ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર

SHARE THE NEWS

“કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં આરોપીઓ અમારી સામે વટથી જૂએ, મુછોને તાવ આપે, બાંયો ચડાવે. ચાર વર્ષથી કામ-ધંધો બંધ છે. એ વખતે મળેલી રાહત પર આયખું વિતાવીએ છીએ.”

ઉનાકાંડના વિડીયોમાં લાચાર યુવકોની પીઠ પર પડતા ઘાતકી ધોકાનો અવાજ દસ સેકેન્ડથી વધારે આજે પણ સાંભળી શકાતો નથી. તો માનવદ્રોહી કથિત ગૌરક્ષકોના ધોકા જેની પીઠે ઝીલ્યા છે એની પીડા કેવી હશે! એવી કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાશે. આજે ઉનાકાંડના પીડિત યુવાન વશરામ સરવૈયા સાથે વાત થઈ. વશરમે મને જણાવ્યું,

“કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં આરોપીઓ અમારી સામે વટથી જૂએ, મુછોને તાવ આપે, બાંયો ચડાવે. ચાર વર્ષથી કામ-ધંધો બંધ છે. એ વખતે મળેલી રાહત પર આયખું વિતાવીએ છીએ.”

મે એના અવાજની ભીનાશને માપી લીધી. તત્કાલિન મુખ્યમંત્રી આનંદી પટેલે પીડિતોને આપેલા વચનો પાળ્યાં નથી. પીડિત અશોક સરવૈયા એ વખતે સત્તર વર્ષનો તરૂણ હતો. એના શરીરે ખમેલા ધોકા આજે ચાર વર્ષ પછી પણ એટલાં જ દુ:ખે છે. સ્નાયુઓ સંકોચાઈ જાય છે. બે ત્રણ દિવસ મજૂરીએ ગયો પણ અસહ્ય દુ:ખાવાને લીધે કામ થતું નથી. આજે ઘરે બેઠો છે.

વશરામે કહ્યું, “ઘણા લોકો સમાધાન કરવા માટે જણાવે છે. પણ અમે તાબે થવાનાં નથી. હવે તો સંઘર્ષ જ અમારો મારગ છે.” વશરામ જ્યારે મળે કે ફોન પર વાત કરે ત્યારે સગા ભાઈની જેમ આત્મીયતાથી વાત કરતો હોય ત્યારે થાય કે આવો નિર્મળ હ્યદયનો માણસ પણ જાતિવાદી ગૌરક્ષકોની નફરતનો શિકાર શી રીતે બની ગયો!

સામંતવાદી મગજમાં મનુવાદી ગંદકી ફેલાય ત્યારે માનવ સમાજમાં ઉનાકાંડ જેવા અમાનુષી અત્યાચારો પેદા થાય છે. ધર્મસત્તા અને રાજસત્તાના સક્રીય પીઠબળ વિના આવા આતંકી ષડયંત્ર બની શકે નહીં. આ પ્રકારનાં માનવદ્રોહી કૃત્યો પાછળ ધર્મકારણ અને રાજકારણ બંન્નેનો કાળમીંઢ પણ ચહેરો સામે આવ્યો હતો. હજારો વર્ષોથી દલિતોની માનવીય ગરીમાને ઠેસ પહોંચાડનારી ઘટના બને છે. પણ ઉનાકાંડનો મુદ્દો ધર્મસત્તા અને રાજસત્તાની છાતી પર પગ મૂકીને દેશના સિમાડા ઓળંગી ગયો. બહેન માયાવતીએ હિન્દુત્વની પ્રયોગશાળા ગણાતાં ગુજરાતમાં બનેલી આ ઘટના મુદ્દે રાજ્યસભા બાનમાં લીધી હતી.

કરોડો લોકો પીડિતોની પડખે આવ્યાં તો મનુવાદની ધતૂરી ધાવનારી જાતિવાદી જમાત આતંકી ગૌરક્ષકોના રખોપા કરવા માંડી. કણ જેટલી ઉપલબ્ધીને મણ જેટલી બતાવીને તાળીઓ ઉઘરાવતી મોદી સરકાર આ મુદ્દે મૌન રહી. પણ ઉનાકાંડ વૈશ્વિક મુદ્દો બનતો જણાતાં દેશના પ્રધાનમંત્રી ધરાર મૌન તોડીને દેશના લોકો સમક્ષ વેવલાવેડા કરતાં હોય એમ બોલે છે, “મારના હે તો મુજે ગોલી મારો લેકીન દલિતો કો મત મારો.” દેશના પ્રધાનમંત્રીના મોંમાં આવું વેવલું વિધાન શોભે નહીં. આ તરફ તત્કાલિન આનંદી પટેલની સરકાર આ મુદ્દો જટ ઠરે એવા પ્રયાસોમાં પરસેવો પાડી રહી હતી. ભાજપનો પટ્ટો ગળે બાંધીને એને ખોળે બેસેલા પૂનાકરારી પૂતળાઓ પણ દલિતોમાં કેન્દ્ર બનાવી રહ્યાં હતાં. બીજી તરફ ઉનાકાંડના પગથિયા પર પગ મૂકીને વિધાનસભાની ટીકીટો પાક્કી કરવાની કસરત ચાલુ થઈ ગઈ.

સદીઓનો સંતાપ સહન કરી રહેલા દલિતો પણ જાણે કે ‘બસ હવે બહુ થયું’ એવા મિજાજમાં આવીને આક્રોશ ઠાલવી રહ્યા હતા. દેશના ખૂણે-ખૂણે આંદોલનો થયાં, પ્રદર્શનો થયાં, આત્મવિલોપનની ઘટના બની. સદીઓથી ઘોર નિંદ્રામાં સુતો સમાજ અકાળે જાગ્યો હોય એવું ભાસ થયો. દેશની ગલીઓ અને રસ્તાઓમાં નાલાયક મનુવાદ વિરૂદ્ધ નારા ગુંજ્યાં. દલિતો પર કામ કરતી સંસ્થાઓઓ અને કર્મશીલો આ મુદ્દે વિવિધ પ્રકારે એક સાથે આવ્યાં, કોલ અપાયા, છૂટા પડ્યાં. રીસામણાં થયાં, મનામણાં થયાં. આજે આ ઘટનાને ચાર વર્ષ વિતી ગયાં. પણ ન્યાય હજુ જોજનો આઘો છે.

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *