Rajkot: રાજકોટ તા. 19 મે – આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આજ રોજ વહેલી સવારે આર.ટી.ઓ. ટીમ દ્વારા ભલગામડા પાસે ભાદર નદી ખાતે રેડ પાડવામાં આવી હતી. આર.ટી.ઓ. અધિકારીના જણાવ્યા મુજબ આ રેડમાં કુલ 19 વાહનોની તલાશ કરવામાં આવી હતી. જેમાં 03 ઓવરલોડેડ વાહનો પકડવામાં આવ્યા હતાં.
જયારે આર.ટી.ઓ. ટેક્સ ન ભરેલા 04 વાહનો મળી આવેલ છે. રેડ દરમિયાન કેટલાક વાહનોના ડ્રાઈવર નાસી જતા સ્થળ પર વાહનો બિનવારસી હાલતમાં મળેલ હતાં.
આ વાહનોના માલિકો અંગે વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારીએ જણાવ્યું હતું.