શહીદ વીર સરદાર ઉધમસિંહ

SHARE THE NEWS

આજથી 315 વર્ષ પહેલાં 1705માં પંજાબના એક નાનકડા ગામમાં મુગલ લશ્કર ત્રાટક્યું હતું.

ગુરુ ગોવિંદસિંહના બાવરચી ગંગુએ ગદ્દારી કરી હતી અને ગુરુના બંને દીકરાઓને મુગલ લશ્કરને હાથોહાથ પકડાવી દીધા હતા.

નવ વર્ષના જોરાવરસિંહ અને સાત વર્ષના ફતેહસિંહે ઇસ્લામ કબુલ કરવાની ના પાડી હતી.

પંજાબના સુબા વઝીરખાને બંને કિશોરોને દિવાલમાં જીવતા ચણી દીધા હતા. પાછળથી શીખોએ વઝીરખાનને હરાવ્યો, એની કતલ કરી હતી અને એ ગામનું નામ પાડ્યું હતું ફતેહગઢસાહિબ. અને અહીં બનાવ્યું ગુરુદ્વારા ફતેહગઢસાહિબ.

આ ગુરુદ્વાર ફતેહગઢની પાછળ એક મસ્જિદ છે. 31 જુલાઈ, 1974ના રોજ લંડનથી શહીદે આઝમ ઉધમસિંહના અસ્થિ જ્યારે ભારતમાં લાવવામાં આવ્યા ત્યારે ફતેહગઢની આ મસ્જિદમાં અસ્થિનો એક હિસ્સો મુસલમાનોએ દફનાવ્યો, બીજો હિસ્સો હરિદ્વારમાં ગંગા નદીમાં વહેવડાવવામાં આવ્યો અને ત્રીજા હિસ્સાની શીખોએ કરંતસાહિબમાં અંત્યેષ્ટિવિધી કરી હતી.

જલીયાવાલાં બાગના હત્યાકાંડનો બદલો લેવા લંડન ગયેલા ઉધમસિંહે તેમનું નામ રામ મોહમદસિંહ આઝાદ રાખ્યું હતું.

પકડાયા પછી ઉધમસિંહ સામે લંડનના સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ ત્યારે તેમણે જજ એટકિન્સનને કહેલું, “મારું અંતિમ નામ છે રામ મોહમદસિંહ આઝાદ. અહીં “રામ’ શબ્દનો પ્રયોગ હિન્દુઓ માટે, ‘મોહમદ’ મુસલમાનો માટે, ‘સિંહ’ શીખો માટે અને ‘આઝાદ’ મારા દેશ માટે.”

26 ડીસેમ્બર, 1899ના રોજ પતિયાલાના સુનામ ગામમાં ઉધમસિંહનો જન્મ થયો હતો. સુનામના રાયપુરીયા મહોલ્લાના જે ઘરમાં સરદારનો જન્મ થયો હતો એ ઘર હવે રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવાઈ ગયું છે. સરદારના પૂર્વજ સુનામના જ હતા કે બીજે ક્યાંકથી આવીને અહીં વસ્યા હતા એના પર વિદ્વાનોમાં મતભેદ છે.

અરુણાચલના પૂર્વ-રાજપાલ માતાપ્રસાદ લખે છે, “ઉધમસિંહના માતાપિતા નારાયણી દેવી અને ચૂહડરામ ચમાર ઉત્તરપ્રદેશના એટા જનપદના પટીયાલી ગામના વતની હતા. 1857 પછી તેઓ રોજીરોટીની શોધમાં પંજાબ જતા રહ્યા હતા.” (ભારત મેં પરિવર્તન કે પ્રેરણાસ્રોત, લેખક માતાપ્રસાદ, પેઇજ 213). જોકે, ‘મૃત્યુંજયી ઉધમસિંહ’ના લેખક જિયાલાલ આર્ય લખે છે, “આ વાતોનું કોઈ પ્રમાણ નથી.

શહીદ ઉધમસિંહના જન્મસ્થળની દિવાલો નાનકશાહી ઇંટોથી બનેલી હતી, જેના અવશેષ આજે પણ મોજુદ છે. એનાથી લાગે છે કે ઉધમસિંહનો પરિવાર અહીં કેટલીય સદીઓથી વસ્યો હશે.

ઉધમસિંહના પિતા ચૂહડસિંહ ઉર્ફે ટહલસિંહના પિતા બસાઉ પણ આ જ ગામના વતની હતા. ઉધમસિંહ કમોઉ જાતિના હતા. આ જાતિના લોકો ખેતીના ઓજારો બનાવતા હતા. અનાથાશ્રમમાં પણ ઉધમસિંહ એમનો જાતિગત વ્યવસાય લાકડાનું કામ શીખતા હતા. એમના પરિવારજનો ચમારનું કામ કરતા હોય તેવો કોઈ ઉલ્લેખ નથી મળતો.”

ઉધમસિંહની જાતિ ગમે તે હોય, બહેન માયાવતીએ બહુજન સમાજના આ વીરલ શહીદવીરના નામથી એક જિલ્લાનું નામકરણ કરીને તેમને સાચી શ્રદ્ધાંજલી આપી છે. અને

લેખક: રાજુ સોલંકી, અમદાવાદ.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *