા હતા.બીજી તરફ મેડીસીન વિભાગના ડો. એસ.કે ગઢવી મામલે પણ હજુ સુધી તંત્ર દ્વારા બદલી અંગનો કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા પણ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, રાજીનામા આપનાર 10 તબીબો હાલ કોવિડ 19 ની સ્થિતિને લઈને પોતાની સેવા ચાલુ રાખવાના છે તેવું પણ જાણવા મળ્યું છે.