વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, સુગમ સંગીત સહિત ત્રેવીસ સ્પર્ધાઓ થશે
Rajkot: રાજકોટ, 16જાન્યુઆરી – ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલીત જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન તા. 19-01-2025ના રોજ ગોંડલની ધોળકીયા ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લાના તાલુકાકક્ષા કલા મહાકુંભની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધા માટે અરજી કરનાર પાત્રતા ધરાવતા 06થી 14 વર્ષ, 15થી 20 વર્ષ, 21થી 59 વર્ષ વયજુથનાં સ્પર્ધકો વચ્ચે
વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહ ગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, એકપાત્રીય અભિનય, કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સ્કુલબેન્ડ સહિતની 23 કૃતિઓ માટે હરિફાઈનું આયોજન કરવામાં આવશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક-કલાવૃંદ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ એચ.વી. દિહોરાની યાદીમાં જણાવાયું છે.