જેતપુરના (Jetpur) બોરડી સમઢીયાળા ગામે એડવોકેટ (Advocate) સહિત બે શખ્સોએ પોલીસ (Police) કોન્સ્ટેબલ પર કર્યો હુમલો.
રિપોર્ટ : રાહુલ વેગડા, જેતપુર
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે જેતપુર તાલુકા પોલીસના બે કોન્સ્ટેબલ, માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને તપાસ કરી રહ્યા હતા.
તે દરમિયાન એક બાઇક સવારે આ બાબતે બોલાચાલી કરી પોતાના બે સાથીને ત્યાં બોલાવી ત્રણેય દ્વારા એક સંપ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યાની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.
કોવિડ-19 ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેર્યા વગર નીકળતા તેમજ પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન તાલુકાના બોરડી સમઢીયાળા ગામે પો. હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા અને રાજુભાઇ શામળા બંને બાઇક પર નીકળતા ચાલકોનું ચેકિંગ કરી રહ્યા હતા.
ત્યારે બાઇક પર માસ્ક પહેર્યા વગર નીકળેલ એક શખ્સને અટકાવી તેનું નામ ઠામ પૂછતા ચાલકે પોતાનું નામ અરવિંદભાઈ દોંગા અને જેતપુરના મોઢવાડી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યુ હતું.
પોતે માસ્ક ન પહેર્યું હોય દંડ ભરવાનું પોલીસે જણાવતા અરવિંદભાઈ બાઈક લઈને ભાગવાની કોશિશ કરી હતી.
હાજર બે કોન્સ્ટેબલે તેમને અટકાવ્યા હતા અને અરવિંદભાઈએ કોલ કરી પોતાના ભાઈ નરેન્દ્ર અને એડવોકેટ તેજસ દોંગાને બોલાવતા તે ત્યાં આવી જતા, ત્રણેય ભાઈઓ એક સંપ કરી તેમની ફરજમાં રૂકાવટ કરી ત્યાંથી નાસી જવાની ફરિયાદ કોન્સ્ટેબલ મહિપાલસિંહે તાલુકા પોલીસમાં નોંધાવી છે.
ત્રણેય આરોપીઓ સામે ફરજ રુકાવટ અને હુમલાની ફરિયાદ દાખલ થઈ હતી. જેને લઈને હુમલો કરનાર ત્રણેય શખ્સોની પોલીસે અટક કરી છે.