જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે.
ત્યારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને કરવામાં આવી હતી.
જેથી આજે સોમવારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાખી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે.
મહાનગરપાલિકાના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા બાદ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યારે જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ પાણીની અવ્યવસ્થા સર્જાય છે, તો શહેરમાં કેવી પરિસ્થિતિ હશે તેવી લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, મહિલા વોશરૂમમાં આખરે પાણી શરૂ થતા હાલ આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર.