પાણી પીવા માટે આંદોલન Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/પાણી-પીવા-માટે-આંદોલન/ News for India Wed, 20 Mar 2024 09:08:08 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png પાણી પીવા માટે આંદોલન Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/પાણી-પીવા-માટે-આંદોલન/ 32 32 174330959 મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/#respond Mon, 20 Mar 2023 05:57:58 +0000 http://revoltnewsindia.com/?p=7447 20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં

હિંદુ સામાજિક વ્યવસ્થાનાં છેક નિમ્નત્તર છેડે આયખુ ભોગવતા, યુગોથી ઘોર શોષણ અને અવહેલનાનો ભોગ બનેલા વર્ગના વલખા મુખ્યધારાનાં ઈતિહાસનાં ચોપડે નોંધાયા નથી. ભારતમાં દલિતજીવનમાં ઘુંટાતા દુ:ખ-દર્દોની સદાય ઉપેક્ષા થતી રહી. આજે બહુજનોમાં તીવ્ર ગતિથી વધતી સામાજિક જાગૃતી બાબાસાહેબ ડૉ. આંબેડકરે માનવ અધિકારો માટે કરેલા સંઘર્ષની ફલશ્રૃતિ છે. બહુજનોની સામાજિક, રાજકીય કે સાંકૃતિક ક્ષેત્રમાં વધતી જાગૃતિએ હિંદુ ધર્મની વર્ણ-વ્યવસ્થા સામે હજારો પ્રશ્નોનાં ખડકલા કરી દીધા છે.

હિંદુ સમાજ જે વર્ણ-વ્યવસ્થાને ઝૂંકી-ઝૂકીને વંદન કરે છે તેને બહુજનોએ તેના વિમર્શમાં પગની જૂતીએ કચડી નાખી છે. કારણ કે તેણે જ જન્મ આધારિત વર્ણાશ્રમ પ્રથાએ હજારો વર્ષોથી અસમાનતા, અન્યાય અને અત્યાચારોની વણજારનો વણથંભ્યો ઈતિહાસ દલિતોનાં લમણે લખી નાખ્યો હતો.

દલિતોની વર્ણાશ્રમ પ્રથા વિરોધી ચેતના ડૉ. આંબેડકરનાં બૌદ્ધિક સંઘર્ષની પરિણીતી છે. તે હકીકતને વીસમી સદીનાં હિંદુ હ્રદય સમ્રાટ મોનહનદાસ ગાંધી પણ બદલી શક્યા ન હતા અને એકવીસમી સદીના હિંદુ હ્રદય સમ્રાટ મોહન ભાગવત પણ પડકારી શકે તેમ નથી.

symbolic image

સામાન્ય રીતે અર્વાચીન દલિત આંદોલનના ઈતિહાસને સમજવા માટે ડૉ. આંબેડકરનાં સંઘર્ષને દલિત આંદોલનનું કેન્દ્ર માનીએ તો તેને ત્રણ તબક્કામા વહેંચી શકાય. જો કે દલિત આંદોલનો ઈતિહાસ તો સળંગ હોય. પણ દલિત આંદોલનને સમજવા માટે અભ્યાસનું સરળીકરણ કરવાના આશયથી તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. એક તબક્કો આંબેડકરનાં આંદોલન પૂર્વેનો, બીજો તબક્કો ડૉ. આંબેડકરના નેતૃત્વમાં થયેલા આંદોલનનો અને ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરનાં પરિનિર્વાણ પછીનો તબક્કો.

આ લેખ પણ વાંચો

દલિત આંદોલનનો પ્રથમ તબક્કો ઈ.સ. 1920ના ગાળામાં અસ્ત થઈ ગયો હતો. જેમાં મહાત્મા જ્યોતિબા ફૂલે, કિસન ફૂગૂજી વનસોડે, ગોપાલબાબા વાલંકરથી માંડીને સ્વામી અછૂતાનંદ સુધીનાં અનેક સામાજિક સંઘર્ષનાં નાયકોનો સમાવેશ થાય છે. દલિત આંદોલનના પ્રથમ તબક્કાનાં નાયકોએ સમાજ સુધારને પ્રાથમિકતા આપી હતી. તેમણે દલિતોમાં વ્યાપ્ત અસ્વચ્છ વ્યવસાયો, અંધશ્રદ્ધા, વ્યસનોનો પરિત્યાગ કરી શિક્ષણ પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો હતો.

દલિત આંદોલનનાં બીજા તબક્કામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સંઘર્ષકાળમાં ચાલતા આંદોલનનો સમાવેશ થાય છે. જે તેમના પરિનિર્વાણ સુધી ચાલ્યું. જેમાં દલિત આંદોલનની ગતી તીવ્ર અને ઝંઝાવાતી રહી. આ ગાળાનાં દલિત આંદોલનની વિકાસયાત્રા વિશ્વ કક્ષાના અભ્યાસુઓ, વિદ્વાનો, સંશોધકો ને નાગરિક અધિકાર કાર્યકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમા ડૉ. આંબેડકરે દેશના દલિત-બહુજનોના સમાન માનવીય અધિકારો માટે કરેલા સંઘર્ષોની શૃંખલાનો સમાવેશ થાય છે. તેમા માત્ર સામાજિક સુધાર જ નહી પણ રાજકીય અને આર્થિક પરિવર્તન પર પણ ભાર મૂકાયો હતો.

symbolic image

દલિત આંદોલનો ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરના સંઘર્ષની બદૌલત પ્રાપ્ત કરેલા બંધારણીય અધિકારોની છત્રછાયા હેઠળ ચાલ્યો. જે ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણથી લઈને આજ પર્યત ચાલુ છે. જેણે દલિત આંદોલનને બહુજન આંદોલનમાં પલટાવી દીધું છે. જેના મહાનાયક છે માન્યવર કાંશીરામ સાહેબ. દલિત આંદોલનના ત્રણે તબક્કા પૈકી ડૉ. આંબેડકરની હયાતીમાં ચાલેલા દલિત આંદોલનના બીજા તબક્કાએ દલિત આંદોલનના ત્રીજા તબક્કાને ભારે પીઠબળ આપ્યું છે.

દલિત આંદોલનનો બીજો તબક્કો દેશ અને દુનિયાનાં કોઈપણ ખૂણે ચાલતા નાગરીક અધિકારો માટે પ્રેરણારૂપ છે. ડૉ. આંબડકરનું બૌદ્ધિકબળ અને તેમની અડગ પ્રતિબદ્ધતા દલિત આંદોલનનો પ્રાણ છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં એમએસ.સીની પદવી પ્રાપ્ત કરવા માટે પ્રવેશ લીધો હતો.

આ લેખ પણ વાંચો

પણ તેમની શિષ્યવૃત્તિની અવધિ પૂરી થઈ જવાને લીધે તેમણે ભારત પરત ફરવાની ફરજ પડી. વિદેશમાં વિદ્યાર્થી આંબેડકર સ્વદેશમાં માનવીય અધિકારોવિહિન જીવતા પોતાનાં લાખો શોષિત-પીડિત ભાઈ-ભાડુંડાંઓની મુક્તિનો માર્ગ શોધવાની મથામણમાં હતા.

ડૉ. આંબેડકર ભારત પરત ફરીને સામાજિક ન્યાયના સંઘર્ષને ગતિમય બનાવીને તેમનો મુક્તિસંગ્રામ લડવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે ઈ.સ. 1919માં સાઉથબરો સમિતિ સમક્ષ હાજર રહીને દલિતોના રાજકીય અધિકારોની માગ કરી હતી. દલિતોમાં સામાજિક ઉત્થાનની ચેતના જાગૃત કરવા માટે તેમણે ઈ.સ.1920માં ‘મૂકનાયક’ નામનું માસિક શરૂ કર્યું હતું. તે દરમિયાન મહારાષ્ટ્રમાં અનેક દલિત વર્ગોની અનેક સભાઓ કરીને દલિતોમાં માનવ અધિકારોની ભૂખ જગાડવાના પ્રયાસો કર્યો હતા.

ત્યાર પછી થોડો સમય તેમનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે વિદેશની વાટ પકડી હતી. જ્યાં તેમણે એમએસ.સી, બાર એટ લૉ અને ડીએસ.સી. પૂર્ણ કર્યું હતું. જેમા તેમનું આર્થિક દર્શન વિશ્વ ફલક પર પોંખાયું હતું. ત્યાર બાદ, તેમણે ઈ.સ. 1924માં દલિતોના કાળજાફાંટ અન્યાય, અત્યાચાર અને દલનને દૂર કરીને તેમના નાગરીક અધિકારોને સુનિશ્વિત કરવા માટે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ નામની સંસ્થાનો પાયો નાંખ્યો હતો. તેમની આ સંસ્થાના નેતૃત્વમાં દલિતો માટે શિક્ષણનો વ્યાપ વિસ્તારવાનો, તેમના નાગરીક અધિકારો પ્રાપ્ત કરવાનો અને રાજકીય અધિકારો સુનિશ્વિત કરવાનાં અનેક આંદોલનો કર્યાં હતા.

symbolic image

ઈ.સ. 1927નો મહાડ તળાવ સત્યાગ્રહ પણ તેમનાં આ જ આંદોલનોની શૃંખલાનો મહત્વપૂર્ણ સંઘર્ષ હતો.

હિંદુ સામાજિક કોટિક્રમિક વ્યવસ્થાના પાપે જણેલી આભડછેટ હજારો વર્ષોથી હિંદુઓના હાડ-માસમાં વણાઈ ગઈ હતી. તેને પરિણામે દલિતોને જાહેર માર્ગ પર ચાલવાનો, સારૂ રહેઠાણ બનાવીને રહેવાનો કે જાહેર તળાવ કે કૂવામાંથી પાણી પણ લેવાનો અધિકાર ન હતો. જાહેર તળાવ કે કૂવાઓ દલિતોના સ્પર્શ માત્રથી અપવિત્ર થઈ જવાની ભાવના હિંદુઓની મસ્તિસ્કમાં જડાઈ ગઈ હતી.

હિંદુઓનાં જે તળાવમાં પશુઓ પાણી પી શકતા પણ એક જેવા હાડ-માસ-ચામના બનેલા માણસ જેવા માણસ પાણી સ્પર્શી ન શકતા. 4 ઓગષ્ટ, 1923ના રોજ મુંબઈ વિધાન પરિષદના સભ્ય રાવ બહાદૂર એસ.કે.બોલેએ વિધાનગૃહમાં એક ખરડો પસાર કર્યો હતો. તે મુજબ જાહેર સ્થળોમાં દલિત વર્ગો સાથે કરવામાં આવતા ભેદભાવ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. અર્થાંત, જાહેર કૂવા કે તળાવમાં દલિત વર્ગોનો પણ સમાન અધિકાર રહે તેવો ખરડો પસાર થયો હતો.

બહુમતીથી પસાર થયેલા પ્રસ્તુત ખરડાને 19 સપ્ટેમ્બર, 1923માં કાયદાનું સ્વરૂપ મળ્યું હતું. પણ તે માત્ર કાગળ પર જ હતો. કોઈ તેનો અમલ કરવાની હિંમત કરી શકતું ન હતું. તેથી રાવ બહાદૂર એસ.કે. બોલેએ ત્રણ વર્ષ પછી એવો ઠરાવ પસાર કરાવ્યો કે જે નગરપાલિકા પ્રસ્તુત ખરડાનો અમલ ન કરાવે તેની સરકારી સહાય પર કામ મૂકવામાં આવે.

મહાડ નગરપાલિકાએ તેના અધિકારક્ષેત્રમાં આવતા ચવદાર તળાવ દલિતો માટે ખુલ્લુ મૂકવા માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. પણ હિંદુઓના ભયથી અસ્પૃશ્યો તેમના નાગરીક અધિકાર ભોગવવાની હિંમત કરી શકતા ન હતા. ડૉ. આંબેડકર બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના પછી તેમની ચળવળને વેગ આપવા માટે કોઈ યોગ્ય મુદ્દાની શોધમાં હતા.

symbolic image

તે સમયે કોંકણ પ્રદેશનાં મહાડ તાલુકાનાં અસ્પૃશ્યોની એક સભાની અધ્યક્ષતા કરવા માટે ડૉ. આંબેડકર સમક્ષ વિનંતી આવી. આર.બી. મોરે, સુરેન્દ્ર નાથ, સુરબા ટિપણીસ, વિશ્રામ ગંગારામ સવાદકર, શિવરામા જાદવ, અનંતરાવ ચિત્રે સહિત અનેક કર્મશીલોએ મહાડનાં ચવદાર તળાવનું પાણીનો ઉપયોગ કરીને દલિતોના નાગરીક અધિકારોનો ઉપયોગ કરવાનું નક્કી થયું. તે અંતર્ગત 19-20 માર્ચ, 1927માં એક સભાનું આયોજન થયું. તેમાં ડૉ. આંબેડકરને અધ્યક્ષતા કરવાની હતી. તે સભા માત્ર ભારત જ નહી પણ વિશ્વનાં માનવ અધિકારોનાં સંઘર્ષની સાક્ષી બનવાની હતી.

પ્રસ્તુત સભાને સફળ બનાવવા માટે પ્રદેશનાં અનેક ગામડાઓમાંથી દસ હજાર લોકો ઉપસ્થિત થયા હતા. ડૉ. આંબેડકરે તેમના ધારદાર ભાષણમાં યુગોથી પ્રવર્તતા બ્રાહ્મણવાદ સામે વિદ્રોહ કરીને ગુલામીમાંથી મુક્ત થવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે “તમે અસ્પૃશ્ય છો એવી માનસિકતામાંથી મુક્ત થઈ જાઓ. ” તેમણે તેમનાં ભાષણમાં આગળ કહ્યું કે, “શું આપણે અહીં પાણી પીવા આવ્યાં છીએ? શું આપણે તરસ્યા છીએ એટલે અહીં આવ્યા છીએ? ના, આપણે માણસ તરીકે આપણો અધિકાર ભોગવવા અહીં આવ્યા છીએ.” ડૉ. આંબેડકરનાં ભાષણ પછી સૌએ મહાડ તળાવનું પાણી પીવાનું નક્કી કર્યુ.

20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

આ દેશમાં હિંદુઓની ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે, આંદોલિત થવું પડ્યું છે. તે નગ્ન ને શરમજનક હકીકત છે. દલિતોએ ચવદાર તળાવનું પાણી પીધુ તે વાત ઝડપથી મહાડ તાલુકામાં ફેલાઈ ગઈ. ‘દલિતો ચવદાર તળાવનું પાણી પીને હવે, વિરેન્દ્ર મંદીરમાં પ્રવેશ કરવાના છે.’ તેવી અફવા પણ ફેલાઈ ગઈ હતી.

તેથી સવર્ણ હિંદુઓના યુવાનોના કાફલાએ નિર્દોષ દલિતો પર હુમલો કરી દીધો. સવર્ણ હિંદુઓના રોષે ભરાયેલા યુવાનો સ્ત્રીઓ અને બાળકો પર પણ તૂટી પડ્યા હતા. મહાડની બજારોમાં દલિતો જોવા મળે તો તેના પર પણ હુમલા થયા હતા.

symbolic image

કેટલાક દલિતોએ મુસ્લિમોના ઘરનો આશ્રય લઈને જીવ બચાવ્યો હતો. ઘાયલ દલિતોને દવાખાને લઈ જવામાં આવ્યાં હતા. સવર્ણ ડોક્ટરોએ ‘પાણી પીવું છે ને, લો પાણી.’ એવા અનેક કટાક્ષ કરીને ઘાયલ દલિતોને સારવાર આપી. ડૉ. આંબેડકર આ સત્યાગ્રહને અહિંસક જ રાખવા માગતા હતા. તેથી હજારો દલિતોએ સવર્ણ હિંદુ યુવાનો પર વળતો પ્રહાર કર્યો ન હતો.નહી તો, સવર્ણ હિંદુ યુવાનો શોધ્યા ન મળ્યા હોત.

તે વખતના અખબારોએ દલિતો વિરોધી વાતાવરણ ઊભુ કર્યું હતું. તે પ્રદેશના અખબારોમાં ડૉ. આંબેડકરના વિદ્રોહી મીજાજની વિરોધમાં અહેવાલો છપાવા લાગ્યા હતા. ચવદાર તળાવની ઘટના પછીના દિવસે મહાડના સવર્ણ હિંદુઓએ દલિતોના સ્પર્શથી ‘અપવિત્ર’ થયેલા ચવદાર તળાવનું શુદ્ધિકરણ કરવાની વિધી કરી હતી.

આ લેખ પણ વાંચો

આ ઘટના પછી મહાડના સવર્ણ હિંદુઓએ કોર્ટમાં દરખાસ્ત કરી કે ચવદાર તળાવ હકીકતે ચૌધરી તળાવ છે, જે ખાનગી મિલકત છે, જાહેર મિલકત નથી. કોર્ટે તેની દલીલ માન્ય રાખીને ચૂકાદાની તારીખ અનામત રાખી હતી. અસ્પૃશ્યોના સમાન નાગરીક અધિકારો માટેના સંઘર્ષનો અંત આવ્યો ન હતો. પણ તે સંઘર્ષ છેક 25મી ડિસેમ્બર, 1927ના મનુસ્મૃતિ દહનના કાર્યક્રમ સુધી વિસ્તર્યો હતો.

જેમાં ડૉ. આંબેડકરે દેશને હજારો જાતિઓમાં વિભાજીત કરી દેનારી વ્યવસ્થાનું સૂત્રીકરણ કરનારા મનુસ્મૃતિ નામના ગ્રંથને જાહેરમાં આગ ચાંપી દીધી હતી. મહાડ તળાવ સત્યાગ્રહ ડૉ. આંબેડકરના સંઘર્ષમાં સિમાચિહ્નરૂપ સ્થાન ધરાવે છે.

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં. તેના માટે તેમણે મોટી કિંમત ચૂકવવી પડી છે. આજે ડૉ. આંબેડકરે બંધારણમાં આમેજ કરેલા અધિકારોની બદૌલત બે પાંદડે થયેલા દલિતો છાતી ફૂલાવીને ડંફાસ મારતા હોય છે કે “અમારા સવર્ણ મિત્રો તો તેમના ઘરમાં અમને ચા-પાણી પીવડાવે છે.” તેને પોતાની સિદ્ધિ માનતા હોય છે. તેમને સવર્ણોના ઘરે સન્માનપૂર્વક પાણી પીવા મળે તે માટે સેંકડો દલિતોએ પોતાની પીઠ પર સવર્ણોની લાઠીઓ ખાધી છે. સંઘર્ષનો તે ઈતિહાસ તેમને યાદ નથી હોતો.

Note: આ વેબસાઇટ પર પબ્લીશ થતાં લેખ લેખકના અંગત વિચાર હોય છે.

Loading

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/feed/ 0 7447