સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ

SHARE THE NEWS

લેખક: મયુર વાઢેર

વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતના રાજકારણના વર્તુળમાં આવેલી  નૂતન રાજકીય રણનીતિ બહુજનવાદમાં પરીણમી હતી. તેનો ઉદ્દેશ સમૂળા સામાજિક પરીવર્તનની મશાલ સળગતી રાખવાનો હતો.  ભારતના સમાજ જીવનમાં બહુજન અસ્મિતાની ચેતના પાથરીને તેમાંથી રાજકીય શક્તિનું સર્જન કરનારા માન્યવર કાંશીરામ સાહેબે પ્રચારીત કરેલી બહુજનવાદની સંકલ્પના બુદ્ધ, કબીર, રૈદાસ, શાહુ, ફૂલે, આંબેડકર, પેરીયારના આંદોલનની ધારા પ્રવાહિત કરે છે. બહુજન નાયકોની આ ધારામાં અંગ્રેજોના શાસનકાળમાં જન્મેલા મહાનાયકો મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રી દેવી ફૂલે, શાહુજી મહારાજ, રામાસ્વામી પેરીયાર અને બાબાસાહેબ આંબેડકરે બહુજન વિચારધારને નવી ઉંચાઈ આપી હતી.

બહુજનવાદના ઈતિહાસના અવલોકનમાં કોલ્હાપૂરના મહારાજા રાજર્ષિ શાહુ મહારાજ આધુનિક કાળની મહત્વની છબી છે. રાજર્ષિ શાહુનો જન્મ થયો એ વેળાએ હિન્દુ સમાજની  જાતિપ્રથા અને અસ્પૃશ્યતાના  મૂળિયાં સમાજજીવનના તળ સુધી ખૂંપેલા હતાં.  હિન્દુઓનુ સમાજતંત્ર અનેક અત્યાચારી અને બિન-લોકશાહી લક્ષણોથી તરબોળ હતું. ત્યારે જાતિપ્રથાના લોખંડી જકડનાં મૂળિયા શિથિલ કરવા માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો સંઘર્ષ ચાલુ હતો. ઈ.સ. 1894માં શાહુજી મહારાજ કોલ્હાપુર રાજ્યની રાજગાદી પર આરૂઢ થયા ત્યાં સુધીમાં તો મહાત્મા જ્યોતિબા ફૂલે પણ ઓગણીસમી સદીનો ભયાનક સામાજિક સંઘર્ષ ખેલીને આથમી ચૂક્યાં હતાં.

બાબાસાહેબ આંબેડકર કે જેને ભવિષ્યમાં ભારતની સામાજીક  ક્રાંતિનાં બીજ રોપવાનાં હતા, તેમનું બાળપણ ત્રણ જ વર્ષનું થયું હતું. આવા નિરાશાજનક વાતવરણમાં ભારતના નેતૃત્વ વિહીન બહુજનો શ્વાસ લેતા હતાં. એવામાં હિન્દુ સમાજની જુગ-જુગ જૂની જાતિપ્રથા સામે બંડ પોકારનારા બહુજન વિચારધારાનાં નાયક  શાહુજી મહારાજનો ઉદય થયો. 

કણબી પરીવારમાં 26 જૂન 1874ના રોજ શાહૂજી મહારાજનો જન્મ થયો હતો. તેના જન્મના દસમા વર્ષે કોલ્હાપૂરના એક રાજાના પત્નિ આનંદીબાઈએ માર્ચ 1884માં તેમને દત્તક લીધા હતાં. એ પછીના દસમે વર્ષે એટલે કે 2 એપ્રિલ 1894ના રોજ તેઓ કોલ્હાપૂરની રાજગાદી પર આરૂઢ થયા.

એ વખતે ભારતીય સમાજ બ્રિટીશ શાસનની ગુલામીની બેડીઓમાં તો જકડાયેલો હતો જ, અને અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વહેમો, કુરીવાજો, અસ્પૃશ્યતા, જાતિવાદ તેમજ બ્રાહ્ણણવાદીઓ દ્વારા ફેલાવામાં આવતા પાખંડની ગુલામીમાં પણ ગુંચવાયેલો હતો. રાજર્ષી શાહુજી મહારાજે આવી દારૂણ સામાજિક પરીસ્થિતિ વચ્ચે માત્ર વીસની ઉંમરે કોલ્હાપુર સ્ટેટની રાજગાદી સંભાળી હતી. 

ભારતમાં રાક્ષસી જાતિવાદ અને પિસાચી વિષમતાના પાપે શુદ્રો અને અતિશુદ્રો એટલે કે વર્તમાન OBC, SC, ST વર્ગોનું જીવન દોહ્યલું હતું. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે સામાજિક કોટિક્રમિક ભેદભાવ પ્રવર્તમાન હતો. એવામાં પેશ્વાઓના બ્રાહ્ણણવાદી શાસનની સ્થાપના પછી મહારાષ્ટ્રના આર્થિક, સામાજિક, ધાર્મિક તેમજ રાજકીય જીવનમાં બ્રાહ્ણણ વર્ગનું  પ્રબળ વર્ચસ્વ સ્થાપિત થયુ હતું.

પણ તેમણે રાજગાદી સંભાળી ત્યારે રાજ્યના સેવા-મહેકમમાં અધિકારી કક્ષાએ અને કર્મચારી કક્ષાએ બ્રાહ્ણણ અને બિનબ્રાહ્ણણ વર્ગોના પ્રતિનિધિત્વ વચ્ચે ઊંડી ખાઈ હતી. ફોરવર્ડ પ્રેસના સિદ્ધાર્થના લેખની એક વિગત મુજબ ઈ.સ. 1892માં તેમના રાજ્યમાં કુલ 71 અધિકારીના પદમાંથી કુલ 60 પદ પર બ્રાહ્ણણ અધિકારીઓ નિયુક્ત હતાં. જ્યારે 11 પદ પર બિનબ્રાહ્ણણ અધિકારીઓ નિયુક્ત થયેલા હતા. તેમણે સત્તા પ્રાપ્ત કર્યા પછી આ સ્થિતિ બદલવા માટે પ્રશાસનમાં શુદ્રો અને અસ્પૃશ્યોને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત કરી. 


પ્રજા વાત્સલ્ય રાજવી શાહુજી મહારાજે તેમના અઠાવીસમાં જન્મદિવસ નિમિત્તે એટલે કે 26 જૂલાઈ, 1902ના રોજ પછાત વર્ગોને તેમના પ્રશાસનમાં 50 ટકા પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો. સદીઓથી હિન્દુ ધર્મની ઓથ હેઠળ જે વર્ગોને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતાં તે વર્ગને કોલ્હાપુર રાજ્યના પ્રશાસનમાં યથોચિત્ત પ્રતિનિધિત્વ મળ્યું. એ ભારતના સામાજિક ન્યાયના ઈતિહાસમાં સિમાચિહ્નરૂપ ઘટના હતી.

સદીઓથી મનુવાદી પરંપરા પ્રમાણે બ્રાહ્ણણ, ક્ષત્રિય અને વૈશ્યોને પદ, પ્રતિષ્ઠા, સત્તા અને સંપતિમાં સો ટકા અનામત આપવામાં આવી હતી તેના અન્યાયી સ્વરૂપને મહારાજાએ બદલવાનો પ્રયાસ કર્યો. ઈ.સ. 1912માં તેના રાજ્યના કુલ 95 અધિકારી પદ પર માત્ર 35 બ્રાહ્ણણો નિયુક્ત હતાં. અન્ય બિનબ્રાહ્ણણ અને પછાત વર્ગોના અધિકારો નિમાયા હતાં. શાહુજીના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યના સવર્ણો રોષે ભરાયા હતાં. તે સમયના સવર્ણ-બ્રાહ્ણણવાદી નેતા બાળગંગાધર ટીળકે મહારાજા શાહુજીના આ નિર્ણયનો પ્રબળ વિરોધ કર્યો હતો.

ટીળકે તેના ‘કેસરી’ અખબારમાં શાહુજી મહારાજના વિરોધમાં પૂરજોશ પ્રચાર આદર્યો હતો. પણ સામાજિક ન્યાયના પૂરોધા મહારાજા શાહુજી ટીળકના અપપ્રચારથી અકળાયા ન હતા. આ ઘટનાનાં સોળ વર્ષ પછી બિનબ્રાહ્ણણો અને પછાત વર્ગોને પ્રાંતિક વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની હિમાયત કરવામાં આવી હતી ત્યારે ટીળકે તેને હાસ્યાસ્પદ રીતે ટીકા કરી હતી.

અર્થાંત, આજના OBC, SC, ST વર્ગોનું પ્રતિનિધિત્વ ટીળકને માન્ય ન હતું. પણ આજે OBC, SC,STની બહોળી જનસંખ્યા ધરાવતા દેશમાં અભ્યાસના પાઠ્યક્રમોમાં ટીળકને ‘રાષ્ટ્રવાદી’ નેતા તરીકે પ્રચારીત કરવામાં આવ્યા છે જ્યારે શાહુજી મહારાજને પાઠ્યક્રમોમા ક્યાય સ્થાન આપવામાં આવ્યું નથી.

જ્યોતિબા ફૂલેએ બહુજનોની મુક્તિના સંગ્રામમાં  શુદ્રો-અતિશુદ્રો અને સ્ત્રીઓના શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ હતું. રાજર્ષિ શાહુ મહાત્મા જ્યોતિબા ફૂલેથી પ્રભાવિત હતાં. રાજર્ષિ શાહુ મહાત્મા જ્યોતિબા ફૂલેથી પ્રભાવિત હતાં. તેમણે  500થી વધુ વસ્તી ધરાવતા દરેક ગામોમાં શાળા શરૂ કરાવી.

ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વાર તેમણે 25 જૂલાઈ 1917ના રોજ તેમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજીયાત જાહેર કર્યું હતું. તેમણે ફૂલે દંપતિનું કન્યા કેળવણીનું સ્વપ્ન પણ સાકાર કર્યું. તદ્ઉપરાંત, તેમણે મફત છાત્રાલયો શરૂ કરીને શિક્ષણની જ્યોત જગાવી હતી.  

મહારાજા શાહુજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે સઘન પ્રયાસો કર્યા હતાં. જ્યારે લોકો અસ્પૃશ્યોના પડછાયાથી પણ આભડછેટ પાળતા હતાં ત્યારે છત્રપતિ શાહુજી મહારાજે ગંગારામ નામનાં અસ્પૃશ્યને ચાની દુકાન શરૂ કરવા માટે નાણાં આપ્યાં હતા.

તેમજ એક રાજાનો મોભાદાર દરજ્જો હોવા છત્તાં તેમણે ગાંગારામના હાથે બનેલી ચા પીને સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો હતો. ઈ.સ. 1919મા તેમણે રાજ્યમાં અછૂતોને કોઈપણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે અને ત્યાં તેમની સાથે આભડછેટ પાળવામાં આવે નહી તેવો આદેશ આપ્યો હતો. તેમણે તેના રાજ્યમાં મહારોનુ શોષણ કરતી પ્રણાલીનો અંત લાવીને તેમને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવા માટે ખેતીલાયક જમીન અપાવી હતી. 

હજારો વર્ષોથી હિન્દુ સમાજના ઘોર શોષણખોર અન્યાયનો ભોગ બનેલા અસ્પૃશ્યોનાં માનવ અધિકારો સંરક્ષિત કરવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંઘર્ષના આરંભિક કાળમાં છત્રપતિ શાહુજી મહારાજ તેમની સાથે રહ્યાં હતા.  શાહુજી મહારાજનાં સામાજિક સમાનતા અને શોષિતો પ્રત્યેની સંવેદનાએ જ તેમને બાબાસાહેબ આંબેડકરના પરમ મિત્ર બનાવ્યાં હતા.

તેમણે ઈ.સ. 1920માં અખિલ ભારતીય બહિષ્કૃત પરીષદમાં હાજરી આપી હતી.  તેમા બાબાસાહેબ આંબેડકર પણ હાજર રહ્યાં હતા. તેમાં શાહુજીએ અસ્પૃષ્યોને સંબોધીને આર્ષવાણી કરી  હતી કે, “આંબેડકરના રૂપમાં તમને તમારા મુક્તિદાતા મળી ગયા છે.” આ માહન રાજાએ ડૉ. આંબેડકરની તેજ પ્રતિભાને 1920માં જ પામી લીધી હતી. તદઉપરાંત, તેમણે બાબાસાહેબ આંબેડકરને શિષ્યવત્તિ પૂરી થવાને લીધે અધુરો રહેલો લંડન ખાતેનો અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાંની વ્યવસ્થા કરી આપી હતી. 

દેશમાં સામાજિક સમાનતા સ્થાપિત કરવા માટે વિદ્રોહ કરનારા  શાહુનું 6 મે, 1922ના રોજ નિધન થયુ હતું. ત્યારે લંડનથી બાબાસાહેબ આંબેડકરે પત્ર લખીને શોકસંદેશો પાઠવતા લખ્યું હતું કે, “શાહુજીના નિધનથી મને ઘણું દુ:ખ થયુ છે. તેમના નિધનને લીધે મે મારા મહાન ઉપકારી અને અસ્પૃશ્યોએ એના મસિહાને ગુમાવ્યા છે.”

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *