ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર

SHARE THE NEWS
Photo Credit: Instagram/Rahul Vegda

ડૉ. બાબાસાહેબ આંબેડકરે અઢી દાયકાની ઉંમર વટાવી નોહતી તે પહેલા જ તેમણે સમકાલિન ભારતનાં આર્થિક-સામાજિક ચિંતનને મહત્વનું ગણી તેનો ગંભીર અભ્યાસ આદર્યો હતો. તેની સમાંતરે, તેઓ બ્રાહ્ણણવાદે દેશના કરોડો બહુજન વર્ગને કરેલા ઐતિહાસિક અન્યાયના ઈતિહાસને ગંભીરતાથી સમજી રહ્યા હતાં. તેથી જ વીસમી સદીનાં ભારતમા તેમણે ગહન અભ્યાસ અને ચિંતન કરીને પ્રતિપાદિત કરેલા તેમના વિચારો  તોફાની દરીયા જેમ ઘૂઘવતાં લાગે છે. તેમના વિચારોમાં અન્યાય, અસમાનતા અને શોષણની અસહ્ય પીડા ભળી.  પરીણામે, ડૉ. આંબેડકરની પીડા આક્રોશમાં પરીણમી.

Photo Credit: Instagram/Rahul Vegda

તેથી જ ડૉ. આંબેડકરના વૈચારિક વિરોધીઓ પણ તેના આક્રોશને વ્યાજબી માની રહ્યાં છે. અલબત્ત, તેમનો આક્રોશ પણ આધુનિક ભારતનાં ઘડતરમાં લોકતાંત્રીક મૂલ્યોની મહેક વહેતી કરવા માટે જ હતો. તે માટે તેમને સવર્ણોની પ્રતિનિધિ સંસ્થા એવી કોંગ્રેસ અને હિન્દુ મહાસભાનાં અનેક નેતાઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. તે સંઘર્ષમાંથી ભારતની રાજકીય આઝાદીનાં ‘પ્રમુખ લડવૈયા’ તરીકે પંકાયેલા ગાંધીનાં વર્ણપ્રથાને સમર્થન આપતાં વિચારો ઉધાડા થયા. જે એક ‘મહાત્મા’ કે ‘સંત’નું બનાવટી બિરૂદ પ્રાપ્ત કરેલા નેતાને છાજે તેવા ન હતાં.

Photo Credit: Instagram/Rahul Vegda

     આધુનિક ભારતનાં ઈતિહાસમાં ઈ.સ. 1857માં થયેલો કથિત વિપ્લવને એક ચર્ચાસ્પદ બનાવ ગણવામાં આવે છે. વી.ડી. સાવરકર તો તે ઘટનાને  ‘અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાના રાષ્ટ્રીય યુદ્ધ’ તરીકે ગણાવે છે; તો અશોક મહેતા પણ તેને ‘રાષ્ટ્રવાદની ભાવનાયુક્ત અંગ્રેજો સાથેનું યુદ્ધ’ ગણાવે છે. પણ આ ઘટનાના પરીબળો અને તેની અસરોને ઝીણવટથી તપાસતાં ઈ.સ. 1857નાં કથિત વિપ્લવ કોઈ હિસાબે રાષ્ટ્રીય ચળવળ જણાતી નથી. ઈતિહાસકાર આર.સી. મજમુદારને તે ઘટનામાં ભાગ લેનારા રાજવીઓમાં  રાષ્ટ્રીય ભાવના દેખાતી નથી.

જો કે ઈતિહાસમાં એ ઘટનાનો એક નિષ્ફળ વિપ્લવ તરીકે અભ્યાસ કરવામાં આવે છે. પણ ધારણા ખાતર માની લઈએ કે 1857મા થયેલો વિપ્લવ સફળ થયો હોત અને અંગ્રેજોએ ભારતને આઝાદી આપી હોત તો એ આઝાદી દલિતોના લમણે લખાઈ હોત?

જે સંસ્કૃતિએ દલિતોને જાહેર સ્થળેથી પાણી પીવાનો અધિકાર પણ આપ્યો નોહતો. તેણે દલિતોને શિક્ષણ, નોકરી કે રાજકીય સત્તાનાં પરીઘમા તેનો હિસ્સો આપ્યો હોત?  સાંપ્રત ભારતના સામાજિક-આર્થિક અન્યાયના મૂળિયાં લુચ્ચી વર્ણવ્યવસ્થામાં ખૂંપેલા છે. વર્ણવ્યવસ્થાએ દલિતોને ગુલામીપ્રથા કરતાં પણ વધારે ભયાનક શોષણગ્રસ્ત અવસ્થામાં રીબાવ્યાં હતા.

Photo Credit: Instagram/Rahul Vegda

  ગાંધી વર્ણવ્યવસ્થાને સમાજ માટે ઉમદા સ્વરૂપ માનતા હતા. તેમના મતે, “વર્ણવ્યસ્થા આપણે કર્તવ્ય શીખવે છે.” એટલું જ નહિ તેઓ તો વર્ણાશ્રમ ધર્મની પુન:સ્થાપના કરવાના હિમાયતી હતાં.

ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે સૈદ્ધાંતિક મતભેદો અહીંથી જ વિકસે છે. સ્વાધિનતાના આંદોલન કાળમાં ડૉ. આંબેડકર અને ગાંધિ બંન્ને વચ્ચે રહેલી અસહમતી પર પણ તંદુરસ્ત વિમર્શ જરૂરી છે. પરાધિન ભારતમાં ડૉ. આંબેડકર અને ગાંધિની ગુલામીની અનુભૂતિમાં ફર્ક હતો. 

ગાંધિને  દેશમાં અંગ્રેજોની ગુલામીની અનુભૂતિ હતી; તો ડૉ. આંબેડકરને વર્ણ અને દેશ બંનેની ગુલામીની અનુભૂતિ હતી. એ વખતે દલિતોના ઘરે જન્મેલ બાળક પહેલા સવર્ણોનું ગુલામ હતું પછી અંગ્રેજોનુ ગુલામ હતું.

તેથી જ ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, “દલિતો તો ગુલામોનાં પણ ગુલામ છે.” ડૉ. આંબેડકરની ગુલામીની અનુભૂતિમાં જે અકળામણ છે તેમાંથી જ

ડૉ. આંબેડકર એક ક્રાતિકારી યુગપુરૂષ તરીકે પ્રગટ થાય છે. જે ગાંધીના માર્ગથી તદ્દન જુદો હતો. તેમણે તેનો અલગ જ માર્ગ પ્રશસ્ત કર્યો. જે ગાંધીના માર્ગ કરતા વધારે સફળ રહ્યો. આજે ભારતમાં દલિતોની દારૂણ ગરીબીની તસવીર જોવા મળે છે તેના માટે લોકોની માનસિકતાના તળિયે બેસી ગયેલી જડ વર્ણવ્યસ્થાની અસર લેખી શકાય.

Photo Credit: Instagram/Rahul Vegda

       શહેરીકરણના ઉદ્વિકાસની પ્રક્રિયાની ગતિશીલતા વધતી ગઈ તેમ જરીપૂરાણી વર્ણવ્યવસ્થાની અસર શહેરોમાં ભલે આછી દેખાતી હોય પણ ત્યાં’ય તે ઓછી તો નથી.

બીજી તરફ ગામડામાં આજે’ય જોવા મળતી દલિતોના અલગ રહેઠાણની વ્યવસ્થા ભારતમા જીવતી વર્ણવ્યસ્થાની ચાડી ખાઈ છે. ડૉ. આંબેડકર કહેતા, “ગામડું હિન્દુ સામાજિક વ્યવસ્થાનું ધમધમતું કારખાનું છે. અહીં હિન્દુ સામાજિક વ્યવસ્થાને પૂરજોશમાં કામ કરતી જોઈ શકાય છે. સરેરાશ હિંદુ જ્યારે પણ ગામડા વિશે બોલે છે ત્યારે હંમેશા ઉન્માદમાં હોય છે. તે તેને સામાજિક સંગઠનનુ આદર્શ સ્વરૂપ ગણે છે. તેઓ દુનિયામાં ક્યાંય ગામડાનો જોટો ન જડે તેવું આદર્શ એકમ ગણે છે.”  ભારતનાં ગામડામાં થઈ રહેલા દલિત ઉત્પિડન સંદર્ભે ડૉ.આંબેડકરની કેફીયત 24 કેરેટ સોના કરતા મૂઠી ઉંચેરી જણાય છે.

દલિત યુવાનોને ઘોડા પર બેસી ફુલેકુ ફેરવવા ન દેવું, મૂછ રાખવા ન દેવી, તેને મોજડી પહેરવા ન દેવી દલિત સરપંચને ગ્રામપંચાયતમાં ખુરશી પર બેસવા ન દેવો, કે તેને રાષ્ટ્રીય તહેવારો પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા ન દેવો વગેરે જેવા દલિતોનાં માનવ ગૌરવભંગની ઘટનાઓ ગામડામા બને છે. દેશમાં ચકચાર મચાવી દેનારા ખેરલાંજી હત્યાકાંડ, લક્ષ્મણપુર-બાથેકાંડ, ઉનાકાંડ, સહારનપુરકાંડ જેવા અનેક અત્યાચરો ગામડાની ધરા પર જ બને છે.

      દલિતોના રક્ષણ અંગે બંધારણીય જોગવાઈઓ અને સામાજિક વાસ્તવિકતા વચ્ચેની ખાઈ એટલી પહોળી શા માટે છે?

લોકતાંત્રિક મૂલ્યો સામાજિક ચેતના તરીકે શા માટે વિકસ્યાં નહીં? બંધારણનાં અનુચ્છેદ 14 અને 17 અંતર્ગત જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા ગેરબંધારણીય હોવા છત્તા તેના પ્રત્યે સરકારનું કૂણું વલણ શા માટે છે?  નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનાં ‘ક્રાઈમ ઈન ઈન્ડીયા’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયેલા રીપોર્ટ પ્રમાણે વર્ષ 2018માં 42,792 અત્યાચારનાં કેસ નોંધાયા હતાં. આ આંકડાઓમાં દલિતો પર અત્યાચાર થયો હોય પણ પોલીસ કેસ નોંધાયો ન હોય તેવા આંકડાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી.

બાબાસાહેબ ડૉ. આંબેડકરે બંધારણમાં રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો(Directive Principles)માં પંચાયતી રાજનાં પ્રકરણની ચર્ચા વખતે ભારતના ગામડાંની વરવી હકીકતો તરફ ધ્યાન દોર્યું હતું. બાબાસાહેબ ડૉ. આંબેડકરે ગામડાને સંકુચિતતા, અજ્ઞાન અને કોમવાદનું કેન્દ્ર કહીને ગાંધીજીની “ગ્રામસ્વરાજ એટલે પંચાયત” એવી સંકલ્પનાનો છેદ ઉડાડ્યો હતો.

બાબાસાહેબ માનતા કે જો ભારત રાષ્ટ્રવાદ પેદા કરવામાં અને રાષ્ટ્રીય જૂસ્સાનું નિર્માણ કરવામા સફળ ન થયું હોય તો તેનું મુખ્ય કારણ ગ્રામીણ વ્યવસ્થાનું અસ્તિત્વ છે.

 તે વખતે બાબાસાહેબ ડૉ. આંબેડકર 21મી સદીના પડકારોને ગંભીરતાથી સમજીને દેશને ચેતવણી આપતાં હતા. અને તેથી જ બાબાસાહેબ માત્ર બંધરણનાં ઘડવૈયા જ નહી રાષ્ટ્ર નિર્માણના મહાનાયક પણ છે.

તેઓ જ્ઞાતિવાદથી ખદબદતાં ભારતનાં ગામડાઓની તસવીર ઝીણવટથી જોઈ રહ્યાં હતાં. તેઓ જાણતા હતા કે શહેરી આવકના સ્ત્રોતો દેશના કરોડો શોષિત ખેત-મજૂરોને ગામડાનાં જાતિવાદી સામંતીઓ જેટલા નહિં સતાવે છે. તેથી જ તેમણે દેશના કરોડો શોષિતોને ‘ગાંવ છોડો શહેર ચલો’નો નારો આપ્યો હતો. હિન્દુ સામાજિક માળખું ઉંચ-નીચના પાયા પર ટકેલું હોવાથી દલિતોને આર્થિક પ્રવૃતિમાં પણ પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે.

Photo Credit: Instagram/Rahul Vegda

તેથી જ સમાજના જઘન્ય અત્યાચારોનો સૌથી વધારે ભોગ દલિતો જ બને છે.  સાહિત્યમાં કવિ-લેખકોએ તેની કવિતામાં રૂપાળા શબ્દો પ્રયોજીને ગામડાંનાં જે ભરપેટ વખાણ કર્યાં છે તે તો ગામડાંમાં ઉભેલા કટ્ટર જાતિવાદનાં ઉકરડાને ઢાંકવા માટેનો ચાલાકીભર્યો કીમીયો જ છે.

આજે પણ રાજ્ય અને દેશના ગામડાંમાં ખેતમજૂરી કરીને જીવન વ્યતિત કરતા શોષિતોના જખમોની કવિતા વાંચશો તો મુખ્યધારાનાં સાહિત્યકારોએ ગામડા અંગે કરેલા  ભરપેટ વખાણનો બોદો અવાજ તો જરૂર સંભળાશે.

લેખક: મયુર વાઢેર

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

5 thoughts on “ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર

  1. આજનાં આ આધુનિક યુગમાં પણ ગામડાઓમાં નબળાં વર્ગના લોકોને થતાં અત્યાચાર નો ચિતાર તમે રજૂ કર્યો છે.

  2. ગામડાઓમાં શિક્ષણ ની સ્થિતિ હાલ પણ કથડી ગયેલ જોવા મળે છે અને રોજગારી પણ મળવી મુશ્કેલ થય ગય છે. અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા પણ ખુબ ભરી છે.. આવુ બધુ શિક્ષિત લોકોને પણ દેખાતુ નથી… હાલ આવી પરિસ્થિતિ છેતો આઝાદી પહેલાં શુ સ્થિતિ હશે?… અને તેમાય જો બાબા ન હોત તો????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *