લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે કાર્યરત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનું કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર

SHARE THE NEWS

Corona કોરોના કાળમાં પણ લોકાશાહિની પરંપરાને જીવંત રાખી મહામારી સામે અડીખમ એવું Jetpur જેતપુર તાલુકાનું Devki Galol દેવકી ગાલોળ ગામ આસપાસના ગામો માટે સંજીવની સમાન

Rajkot: આપણા દેશને લોકોશાહિની સાથે સંઘશક્તિના પાઠ ગળથુથીમાં મળ્યા છે. આજ કારણ છે કે આપણો દેશ આજે કોરોના મહામારીની બીજી લહેરમાં પણ હજુ અડીખમ ઉભો છે. સહકાર થી સિધ્ધિના આગવા ગુણોને આત્મસાત કરી આપણો દેશ અનેક મુશ્કેલીઓમાંથી સફળતાપુર્વક પસાર થઇ ચૂકયો છે. એમાંય ગુજરાત એ તો મહાત્મા ગાંધીજીની જન્મ અને કર્મભૂમી. સહકારની ભાવના અહીં અખુટ હોય તે સ્વાભાવીક છે.

જેનું જવલંત ઉદાહરણ છે. જેતપરુ તાલુકાનું નાનું એવું પણ જાગૃત ગામ દેવકી ગાલોળ….

કોરોના મહામારીમાં વધતી જતી સંખ્યા અને તેમાંય ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટેની મુશ્કેલીને દુર કરવા ગુજરાતના સ્થાપના દિન 1 લી મે ના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દુરદર્શીતા સાથે ‘‘મારૂ ગામ કોરોના મુકત ગામ’’ અભિયાનને અમલી બનાવ્યું હતું.

જેમાં ગ્રામ્ય વિસ્તારના કોરોના દર્દીઓને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી કોરોનાની સારવાર મળી રહે તથા કુટુંબના અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત ન બને તેવા ઉમદા હેતુસર ગ્રામ્યકક્ષાએ જ લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

જેતપુર તાલુકાના વડોદ પી.એચ.સી. સેન્ટરના વિસ્તારમાં આવતા નાના એવા ત્રણેક હજારની વસ્તી ધરાવતા ગામના લોકોએ આગવો સંઘશક્તિનો પરીચય આપી ગામની જ શ્રી જે.એચ.આડતીયા હાઇસ્કુલ ખાતે કોમ્યુનીટી કોરોના કેર સેન્ટર શરૂ કર્યું છે.

ગામના સરપંચ શ્રી રશ્મીબેન સાતાસીયા અને ઉપસરપંચ શ્રી બ્રીજેશભાઇ પાનસેરીયાના વડપણ હેઠળ ગામના લોકોએ રૂા.1000 થી 5000 સુધીનો લાકોફાળો એકત્ર કરી કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજારની સારી એવી રકમ એકત્ર કરી છે. જેમાંથી હાઇસ્કુલ ખાતે 10 બેડના પુરૂષ અને 10 બેડના મહિલાઓ માટેના આગવા વોર્ડની કોમ્યુનીટી કોરોના કેર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરી છે.

જેને વડોદ પી.એચ.સી. સેન્ટર, સંજીવની રથ તથા ગામ ફાળાના સહયોગથી તમામ દવાઓ અને ઓકસીજન સીલીન્ડર જેવી સુવિધાઓથી સજ્જ કરાયું છે.

ગામના જ ઉત્સાહિ એવા રાઠોડભાઇ અને કલેશભાઇ રાદડીયા જેવા યુવાનોની ટીમ સેવાકિય સહયોગ આપી રહ્યા છે. સહકારી મંડળીના અનુભવી અને કુશળ મંત્રી રમેશભાઇના માર્ગદર્શન હેઠળ આ ટીમ દવાઓ લઇ આવવી, ઓકસીજનના સીલીન્ડરો ભરાવી તૈયાર રાખવા, પેશન્ટને આરોગ્ય વિભાગના માર્ગદર્શન અનુરૂપ સમયસર દવાઓ અને ઓકસીમીટર વડે ઓકસીજન લેવલ માપવું, પેશન્ટને લાવવા – લઇ જવા વાહનની વ્યવસ્થા, જેવી તમામ કામગીરી ગામના જ યુવાનોની તાલીમબધ્ધ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

રમેશભાઇ જણાવે છે કે, દેવકી ગાલોળ ઉપરાંત આસપાસના ખારચીયા, ભેડા પીપળીયા, થાણા ગાલોળ, રેશમડી ગાલોળ તથા પાસેના ભેંસાણ તાલુકાના માંડવા જેવા અનેક ગામોના પ્રારંભિક દોરના કુલ કોરોના સંક્રમિત ૨૮ થી વધુ દર્દીઓ અહીંજ સારવાર આપી સ્વસ્થ થયા બાદ સ્વગૃહે પરત ફર્યા છે.

એટલું જ નહીં દેવકી ગાલોળ ગામના વીપુલભાઇ ઠુંમરને ઓકસીજન લેવલ ઓછું હોય અહીં જ આરોગ્ય વિભાગના ડો. કાનાણી અને FHW જે. એન. જાદવ સહિતના સ્થાનીક કર્મચારીના માર્ગદર્શન હેઠળ ઓકસીજન પર ત્રણ દિવસ રાખ્યા બાદ નોર્મલ થયે આગળની સારવાર આપી કોરોના મુકત કર્યા છે. કોરોના મહામારીમાં અહીં આવનાર તમામને નિશુલ્ક સારવાર આપી ફરી સ્વસ્થ બનાવવાની એકમાત્ર ભાવના સાથે કાર્યરત ગામના લોકોની સહકારથી સિધ્ધિની આ અનોખી પહેલ અન્ય ગામો માટે પણ સંજીવની સમાન બની રહી છે.

દેવકી ગાલોળ ગામનું આ કોમ્યુનીટી કોરોના કેર સેન્ટર Rajkot રાજકોટ જિલ્લાના અનેક ગામો માટે માર્ગદર્શક પણ બની રહયું છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *