ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શા માટે ખટકતા હતા?

SHARE THE NEWS

આપણે ત્યાં UAPA-Unlawful Activities (Prevention) Act, 1967 છે. આ કાયદાની કલમ-15 (આતંકી કૃત્ય); 17 (આતંકી કામો માટે પૈસા એકત્ર કરવા);18 (કાવતરું કરવું) હેઠળ સરકારનો વિરોધ કરનારા સામાજિક કાર્યકરોને જેલમાં પૂરવામાં આવે છે.

કલમ- 43D (5)માં જામીન ઉપર નહીં છોડવાની સખ્ત જોગવાઈ છે. જેના કારણે આ એક્ટ હેઠળ સરકાર જેમને જેલમાં પૂરે છે તેને જામીન મળતા નથી. મર્ડર કરનારા/બળાત્કાર કરનારા/ લોકો સાથે છેતરપિંડી કરનારાઓને જામીન મળી જાય છે; પરંતુ UAPA હેઠળના કાચા કામના કેદીઓને જામીન મળતા નથી ! UAPA હેઠળ કેસોમાં કન્વિક્શન રેટ માત્ર 2.2% છે ! મતલબ કે સરકાર કેસનો ચૂકાદો આવે ત્યાં સુધી વિદ્યાર્થી આગેવાનો/આદિવાસી કાર્યકર્તાઓ /માનવવાદીઓ/પત્રકારો વગેરેને જેલમાં લાંબો સમય ઠૂંસી દઈને ચૂપ કરી શકે છે !

અસહમતી/વિરોધ; એ રાજદ્રોહ નથી. સરકાર ચલાવનાર નેતા પોતાને દેશ માને છે; એટલે સરકારને, વિરોધ કરનારાઓ રાજદ્રોહી લાગે છે ! ટ્રાયલ વિના કેદની સજા એ જસ્ટિસ સિસ્ટમનું મોત કહેવાય. UAPA હેઠળ સાબિતીનો રેશિયો 2.2% હોય તો એનો અર્થ એ થાય કે આ કાયદા હેઠળ એરેસ્ટ કરાતા 98% લોકો નિર્દોષ હોય છે !

5 જુલાઈ 2021ના રોજ આદિવાસી એક્ટિવિસ્ટ/માનવઅધિકારના લડવૈયા 84 વર્ષના ફાધર Stan Swamy-સ્ટેન સ્વામીનું પોલીસ કસ્ટડી દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું.

આ સમયે, મુંબઈ હાઈકોર્ટમાં જામીન અંગે સુનાવણી પણ હતી. ભીમા કોરેગાંવ કેસમાં હિંસા ભડકાવવાના આરોપસર ઓક્ટોબર 2020માં NIAએ તેમને એરેસ્ટ કર્યા હતા. તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં/જેલમાં હતા.

તેમનો જન્મ તામિલનાડુના ત્રિચીમાં 26 એપ્રિલ 1937 ના રોજ થયો હતો. તેમના પિતા કિસાન હતા. શરુઆતમાં પાદરી તરીકે કામ કર્યું; પરંતુ પછી ઝારખંડમાં આદિવાસી ઉત્કર્ષનું કામ શરુ કર્યું. તેમણે લોકોની સેવા માટે ચર્ચની માન્યતાઓની પરવા કરી ન હતી. રાંચી પાસે આદિવાસી બાળકો માટે સ્કૂલ પણ ચલાવતા હતા.

સરકારે 3000 જેટલા સ્ત્રી/પુરુષોને નક્સલવાદી કહીને જેલમાં પૂરી દીધા હતા; આ મુદ્દે તેમણે લડત ચલાવી હતી; હાઈકોર્ટમાં ગયા; જેથી તેમનો છૂટકારો થયો. 2016માં તેમણે મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કર્યો : “Deprived of rights over natural resources, impoverished Adivasis get prison- કુદરતી સંસાધનો ઉપરના અધિકારથી વંચિત કરેલ ગરીબ આદિવાસીઓને જેલ મળી.”

જંગલોમાં બેરોકટોક ચાલતી કોર્પોરેટ લૂંટ ઉપર સવાલ ઉઠાવનાર સ્ટેન સ્વામીને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી. આ કારણસર કેન્દ્ર સરકારને/વડાપ્રધાનને સ્ટેન સ્વામી આંખના કણાની માફક ખટકતા હતા.

આ દેશમાં એક તરફ બુધ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવે છે. બીજી તરફ માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞા ઠાકુરને જામીન મળી જાય છે અને સત્તાપક્ષની ટિકિટ મળતા સંસદસભ્ય બની જાય છે ! 2002માં ગુજરાતમાં થયેલ નરસંહાર માટે દોષિત ઠરેલ માયા કોડનાણી/બાબુ બજરંગીને તબિયતના કારણે જામીન મળી જાય છે !

ઉત્તરપ્રદેશના પોલીસ ઈન્સ્પેકટર સુબોધસિંહની હત્યાના આરોપીને જામીન મળી જાય છે ! જામિયા મિલિયા ઈસ્લામિયામાં ગોળી ચલાવનાર ‘ભક્ત’ ગોપાલ ખૂલ્લામાં ફરે છે અને હિંસા માટે લોકોને ભડકાવી રહ્યો છે ! ગોદી પત્રકાર અર્ણબ ગોસ્વામીને ‘પર્સનલ લિબર્ટી’ના બહાને તરત જ જામીન મળી જાય છે !

આપણું ન્યાયતંત્ર તો જૂઓ; સુપ્રિમકોર્ટે ત્રણ મર્ડર સબબ જેને ગુજરાતમાંથી તડિપાર કરેલ; તેને સેશન્સ કોર્ટ કેસ ચલાવ્યા વિના જ છોડી મૂકે છે, ત્યારે તપાસ કરનાર CBI ઉપલી કોર્ટમાં અપીલ પણ નથી કરતી ! જ્યારે પાર્કિસનની બિમારીના કારણે સ્ટેન સ્વામી ગ્લાસ પકડી શકતા ન હતા; એટલે પાણી પીવા માટે sipper-સિપર માટે હાઈકોર્ટમાં ગયા તો તેમની અરજી સાંભળવામાં ન આવી !

મહિના પહેલા સ્ટેન સ્વામીએ જામીન અરજી કરી ત્યારે NIAએ હાઈકોર્ટ સમક્ષ સોંગદનામું કરેલ કે એમની બિમારીના કોઈ ઠોસ પુરાવા નથી ! સવાલ એ છે કે જીવનભર શાંતિ અને અધિકારો માટે વંચિતોને લડત ચલાવવાનો રસ્તો બતાવનાર સ્ટેન સ્વામીને અદાલત જામીન ન આપી શકે?

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *