જેતપુર ST બસ સ્ટેશનમાં ચાલતી લાલીયાવાડી

SHARE THE NEWS

રાજકોટ જિલ્લાના જેતપુરમાં શહેરની મધ્યમાં આવેલા ST બસ સ્ટેશનમાં ચાલી રહી છે ઘોર લાપરવાહી. જેતપુરમાં લાખોના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવામાં આવેલ છે.

જેતપુરના બસ સ્ટેશનમાં કર્મચારીઓની ઘોર લાપરવાહી સામે આવી રહી છે, ભર ઉનાળે બસ સ્ટેશનમાં પંખા પણ બંધ રાખવામાં આવે છે. જ્યારે પીવાના પાણીની વાત કરવામાં આવે તો ફ્રીઝર હોવા છતાં બંધ રાખવામાં આવે છે. કોરોના કાળ હોવા છતાં કર્મચારીઓ જ કરી રહયાં છે લાપરવાહી, માસ્ક વગર જોવા મળે છે જેતપુર ST બસ સ્ટેશનના કર્મચારીઓ.

નશામાં ધૂત વ્યકિતઓ માટે સ્વર્ગ સમાન છે, જેતપુરનું એસ ટી બસ સ્ટેશન

બહારગામથી આવતા કાયમી મુસાફરોને પણ મુસાફરી પાસ રીન્યુ કરવામાં પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે હેરાન પરેશાન. એસટી બસ સ્ટેશનમાં ખીસ્સા કાપવાના અનેક બનાવો બન્યા હોવા છતાં જેતપુર એસ ટી ડેપો મૅનેજર મીર દ્વારા નથી ભરવામાં આવતા કોઈ જ પ્રકારના પગલાં.

ભર ઉનાળે મુસાફરોને 20 રૂપિયાની મોંઘી પાણીની બોટલ બસસ્ટેશનમાં પાણીની સુવિધા ન હોવાથી ફરજિયાત લેવી પડે છે, વાત કરીએ બસસ્ટેશનમાં આવેલા ટોયલેટની તો સરકારી ધારા ધોરણ પ્રમાણે ટોયલેટ વપરાશકર્તા પાસેથી એક રૂપીયો જ લેવાનો હોય છે જ્યારે અહીંના ટોયલેટમાં પાંચ રૂપિયા લેવામાં આવે છે જે રાત થતાં જ દસ રૂપિયા ઉઘરાવવાનું શરૂ કરવામાં આવે છે. જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓ માટે બનાવવમાં આવેલું ટોયલેટતો 24 કલાક બંધ હાલતમાં જ જોવા મળે છે.

આ તમામ બાબત માટે જેતપુર એસટી ડેપોના મેનેજર સાથે વાત કરતા તેમણે સમસ્યાઓના ઉકેલ લાવવાના બદલે ગોળ ગોળ જવાબ આપી આંખ આડા કાન કર્યા હતા અને પોતાની જવાબદારી માંથી છટકવાની કોશિશ કરી હતી.

રિપોર્ટ: અશોક ભરવાડ, જેતપુર.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *