રાજકોટ જિલ્લાના 1054 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષામાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધો 09થી 10ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. 22 હજાર તેમજ ધોરણ 11થી 12ના અભ્યાસ માટે રૂ. 25 હજારની નાણાંકીય સહાય મળવાપાત્ર
આ વર્ષ માટે વિદ્યાર્થીઓ 09 ફેબ્રુઆરી સુધીમાં સ્કોલરશીપ મેળવવા માટે અરજી કરી શકશે
Rajkot: તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-09માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
જે અંતર્ગત દર વર્ષે રાજયના 25 હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના 1054જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા હતાં.
આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવે છે. ધોરણ-01થી 08માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-08નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
વધુમાં બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE Act, 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, 2012 અન્વયે 06થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-01માં પ્રવેશ મેળવીને ધોરણ-08 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
શિષ્યવૃત્તિ માટે પરીક્ષા દ્વારા પસંદ થયેલ વિદ્યાર્થીને સ્કોલરશીપનો લાભ ધોરણ 09થી શરૂ કરીને ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી મળે છે. આ અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી નાપાસ થાય, શિક્ષણ છોડી દે કે ગંભીર શિસ્તભંગ કરે તો નિયમાનુસાર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી.
નિયત ધારાધોરણ મુજબની સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 09માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને ધોરણ 09થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 22 હજાર તેમજ ધોરણ 11થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 25 હજારની નાણાંકીય સહાય આપવામાં આવે છે.
સરકારી અથવા કોઈ પણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 09માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત ધોરણ 09થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 06 હજાર તેમજ ધોરણ 11થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 07 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.
આ વિધાર્થીઓને સ્કોલરશીપની રકમ ઉપરાંત મફત બસ પાસની સુવિધા પણ આપવામાં આવે છે.
આ પરીક્ષા માટે કોઈ ફી આપવાની રહેતી નથી. વિદ્યાર્થી નિ:શુલ્ક અંગ્રેજી કે ગુજરાતી પૈકી પોતે પસંદ કરેલ માધ્યમમાં પરીક્ષા આપી શકે છે. બૌદ્ધિક યોગ્યતા કસોટી (MAT) અંતર્ગત 40 પ્રશ્નો અને શૈક્ષણિક યોગ્યતા કસોટી (SAT) અંતર્ગત 80 પ્રશ્નો એમ કુલ મળીને 120 એમ.સી.કયુ. પ્રકારનાં પ્રશ્નોના 150 મિનીટની સમય મર્યાદામાં જવાબ આપવાના હોય છે.
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર હોય છે. બૌધ્ધિક યોગ્યતા કસોટીમાં એનાલોજી, વર્ગીકરણ, ન્યુમેરિકલ સીરીઝ, પેટર્ન, છુપાયેલી આકૃતિનાં ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો હોય છે. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ-૮ના અભ્યાસક્રમનાં ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વિષયના પ્રશ્નો હોય છે.
આ પરીક્ષા માટે ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. આ માટે સરકારી તેમજ અનુદાનિત પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ શાળા દ્વારા https://schoolattendancegujarat.in/ પર અને સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ જાતે અથવા શાળા દ્વારા http://sebexam.org/ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ તા.29/01/2024થી તા. 09/02/2024 સુધીમાં અરજી કરી શકશે. આ યોજનાની પરીક્ષા 30 માર્ચ 2024ના રોજ લેવાશે.
પરિણામ જાહેર થયા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની આખરી મેરીટ યાદી ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. નિયામક, શાળાઓની કચેરી દ્વારા આ વિદ્યાર્થીઓની ખરાઈ કરીને સ્કોલરશીપની રકમ ડીબીટી દ્વારા તેમના ખાતામાં આપવામાં આવે છે.
આ યોજનાની વિસ્તૃત વિગતો https://gssyguj.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરીક્ષા અંગેની અપડેટ્સ તેમજ પરિણામ અને મેરીટ લીસ્ટ http://sebexam.org વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવે છે.
આ માટે સમયે સમયે વેબસાઈટની મુલાકાત લેવી. આ વર્ષે સ્કોલરશીપ માટે નવા લાયક વિદ્યાર્થીઓ 09 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે.