મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો
રિપોર્ટ: દિનેશ રાઠોડ, રાજકોટ તા. 05 સપ્ટેમ્બર – રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા. અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.
કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજના માલિક અગર તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓ/ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યાારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં.
નોટરી પાસે કરાવવાના રહેશે જરૂરી દસ્તાવેજ
ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. 31/10/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.