વાત જાણે એમ છે કે પાછલા એકાદ વર્ષથી રાજ્યની સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં (Dr B.R. Ambedkar) ડૉ. બાબા સાહેબ આંબેડકરની છબી મુકવા માટેની લડત ચલાવનાર દલિત અગ્રણી (Dalit Leader) કિરીટ રાઠોડ દ્વારા સામાન્ય વહીવટ વિભાગમાં જુદા જુદા મુદ્દાઓની માહિતી મેળવવા RTI મુજબ અરજી કરી હતી.
જેમાં તેઓએ ગુજરાત સરકાર પાસે માહિતી માંગી હતી કે સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોની કોની છબી મુકવાની જોગવાઈ થઈ છે અને તે અંગે સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવો અને ફાઇલ નોટિંગની નકલો માંગી હતી.
જેને લઈને સામાન્ય વહીવટ વિભાગના જીગ્નેશ ચૌધરી, જાહેર માહિતી અધિકારી અને સેક્શન અધિકારી (પ્રો) દ્વારા કિરીટ રાઠોડ ને માંગ્યા મુજબની માહિતીમાં ચોકાવનારી હકીકતો બહાર આવી છે.
શ્રી રામની છબી મુકવાની માગણી કોણે કરી અને ક્યારે કરી હતી?
તા. ૩૦/૦૬/૨૦૨૧ ના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે માહિતી પૂરી પાડવામાં આવી તેમાં ચોકવનારી હકીકતો બહાર આવી છે.
જેમાં તા. ૨૭/૦૭/૧૯૯૮ ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ ભાણવડ શાખા, પોરબંદર જિલ્લા પ્રમુખ દ્વારા કેશુભાઈ પટેલ, મુખ્યમંત્રી ગાંધીનગર અને રાજેન્દ્રસિંહ રાણા, પ્રદેશ પ્રમુખ. ભા.જ.પ, ગુજરાતને પત્ર લખીને સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓમાં (Lord Rama) શ્રી રામની છબી રાખવા બાબતે લેખિત રજુઆત કરી હતી.
જેને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા એ તા. ૨૨/૦૯/૧૯૯૮ ના રોજ કેશુભાઈ પટેલ, મુખ્યમંત્રીને પત્ર લખીને શ્રી રામની છબી રાખવા બાબતે કાર્યવાહી કરવા ભલામણ કરતો પત્ર લખ્યો હતો.
ત્યાર બાદ મુખ્યમંત્રીના સચિવ આઈ.પી.ગૌત્તમ (આઈ.એ.એસ) દ્વારા તા. ૧૬/૧૦/૧૯૯૮ ના રોજ અધિક મુખ્ય સચિવ. (ક.ગ), સામાન્ય વહીવટ વિભાગ. ગાંધીનગર ને જરૂરી કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો.
શ્રી રામ ની છબી સરકારી કચેરીઓમાં વિગેરેમાં રાખવી કે કેમ તે અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારશ્રીના આદેશ મેળવીએ તેવું ફાઈલ નોટિંગ થયું. અને તબક્કાવાર આ બાબતનો નિર્ણય કરવા માટે સેકશન અધિકારી, ઉપ સચિવ (પ્રો), નાયબ સચિવ(પ્રો), અધિક મુખ્ય સચિવ(ક.ગ), મુખ્યસચિવ, અને મુખ્યમંત્રીશ્રી સુધી ફાઇલ ગઈ.
શું નિર્ણય થયો હતો?
શ્રી રામની છબી રાખવા અન્વયે માંગણી સ્વીકરવામાં આવી નથી
સરકારી કચેરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોની છબી મુકવામાં આવે છે
ગુજરાત સરકારના ઠરાવ મુજબ કુલ આઠ લોકોનાની છબી મુકવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં (૧) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (૨) સ્વ.જવાહરલાલ નહેરુ (૩) સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલ (૪) વિદ્યમાન રાષ્ટ્રપતિ (૫) વિદ્યમાન વડાપ્રધાન (૬) ભારત માતા (૭) પંડિત દિન દયાલ ઉપાધ્યાય (૮) શ્યામા પ્રસાદ મુખર્જી
શ્રી રામના નામે મત તો માંગ્યા પણ તેમની છબી મુકવાનો કર્યો અસ્વીકાર.
ભાજપ પક્ષે શ્રી રામ જન્મ ભૂમિ માટે ખૂબ આંદોલનો કર્યા શ્રી રામના નામે લોકો પાસે મત માંગ્યા અને શ્રી રામના નામે હિંદુત્વ મજબૂત કર્યું અને રામ રાજ્યની વાતો કરી ખોબલે ખોબલે મત અંકે કરી રાજકીય સત્તા હાંસલ કરી અને ત્યારબાદ રામ રાજ્યમાં શ્રી રામ ની છબી મુકવાની માંગ વિશ્વ હિન્દુ પરિષદ અને ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખે કરી ત્યારે તે સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે શ્રી રામની છબી મુકવાની માંગણીનો અસ્વીકાર કર્યો હતો.
હાલમાં યુપીના અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને ગુજરાતમાંથી પણ શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય માટે ગામડાઓ અને શહેરોમાંથી કરોડો રૂપિયાનું દાન ઉઘરાવવામાં આવ્યું છે.
રિપોર્ટ: કિરીટ રાઠોડ, વિરમગામ