દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી

SHARE THE NEWS

કચ્છના રાપરમાં દલિત અગ્રણી દેવજીભાઈ મહેશ્વરી(ઉં-50)ની હત્ત્યા; 25 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેરમાં છરી મારીને કરવામાં આવી. તેઓ એડવોકેટ હતા; ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન’ના આગેવાન અને ‘ઇન્ડિયન લૉયર્સ ઍસોસિયેશન’ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ રાપર તાલુકામાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમના અધિકારો માટે કામ કરતા હતા. સ્વાભાવિક છે કે સ્થાપિતહિતોને પેટમાં દુખે ! હત્યા કરનારની પાછળ કાવતરાખોર હોય છે. 

આ બધાને ત્વરિત એરેસ્ટ કરવાનું કામ પોલીસ માટે પડકારભર્યું હોય છે. દેવજીભાઈની અંતિમવિધિ કરવામાં આવી નથી; તેમના પત્ની મિનાક્ષીબહેન ધરણા ઉપર બેઠા છે; તેમની માંગણી છે કે ‘આરોપીઓને પકડો પછી જ અંતિમવિધિ કરીશું ! રાપરમાં જ્ઞાતિવાદનું વાતાવરણ છે. ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા દલિતો અને બક્ષીપંચના નબળા લોકોને મારવા-ઝૂડવાના બનાવો અવારનવાર બનતા રહે છે ! પોલીસ પગલાં લેતી નથી. અસામાજિક તત્વોને છૂટો દોર મળ્યો છે !’

પ્રશ્ન એ છે કે રેપ/હત્યાની પ્રત્યેક ધટનામાં ભોગ બનનાર દલિત પરિવાર શામાટે આંદોલન/ધરણા કરે છે? આપણા તંત્રમાં/આપણી પોલીસમાં, દલિતોને કેમ ભરોસો નથી? આ કેસ IPC કલમ-302/120B/અને એટ્રોસિટી એક્ટ કલમ- 3 (2) (5) હેઠળ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. કેસની તપાસ માટે SIT-સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. છતાં દલિત પરિવારને સંતોષ નથી. કેમ? દલિતોને તંત્ર ઉપર વિશ્વાસ બેસે તેવું વાતાવરણ ઊભું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે; તે હકીકત છે. 

ઊનાકાંડમાં શરુઆતમાં પોલીસની ભૂમિકા કેટલી વરવી હતી; તે જૂઓ. થાનગઢ હત્યાકાંડમાં પણ દલિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. રાપરની આ ઘટના સામાન્ય નથી. એક જાગૃત એડવોકેટ/કર્મશીલની હત્યા કરીને હત્યારાએ અસંખ્ય દલિતોને ડરાવી દીધાં છે; એમને ન્યાયથી વંચિત કરી દીધાં છે. ગરીબ દલિતો હવે કઈ રીતે ન્યાય મેળવવા આગળ આવશે? સત્તાપક્ષના દલિત ધારાસભ્યોએ દલિતોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. વિપક્ષ વિરોધ કરે તો એનો અવાજ દબાવી દેવામાં આવે છે. કર્મશીલો અવાજ ઉઠાવે તો તેમની સામે તપાસ શરુ કરવામાં આવે છે. દલિતો પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર થાય; તેમને ન્યાય મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર આ ફરજ ચૂકે ત્યારે દલિતોમાં અસલામતીની ભાવના ઊભી થાય છે. ન્યાય નહીં મળે; એવી ભાવના દલિતોમાં ઊભી થઈ છે; એટલા માટે રેપ/હત્યાની પ્રત્યેક ધટનામાં ભોગ બનનાર દલિત પરિવાર આંદોલન/ધરણાનો સહારો લે છે. સમાજનો એક વર્ગ જ્યારે તંત્ર ઉપર વિશ્વાસ ગુમાવી દે તેવી સ્થિતિ ઊભી થાય તે સરકાર માટે કલંક સમાન ગણાય. જો સરકાર મનોમંથન નહીં કરે તો આંદોલન/ધરણાના બનાવો અટકશે નહીં.

સરકાર કેમ દલિતોમાં વિશ્વાસ પ્રગટાવી શકતી નથી? અમુક વર્ણ ઊંચો; અમુક વર્ગ નીચો, એવી રુઢિવાદી વિચારસરણી હોય ત્યાં દલિતોને ન્યાય ન મળે. ગાય પવિત્ર છે અને દલિત અપવિત્ર છે; એવી ફ્યુડલ માનસિકતાનું પ્રભુત્વ હોય ત્યાં દલિતોને અન્યાય થાય જ ! 

ગાંધીજીનો હત્યારો દેશભક્ત હતો; તેવો ઢોલ પીટવામાં આવે ત્યારે હત્યારાઓને પ્રોત્સાહન મળે ! આ સ્થિતિમાં; ઉપલા વર્ણના હત્યારાઓ, નીચલા વર્ણના લોકોની હત્યા કરવાનું વ્યાજબીપણું શોધી કાઢતા હોય છે ! સમાજે જાગવું પડશે. રામમંદિરના નામે છેતરનારાઓને ઓળખવા પડશે; મનુસ્મૃતિવાળી રૂઢિચુસ્ત વિચારધારાને તિલાંજલિ આપવી પડશે. નીચલા વર્ણોને કોઈ ધર્મગુરુ/ઘર્મસંસ્થા ન્યાય ન અપાવી શકે; માત્ર બંધારણ જ ન્યાય અપાવી શકે !

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

2 thoughts on “દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી

  1. Jai hind sirji

    તમે લખેલો લેખ સમાજ માટે પ્રેરણા રૂપી અને આ સરકાર માટે શરમજનક છે. તમે નિષ્ઠાવાન પણે તમારી કલમ ઉઠાવી છે એમના માટે ખૂબ ખૂબ સાધુવાદ

    જય ભીમ
    નમો બુદ્ધાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *