માત્ર વાંચવામાં સારો લાગતો શબ્દ ‘એક નંબર વોર્ડ’ હકીકતમાં છેલ્લા નંબરને પણ શરમાવે તેવી સ્થિતિમાં !
જેતપુરના નવાગઢ કેનાલ કાંઠે આવેલો મહત્તમ દલિત વસ્તી ધરાવતો દાસીજીવણ પરા વિસ્તાર કે જ્યાં વિકાસ આભડછેટ રાખીને બેઠો હોય તેવું લાગે છે.છેલ્લા કેટલા વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત આ વિસ્તારની પ્રજા,રોડ રસ્તા માટે વલખા મારે છે.એક બાજુ ચોમાસુ તો પુર બહારમાં ખીલ્યું છે પણ તેની મજા માણવાને બદલે લોકો અહીં જાણે તેની સજા ભોગવી રહ્યા હોય તેવું લાગે છે.ચારે બાજુ કાદવ-કીચડમાં મજબુરીથી પસાર થતા લોકો અને તેમાં થતી ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સામે લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહ્યા છે.મત માંગવા સમયે સૂફીયાણી વાતો કરતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ જાણે મિસ્ટર ઇન્ડીયા થઈ ગયા છે!
જેતપુરના એવા વિસ્તારો કે જ્યાં મોટા ભાગે સવર્ણોની વસ્તી છે અને એક ચોક્કસ પાર્ટી માટે,મોટી મોટી વોટ બેંકો સાબિત થાય છે. તેવા વિસ્તારોમાં વર્ષમાં બે બે ત્રણ ત્રણ વાર રસ્તાઓ બને છે અથવા તો રીપેર થાય છે.
નગર પાલિકા દ્વારા ધરે ધરે બહાર બેસવાના બાંકડાઓ જેતપુરમાં બીજે ક્યાંય નહિ અને અમુક ચોક્કસ વિસ્તારોમાં જ જોવા મળે છે.નગરપાલિકાના આ બાંકડાઓ અમુક ફાર્મહાઉસ/કારખાનાઓ તેમજ ઘર આંગડાના બગીચાઓની પણ શોભા વધારી રહ્યા છે.દાસીજીવણ પરા જેવા વિસ્તારો જે પછાત અને ગરીબ છે તેની કાલાવેલી સાંભળવા શાસકો પોતાના કાન જાણે ખિસ્સામાં રાખી દયે છે! શું આવા ગરીબ મતદારો અને વિસ્તારો વોટ બેંકના રાજકારણનો ભોગ બની રહ્યા છે ? સમગ્ર દેશ ભલે સ્વતંત્રતાના ૭૪ વર્ષની ઉજવણી કરતો હોય પરંતુ આવા વિસ્તારોના લોકો આજે પણ આઝાદ દેશના લાચાર ગુલામો જેવી જિંદગી જીવી રહ્યા છે અને તેની આવી હાલત બનાવી નાખતા જવાબદારો ભારતના લોકતંત્ર ઉપર દાગ ઉપસાવી રહ્યા છે.
રિપોર્ટ: રાહુલ વેગડા, જેતપુર
મો.: 9601155576