મહિલાઓને આર્થિકરૂપે સશક્ત કરતી પોસ્ટ વિભાગની યોજના ‘‘મહિલા સન્માન બચત પત્ર’’

SHARE THE NEWS

રાજકોટમાં 8 મી મે એ ખાતું ખોલાવવાનો યોજાશે કેમ્પ

Rajkot: ભારત સરકારના પોસ્ટલ વિભાગ અંતર્ગત મહિલાઓને આર્થિકરૂપે સશક્ત કરતી આકર્ષક વ્યાજ દરની યોજના એટલે મહિલા સન્માન બચત પત્ર. આઝાદીના અમૃત વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય અંદાજપત્ર 2023-24માં જાહેર કરાયેલી મહિલા સન્માન સેવિંગ્સ સર્ટીફીકેટ (M.S.S.C.) યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓની નાણાકીય બચતને વધારવાનો અને તેમને વધુ સારુ વળતર આપવાનો છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પોસ્ટ ઓફિસમાં M.S.S.C. ખાતું ખોલાવ્યું છે

મહિલા સન્માન બચત પત્ર યોજના અંતર્ગત દર વર્ષે ખાતામાં 7.5%ના ઉચ્ચત્તમ દરે વ્યાજ જમા થશે. મહિલા દ્વારા અથવા બાળકીના નામ પોસ્ટ ઓફિસમાં તેમના વાલી દ્વારા સિંગલ નામ પર તા. 31માર્ચ, 2025 પહેલા ખાતું ખોલી શકાય છે.

મહત્તમ રૂ. 2 લાખ અને લઘુત્તમ રૂ.1 હજાર તથા ત્યારબાદ રૂ. 100ના ગુણાંકમાં કોઈ પણ સંખ્યામાં ખાતા ખોલી શકાય છે, જેની મુદત ખાતું ખુલ્યા તારીખથી બે વર્ષ સુધીની રહેશે. આ સ્કીમમાં અન્ય ખાતું ખોલાવવા માટે ત્રણ મહિનાનો સમયગાળો રાખવાનો રહેશે.

વધુમાં, મહિલા સન્માન સેવિંગ્સ સર્ટીફીકેટ સ્કીમ હેઠળ ખાતું ખોલ્યાના એક વર્ષ બાદ જમા રકમના 40% રકમ ઉપાડ કરી શકાશે. 6 મહિના બાદ અનિવાર્ય કારણોસર પાકતી મુદત પહેલા ખાતું બંધ કરવાના કિસ્સામાં 5.5% મુજબ વ્યાજ મળશે.

આ સ્કીમ હેઠળ મહિલાએ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની કોપી તથા બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તેમજ બાળકીનું ખાતું ખોલાવવા માટે જન્મતારીખના દાખલાની કોપી પોસ્ટઓફિસમાં જમા કરાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે www.indiapost.gov.in પર ક્લિક કરીને ભારતીય ટપાલ વિભાગની યોજનાઓની સંપૂર્ણ વિગતો જાણી શકાશે.

રાજકોટ શહેરમાં સદર બજાર વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટઓફિસ ખાતે મહિલાઓ માટે તા. 08 મેના રોજ મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ ખાતું ખોલાવવાનો કેમ્પ સવારે 10 કલાકથી બપોરે 03 કલાક સુધી યોજાશે.

વધુ માહિતી માટે સીનીયર સુપ્રીડેન્ટ ઓફ પોસ્ટઓફિસ, રાજકોટ ડીવીઝનનો રૂબરૂ અથવા ફોન નં.0281-2226509 પર સંપર્ક કરવાનો રહેશે. નારીશક્તિ માટે ફાયદાકારક એવી મહિલા સન્માન બચત પત્ર યોજનાનો રાજકોટ જિલ્લાની મહિલાઓએ લાભ લેવા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સીનીયર પોસ્ટ માસ્ટર અભિજિત સિંઘએ અનુરોધ કર્યો છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *