જિલ્લા કલેકટરએ ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઇન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી: સંબંધિત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી
જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરુરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યુ હતુ.
જિલ્લા કલેકટરએ ભરડાવાવ, દામોદર કુંડ ઉપરાંત વિવિધ પાર્કિંગ સ્થળો અને ભાવિકોની વધારે ભીડ રહે છે તેવા પોઇન્ટની મુલાકાત કરી, યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે તેવા ભવનાથના પ્રકૃતિ ધામની પણ જિલ્લા કલેક્ટરએ મુલાકાત કરી હતી, ફાયર, પીવાના પાણી, વાહન પાર્કિંગ જરુરી અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટરએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડ ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતુ.
જિલ્લા કલેકટરએ આ સ્થળ મુલાકાત પૂર્વે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, મહાશિવરાત્રીના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.
આ બેઠકમાં આરોગ્ય, વીજળી, સફાઈ, પીવાના પાણી સહિતના મુદ્દે જરુરી પરામર્શ કર્યો હતો.
આ સ્થળ મુલાકાત અને બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.