Porbandar: તા. 04.03.2024, આજે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદર વિધાનસભા સીટના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. જેની વિગત તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ મૂકી છે, જેમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને રાજીનામું આપ્યું છે, જે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષમાં તેમણે લખ્યું છે. અહીં અમે તમને જણાવીશું કે પોરબંદર વિધાનસભા સીટના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ લખેલા રાજીનામમાં તેમણે કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે. જે નીચે મુજબ છે.
”આદરણીય, શ્રી મલ્લિકાર્જુન ખડગેજી,
સાહેબ, જેમ કે આપને વિદિત હશે કે 11મી જાન્યુઆરી 2024ના રોજ, જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ અયોધ્યા ખાતે બાલક રામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકારી કાઢ્યું ત્યારે મેં મારો અસંમતિનો સૂર વ્યક્ત કર્યો હતો.
પ્રભુ રામ હિંદુઓ માટે માત્ર પૂજનીય નથી, પરંતુ તેઓ ભારતની આસ્થા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવાના આમંત્રણને નકારીને ભારતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડીને કોંગ્રેસ એક પક્ષ તરીકે લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.
મારા દ્વારા વ્યક્ત કરાયેલ અસંમતિ બાદથી હું એવા અસંખ્ય લોકોને મળ્યો છું જેઓ અયોધ્યામાં મહોત્સવનો બહિષ્કાર કરીને જે રીતે કોંગ્રેસ પાર્ટીએ ભગવાન રામનું અપમાન કર્યું હતું તેનાથી નારાજ હતા.
આ પવિત્ર પ્રસંગ તરફથી ધ્યાન ભટકાવવા અને અપમાનિત કરવા માટે રાહુલ જી એ આસામમાં જે વર્તન કર્યું તેનાથી આપણાં પક્ષના કાર્યકરો અને ભારતના નાગરિકોને વધુ નારાજ થયા છે. ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી હું મારા જીલ્લા પોરબંદર અને ગુજરાત રાજ્યના લોકો માટે યોગદાન આપવા માટે હું અસહાય બની રહ્યો હતો.
આથી ભારે હૃદયે હું કોંગ્રેસ પક્ષના તમામ હોદા પરથી રાજીનામું આપી રહ્યો છું કે જે પક્ષ સાથે હું છેલ્લા 40 વર્ષથી સંકળાયેલો છું અને મારું સમગ્ર જીવન જેમના માટે મેં અર્પિત કરેલું છે.
છેલ્લા ચાર દાયકામાં મારા પ્રત્યેના સ્નેહ માટે હું પાર્ટી નેતૃત્વ અને તેના કાર્યકર્તાઓનો આભાર માનું છું. – અર્જુન મોઢવાડિયા.”