Report by Dineshkumar Rathod
સુરત : લોકડાઉનને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે. લોકડાઉનના કારણે સુરતમાં અટવાઈ પડેલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહી રહ્યાં છે. જે માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનનો ચોથો તબક્કો અંતિમ ચરણમાં છે, ત્યારે સુરતથી મોટાભાગના શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે. જેના કારણે સુરતથી યુ.પી.ખાતે ઉપડતી ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા છેલ્લા બે દિવસ દરમ્યાન સત્તર જેટલી ટ્રેનો યુ.પી.ની રદ કરવામાં આવી છે.
સુરત જિલ્લા કલેકટર દ્વારા હાલ યુ.પી.ખાતે ટ્રેનો નહીં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં પ્રવાસીઓની પૂરતી સંખ્યા ન મળતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાની ફરજ પડી છે. મહત્વનું છે કે, 235 જેટલી ટ્રેનો હમણાં સુધી યુ.પી.ખાતે મોકલવામાં આવી હતી. જે ટ્રેનમાં સુરતથી 3.50 લાખ યુ.પી વાસી શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે.જ્યાં મોટાભાગના શ્રમિકો વતન ચાલ્યા ગયા હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જ્યાં યુ.પી. તરફની ટ્રેનો હાલ બંધ કરી દેવામાં આવી છે.