Junagadh:દર વર્ષે 18 એપ્રિલને વિશ્વ હેરિટેજ દિવસ (18 April, World Heritage Day) તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને આ ભવ્ય અને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાનો છે. આ દિવસને સ્મારકો અને સ્થળો માટે આંતરરાષ્ટ્રીય દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલાં છે કેન્દ્ર રક્ષિત 7 અને રાજ્ય રક્ષિત 39 પુરાતત્વીય સ્મારકો
જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લઇ રહ્યા છે. અને ઐતિહાસિક વારસાની જાળવણી માટે પૌંરાણિક સ્થળોનું તેની જૂની ગરિમા ને અકબંધ રાખીને જાળવણીની દ્રષ્ટિએ નવિનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
ઉપરકોટનો કિલ્લો મોર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવેલો હતો
જૂનાગઢ શહેરમાં ઇતિહાસ પ્રસિધ્ધ ઉપરકોટનો કિલ્લો આવેલ છે. આ કિલ્લાનું મુળ નામ ગિરિદુર્ગ હતું. ઉપરકોટનો કિલ્લો મોર્ય સમ્રાટ ચંદ્ર ગુપ્ત દ્વારા ઇ.સ. પૂર્વ ૩૧૯માં બનાવવામાં આવેલો હતો. હાલમાં આ કિલ્લાનું નવીનીકરણ શરૂ છે. આ કિલ્લા ઉપરથી દેખાતા ગિરનાર તરફના શહેર અને પૂર્વ તરફના દ્રશ્યો શાનદાર છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત અચુક લે છે.
જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં ભારતવર્ષના ભૂતકાળની ઝાંખી કરાવતા સમ્રાટ અશોકના ત્રણ શિલાલેખ વિશાળ પથ્થર પર દ્રશ્યમાન થાય છે.
જૂનાગઢ શહેરમાં ઉપરકોટથી ગિરનાર તરફ જતા રસ્તામાં ત્રણ હારમાળામાં ખડકમાંથી કોતરેલી આ ગુફાઓ ઇ.સ. પ્રથમ અને દ્વિતિય સદીમાં બનેલી છે.
જૂનાગઢમાં નવાબી સ્થાપત્ય જુદી ભાત પાડે છે. જૂનાગઢની મધ્યમાં નવાબ મહોબ્બત ખાન બીજાએ બનાવેલ મહોબ્બત મકબરો કલાત્મક ગુંબજો, અત્યંત બારીક કોતરણીઓ નવાબી સ્થાપત્યના બેનમુન છે.
જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 હેરિટેજ સ્થળો
જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર રક્ષિત સાત અને રાજ્ય રક્ષિત 39 સ્મારકો અને સ્થળો છે. જેમાં કેન્દ્ર રક્ષિત અશોકનો શિલાલેખ, બૌધ્ધ ગુફા, બાબા પ્યારે, ખાપરા કોડિયાની ગુફા, પ્રાચીન ટીંબો, જામીન મસ્જીદ, બીબી મસ્જીદ અને રવેલી મસ્જીદનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય રક્ષિત સ્મારકોમાં અડીકડી વાવ,
જુમા મસ્જીદ અને તોપ નિલમ અને કડાનલ, નરસિંહ મહેતાનો ચોરો, પંચેશ્વર ગુફાઓ, માત્રી રા ખેંગાર મહેલ, વંથલીમાં નાની વાવનો શિલાલેખ, બગસરા ઘેડમાં દાહ સંસ્કારની સ્મૃતિનો પાળીયો, હનુમાન ધારા, હાથ પગલા, માળિયા હાટીનામાં ધનવંતરીનો પાળિયો સહિતનાનો સમાવેશ થાય છે.
જૂનાગઢ જીલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૌરાણિક ગિરનાર પર્વત પર પણ સ્મારકો આવેલા છે. ગિરનાર પર રોપવે બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
જુનાગઢ શહેર હેરિટેજ સ્થળોથી શોભાયમાન છે. જૂનાગઢની બાઉદીન કોલેજ પણ એક અર્થમાં હેરિટેજ બિલ્ડીંગ છે. પૌરાણિક સ્થળો અને સ્મારકો વિશે જાણીએ અને તેની જાળવણી કરીએ એ સૌની ફરજ છે.