Upleta: હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સની સમજણ અને સતર્કતાથી સગર્ભા મહિલાને મળ્યું નવજીવન

SHARE THE NEWS

ડીલિવરી બાદ માતાને પોસ્ટ હેમરેજ (પી.પી.એચ) ની ત્વરિત સારવાર ઉપલબ્ધ કરી સ્વાસ્થ્ય પ્રદાન કરતુ ઉપલેટા આરોગ્ય કેન્દ્ર (Upleta Health Center)

રાજકોટ તા. 7, જુન – રાજયના દુર સુદુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યની નિઃશૂલ્ક સેવાઓ ઉપલબ્ધ થાય અને દેશનો નાગરીક આર્થિક કારણોસર સારવાર વગરનો ન રહે તે માટે રાજય રસકાર દ્વારા તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર તથા હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ કાર્યરત કરાયા છે. જયાં લોકો ખાસ કરીને ડાયાબીટીઝ, સગર્ભા બહેનો અને બી.પી. કે હાર્ટની બીમારી ધરવતા લોકોની નિયમીત તપાસ અને પ્રાથમિક તપાસ પણ કરાય છે. રાજય સરકારની આ સેવાઓ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અનેક પ્રકારે ઉપકારક બની રહી છે.

તાજેતરમાં જ મુળ ઉપલેટા તાલુકાના અને હાલ જાળગામના રહેવાસી એવા સગર્ભા રસીલાબેન કેશુભાઇ કિડિયાને ખારચીયા ગામે કાર્યરત હેલ્થ અને વેલનેશ સેન્ટરની સેવાઓએ અને તેના કાર્યરત કર્મચારીઓની સતર્કતાએ માતા અને બાળકને નવજીવન આપ્યું છે.

રસીલાબેન કિડિયા સગર્ભા હોઇ તેમનું અર્લી રજીસ્ટ્રેશન કરાયું હતું. આ ગામ ખારચિયા હેલ્થ અને વેલનેશ સેન્ટરના નેજા હેઠળ આવતું હોઇ ત્યાં તેમની નિયમિત તપાસ કરાઇ રહી હતી. પરતું તેમનું વજન માત્ર ૪૦ કિલો અને લોહીનું પ્રમાણ સાવ ઓછું ૭.૫ હતું. આ ઉપરાંત અગાઉ 2009 માં પણ ડીલીવરી થઇ હોવાથી તેઓની હાઇરીસ્ક એ.એન.સી. નોંધ કરાઇ હતી. આથી તેઓને આયર્ન સોર્સની બોટલ પણ ચડાવાઇ હતી. જેથી લોહીનું પ્રમાણ વધીને 10.5 થયું હતું. તા. 21/05/2021 ના રોજ તેઓને પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલી ખાતે બે કિલો અને 200 ગ્રામ વજનના બાળકનો જન્મ થયો હતો.

પરંતુ ત્યાર બાદ તેઓને પોસ્ટ હેમરેજ(પી.પી.એચ) શરૂ થઇ જતાં સ્ટાફ નર્સ રીનાબેન સુવા દ્વારા સતર્કતા દાખવી તેઓને પ્રાથમિક સારવાર આપી હેલ્થ અને વેલનેશ સેન્ટર ખારચીયાના ડો. નારણ ડાંગર તથા પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલીના ડો. વોરાને તુરત જ જાણ કરી હતી. જેના કારણે તેઓ લાભાર્થી રસીલાબહેન સાથે તુરત ઉપલેટા ખાતે સામુહીક અરોગ્ય કેનદ્ર ખાતે પહોચી ગયા હતા. એટલું જ નહીં માર્ગમાં જ તાલુકા હેલ્થ ઓફીસર ડો. હેપ્પીને જાણ કરવામાં આવતાં તેઓએ લાભાર્થી પહોંચે તે પહેલા જ ગાયનેક તબીબને ઉપલેટા ખાતે હાજર રાખ્યા હતા.

રસીલાબેનને ત્વરિત સારવાર હેઠળ લઇને ગાયનેક ડોકટર અને તેની ટીમ દ્વારા સ્ટીચ (ટાંકા) લેવામાં આવ્યા ઉપરાંત લોહિનું પ્રમાણ 5.5 થઇ જતાં એક યુનીટ બ્લડ પણ ચડાવાયું હતું. ત્યાર બાદ બીજા દિવસે તેઓને રજા આપવામાં આવી હતી.

હાલ રસીલાબેનને આયર્ન સોર્સ પી.એચ.સી. સેન્ટર પાનેલી ખાતે ચાલુ છે. તથા માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. રસીલાબેનને નવજીવન મળતાં પરીજનો દ્વારા નર્સ રીનાબેન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર વ્યકત કરાયો હતો.

આમ હેલ્થ અને વેલનેશ સેન્ટરના સ્ટાફ નર્સ રીનાબેનની સમયસુચકતા અને સતર્કતાએ રસીલાબેન તથા બાળકને નવજીવન આપ્યું હતું. રાજય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ શરૂ કરાયેલ આરોગ્ય સેવાઓ અનેક આર્થીક નબળા અને જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *