બાબાસાહેબની અટક આંબેડકર ક્યાંથી આવી ???: રાજુ સોલંકી

SHARE THE NEWS
મુંબઈમાં આવેલું બાબાસાહેબ આંબેડકરનું ઘર “રાજગૃહ”

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આંબડવે ગામ સુબેદાર રામજી શકપાલનું વતન. જ્યારે રામજી તેમના પરીવારને લઇને સતારા ગયા ત્યારે તેમણે નક્કી કર્યું કે જાતિ-સૂચક શકપાલ અટક મારા વારસદારોને આપવી નથી, એટલે એમણે એમના પુત્ર ભીમરાવની અટક આંબડવેકર રાખેલી.

બાળક ભીમને લઇને તેઓ પ્રતાપસીંગ હાઇસ્કુલમાં ગયા ત્યારે સ્કુલના કારકૂનને આંબડવેકર બોલવામાં તકલીફ પડી, એટલે એણે આંબડવેકરની જગ્યાએ આંબેડકર સરનેમ સ્કુલના રજિસ્ટરમાં લખી નાંખી. ત્યારથી બાબાસાહેબની અટક પડી ગઈ આંબેડકર.

એ સ્કુલમાં કોઈ આંબડવેકર કે આંબેડકર નામના બામણ શિક્ષક નહોતા. #રાજરત્ન_આંબેડકર પોતે આ સ્કુલમાં ગયેલા, એ સમયના રજિસ્ટરો ચેક કરેલા અને એમણે પોતાની જાત માહિતીથી જણાવ્યું છે કે તે વખતે તે સ્કુલમાં બેશક એક જોષી નામના બામણ શિક્ષક હતા.

રાજરત્નએ આ સમગ્ર બાબતનો ખુલાસો વીડીયો બનાવીને કર્યો છે.

આમ, બાબાસાહેબની અટક એમના કોઈ #આંબેડકર સરમનેમવાળા બામણ શિક્ષકે આપેલી એ વાર્તાનો છેદ ઉડી જાય છે.

ગુજરાતમાં ધનંજય કીરના ગુજરાતી અનુવાદમાં આ વાર્તા આપણને જાણવા મળી અને પ્રચલિત થઈ. ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં કિશોર મકવાણાએ આ વાર્તામાં મરી મસાલો ઉમેરીને બીજી મોટી વાર્તા બનાવી છે. તેઓ લખે છે કે,

“1924નો એક પ્રસંગ છે. ડો. બાબાસાહેબ #આંબેડકર તેમના કાર્યાલયમાં કોઈ વિષય પર લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. બરાબર તે સમયે જ એક વયોવૃદ્ધ સદગૃહસ્થ લાકડીના સહારે તેમના કાર્યાલયના દરવાજે આવીને ઉભા રહ્યા. ડો. બાબાસાહેબ આંબેડકર તો તેમને જોતાંવેંત ખુરસીમાંથી ઉભા થઈ ગયા અને જઇને સીધા વૃદ્ધપુરુષને પગે લાગ્યા.

બીજા લોકોને તો નવાઈ લાગી. પેલા આગંતુકે આશીર્વાદ આપતા કહ્યું, ચિરંજીવી હો. ડો. બાબાસાહેબ

 #આંબેડકર ખુબ આદર સહિત એમને કાર્યાલયમાં દોરી લાવ્યા. સાથીદારો વૃદ્ધજનની ઓળખાણ ઇચ્છતા હતા એટલે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું, ‘મિત્રો, આ મારા ગુરુજી છે. એમના હાથ નીચે મેં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. તમે તો જાણો જ છો કે મારી અટક તો આંબાડેકર હતી.

પણ બાળપણમાં મને આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે. આજે અચાનક જ મને મળવા આવ્યા, એથી હું ઉપકૃત થયો છું. એમના પાવન પગલાં મારા કાર્યાલયમાં પડ્યા, એથી ધન્યતા અનુભવું છું.’ ડો. બાબસાહેબ #આંબેડકરની વાત સાંભળીને ઉપસ્થિત તમામ લોકોએ એમને પ્રણામ કર્યા.

એક જમાનાનો બાળક આંબેડકર આજે મહાન વિદ્વાન ડો. આંબેડકર બની ગયો છે છતાંય એની નમ્રતામાં કે એમની ગુરુભક્તિમાં ક્યાંય કમી આવી નથી. એ જોઇને ગુરુજીની આંખમાં હર્ષમાં આંસુ ઉભરાઈ આવ્યા.

ભીમરાવનો આદર પામીને ગુરુજી તો ભાવવિભોર થઈ ગયા. અને એટલું જ બોલ્યા, ‘ભીમા,તેં તારા કુળનું નામ તો દીપાવ્યું છે પણ તારે લીધો તો મનેય યશ મળ્યો છે. તું અમર થવાનો છે.’

ગુરુજીએ થોડીક વાતો કરીને જવાની તૈયારી કરી. એટલે બાબાસાહેબ બોલ્યા, ‘સાહેબ, મેં હજુ કમાણી કરી નથી. છતાંં મારી ઇચ્છા એવી છે કે હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપના ચરણોમાં સમર્પિત કરી ગુરુદક્ષિણા અર્પણ કરું.’ એકવાર ગુરુજી સવારના સમયે કાર્યાલયમાં પુન: પધાર્યા.

ડો. બાબાસાહેબ આંબેડકરે પાંચ પાન, પાંચ સોપારી, સવા રુપિયો અને નવી ધોતી ગુરુદક્ષિણારુપે ગુરુજીને અર્પણ કર્યા.”

કિશોર મકવાણાની ઉપરોક્ત કથામાં બાબાસાહેબ એમના ગુરુને એવું કહે છે કે “સાહેબ, મેં હજુ કમાણી કરી નથી.” આ કેવી રીતે બને? મકવાણા આ પ્રસંગની સાલ લખે છે 1924.

બાબાસાહેબના જીવનપ્રસંગોની ક્રોનોલોજી જુઓ. 1924 પહેલાં તો બાબાસાહેબ મુંબઈની સીડનહેમ કોલેજના પ્રોફેસર બની ચૂક્યા છે, પછી એ નોકરી છોડીને મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત પણ શરુ કરી દીધી હતી.

છતાં બાબાસાહેબ એવું જુઠ્ઠં બોલે કે મેં હજુ કમાણી કરી નથી, એ વાત માન્યામાં આવતી નથી. અને પછી બાબાસાહેબ એમના ગુરુને પાંચ પાન, પાંચ સોપારી, સવા રુપિયો અને નવી ધોતી ગુરુદક્ષિણારુપે આપે છે.

આ તો હદ થઈ ગઈ. કિશોર મકવાણા આ પાન, સોપારી, સવા રુપિયો, ધોતી ક્યાંથી લાવ્યા? જુઠ્ઠાણાની એક હદ હોય છે.

હવે આપણે મૂળ વાત પર આવીએ. બાબાસાહેબના જીવનની સૌથી પ્રમાણિત કથા ચાંગદેવ ખેરમોડેએ મરાઠીમાં લખેલા 12 ગ્રંથોમાં છે. બીજો પ્રમાણિત સ્રોત છે બાબાસાહેબનો ખુદનો પરિવાર.

1976માં એલેક્સ હેલીએ ‘રુટ્સ ધી સાગા ઑફ એન અમેરિકન ફેમિલી’ લખેલી. એમાં હેલીએ એના 18મી સદીના આફ્રિકન પૂર્વજ કુન્તા કિન્તેની હ્રદયદ્રાવક કથા આલેખી છે.

કઈ રીતે કુન્તાને ગુલામ બનાવીને ઉત્તર અમેરિકા લાવવામાં આવ્યો અને પછી એના વાલી-વારસોનું શું થયું એ સમગ્ર મહાકથા સમયમાં પાછા પગલાં ભરીને હેલીએ લખી છે એને તમે વાંચો તો તમારા રુંવાડા ઉભા થઈ જાય છે.

હેલીની જેમ રાજરત્ન આંબેડકરે એના બાપદાદાનો દટાયેલો ઇતિહાસ સદીઓની ધૂળ ખંખેરીને ખોળી કાઢ્યો છે. એટલે રાજરત્ન અને ખેરમોડેમાં પણ કોણ વધારે પ્રમાણિત છે એ નક્કી કરવાનું હોય તો હું બેશક રાજરત્નની વાત માનીશ.

હવે જો રાજરત્નના કહેવા પ્રમાણે કોઈ બામણ શિક્ષક, ગુરુજી કે ટીચર પ્રાથમિક શાળામાં ભીમરાવને ભણાવવા આવ્યા જ નહોતા તો આ કથા બાબાસાહેબના નેરેટિવમાં કઈ રીતે ઘૂસી ગઈ?

આ કથામાં નવાણુ ટકા કલ્પના છે અને સત્ય હશે તો પણ એ એકાદ ટકો હશે. કિશોર મકવાણાએ બામણ ગુરુજી હતા (હતા કે કેમ એ સવાલ તો છે જ) એના કરતા પણ સો ગણા ઉપસાવીને બામણોને રાજી કર્યા છે એ સ્પષ્ટ દેખાય છે.

હરિ દેસાઈ પણ કિશોર મકવાણાની જેમ યુટ્યુબની એમની એક ચેનલ પર આ જ કથા ફરીથી ઘૂંટી રહ્યા છે અને અનભિજ્ઞ, માહિતી-વંચિત દલિતો વાહ વાહ કરી રહ્યા છે, ત્યારે આ એક નાનકડો સંકેત જય ભીમ સાથે સૌને સમર્પિત. વાંચજો અને વિચારજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *