ગુજરાતી લોક-સાહિત્યમાં આંબેડકરી વિચારધારાનું સંયોજન

SHARE THE NEWS

વર્ણપ્રથાના પાપે ઉપેક્ષિત રહેલા બહુજનોનાં જીવતરમાં અપમાનો અને અત્યાચારોની વ્યથા-કથા આજે પણ વિકરાળ વાસ્તવિકતા બનીને ઊભી છે.

બહુજનો પાસે પોતાની છાતીએ ઝીલેલી વિષમતા ને હૈયે વેઠેલી વેદના વ્યક્ત કરવા માટે એકપણ તક નહોતી. ભારતમાં જાતિ આધારીત વર્ગ-વિભાજને બહુજનોનાં માનવ ગૌરવને લૂંટી લીધા. બહુજનો માટે ઈતિહાસ ઉત્પીડક રહ્યો છે. તેથી જ મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકરે ઈતિહાસ ભૂલનારી કોમને ટકોર કરતાં કહ્યું હતું કે, “જે સમાજ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે કદી પોતાનો ઈતિહાસ બનાવી શકતો નથી.”

મુખ્યધારાનાં ઈતિહાસકારોએ બહુજનોના કાળજે શૂળાતી કરૂણ વેદનાને ઈતિહાસમાં સ્થાન આપ્યુ નહોતું. શાળાનાં પાઠ્યક્રમોમાં જે ઈતિહાસ ભણાવાય છે તે બહુજનોનો ઈતિહાસ નથી. બહુજનોને અહેસાસ કરાવવામાં આવે છે કે તે ઈતિહાસ તેનો પોતાનો છે.

પણ બહુજનો માટે તે ઈતિહાસ પારકો છે. કારણ કે તે ઈતિહાસનાં પાને બહુજનોની યુગો પૂરાણી ત્રાસદ મહાગાથાને સ્થાન નથી. સામાજીક કોટિક્રમિક ઉંચ-નીચની ‘શાસ્ત્રોક્ત’ વ્યવસ્થાનાં જખમો ખાધેલા બહુજનોને પાઠ્યક્રમોથી છેટાં જ રાખવામાં આવ્યાં છે.

ભારતનાં વર્ગખંડોમાં મીઠા માટે થયેલા સત્યાગ્રહનું ઝીણવટભર્યું વર્ણન ભણાવાય છે, પણ જેને જાહેર જળાશયોમાંથી પાણી લેવાનો અધિકાર પણ નહોતો તે વર્ગે પાણી માટે કરેલા ચવદાર તળાવ સત્યાગ્રહનો વર્ગખંડોમાં ઉલ્લેખ સુધ્ધા થતો નથી.

આ પણ વાંચો…

પણ સમયે પડખું ફેરવ્યું છે. બાબાસાહેબ આંબેડકરનાં સંઘર્ષની બદૌલત મડાંમાંથી માણસ બનેલા બહુજનોનાં હૈયે સ્વાભિમાનની ચેતના પ્રગટી છે. બહુજન યુવાનોનાં લોહીનાં અણુંએ અણુંમાં પોતાના ઉવેખાયેલા આયખાનાં ઈતિહાસને બેઠો કરવાની બળકટ લાગણી ફૂંટી છે.

પોતાની કલામાં આંબેડકરી વિચારધારાને વણીને લોકાભિમુખ કરતાં કલાકારો

ગુજરાતનાં નવલોહિયા બહુજન કલાકારો પોતાની કલામાં આંબેડકરી વિચારધારાને વણીને લોકાભિમુખ કરી રહ્યાં છે. તેઓ લોકડાયરાનાં માધ્યમથી લોકો વચ્ચે બહુજન વિચારધારાનાં વિવિધ પાસાઓની છણાવટ કરે છે.

બહુજનોનાં શોર્યને પ્રગટાવતા તેમના ગીતો નિરાશાને આશામાં પલટાવીને લોકોમાં નવચેતનાનાં મંડાણ કરે છે. સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા ડૉ. આંબેડકરનાં પ્રિય આદર્શો રહ્યા છે. આ જ આદર્શોને સમાજજીવનમાં કલાનાં માધ્યમથી પ્રસ્થાપિત કરવા માટે મથી રહ્યા છે.

વિશન કાથડ, દિનેશ ગોહિલ, મોહિન્દર મૌર્ય, સચિન સાલ્વી, દિનેશ વાણવી, ચંદ્ર બારોટ, ભાવેશ પરમાર, પ્રદિપકુમાર અને સામંત સોલંકી જેવા બહુજન સાહિત્યકારો અને ગીતકારો. બાબાસાહેબની ધારાને કલાનાં માધ્યમથી લોકભોગ્ય બનાવવા માટે હંસા સુવાતર, શોભના દાફડા અને ઝંખના પરમાર જેવી દીકરીઓ પણ સહેજે પાછળ રહી નથી.

દલિત અસ્મિતાની વાંછનાને પોતાના ગીતોમાં ઉતારનાર દિવંગત દશરથ સાલ્વી તો કેમ ભૂલાય? તેમનાં સંગીત અને સૂરનાં સુંદર સંયોજનમાં ડૉ. આંબેડકરનો સંઘર્ષ આબાદ રીતે પ્રગટે છે.

Image source: facebook/hemantchauhanofficial

પદ્મશ્રી ગાયક હેમંત ચૌહાણે બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં કર્ણપ્રિય ગીતો ગાયા છે. તેમનાં કંઠે ગવાયેલું ગીત ‘બંધારણવાળો બાબો’ અને ‘ઝાઝી ખમ્માં’ તો હૈયાવગાં છે. બહુજન વિચારધારાનાં કથાતંતુને પોતાનાં ગીતમાં ઝીલીને સૂરનાં સરગમને સમૃદ્ધ કરતી કલગી ઉમેરી છે,

ગુજરાતભરમાં બહુજન સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ વિશન કાથડે. સોરઠી લોકબોલીમાં વ્યક્ત થતી તેમની બહુજન વૈચારિકીએ લોકહ્રદયમાં એક કૂણી જગ્યા બનાવી છે. એપ્રિલનાં પ્રથમ સપ્તાહિકમાં તેમનું સાતમું ગીત ‘રાજસત્તા’ લોન્ચ થયું છે.

તેમનું ગીત માન્યવર કાંશીરામ સાહેબની આંખોમાં સરવળતાં રાજસત્તાનાં સપનાને સહજ રીતે વણી લે છે. તે ગીતમાં બાબાસાહેબે ચીંધેલી રાજકિય શક્તિને મજબૂત કરવાની ખેવના પડઘાય છે. તેમનાં શબ્દોમાં લખાયેલું ને શૌર્ય-મિજાજમાં ગવાયેલું તેમનું ગીત હ્રદય સોંસરવું નીકળી જાય છે.

મોહિન્દર મોર્યની કલમે લખાયેલું ‘કાંશીરામ કાર્ય’ બહુજનોને કાંશીરામ સાહેબનાં સંઘર્ષ પ્રત્યે આદર વ્યક્ત કરવાનું આહવાન કરે છે.

માંગરોળનાં શ્રમજીવી પરિવારમાંથી આવતાં દિનેશ ગોહિલે પહેલી એપ્રિલે ‘આંબેડકરનાં પડઘા’ ગીત પ્રગટ કર્યું છે. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પહેલી અને બીજી ગોળમેજી પરિષદોમાં દલિતો માટે રાજકીય અધિકારોની માગણી કરી હતી તેવું કથાબીજ છે. તેમનાં શબ્દોમાં સંયોજાયેલું પ્રસ્તુત ગીત હ્રદયનાં તંતુ જીવંત કરી દે તેવું છે.

આ પણ વાંચો…

ગુજરાતનાં ખૂણે-ખૂણે સચવાયેલા બહુજન સાહિત્યકારો પોતાનાં ગીતોને સામાજિક પરિવર્તનની ખેપમાં મહત્ત્વનું માધ્યમ બનાવી રહ્યાં છે. બહુજન સાહિત્યનું વાંચન વ્યાપકરીતે લોકભોગ્ય બન્યું નથી, ત્યારે બહુજન સાહિત્યકારો પોતાના ગીતો થકી બહુજન વિચારધારાની ધારા પ્રવાહિત કરી રહ્યાં છે.

ડૉ. આંબેડકરે બહુજનોની હજારો વર્ષો જૂની ગુલામીમાંથી મુક્તિનાં દ્વાર ઉઘાડવા માટે તેમનો સંઘર્ષ આરંભ્યો ત્યારે જ તેમણે ‘મૂકનાયક’ નામનાં અખબારનો પ્રારંભ કર્યો હતો. જે ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’ ને અંતે ‘પ્રબુદ્ધ ભારત’માં પરિણમ્યું હતું.

જેમાં તેમનો હેતું સામાજિક પરિવર્તન આણતા વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. ગુજરાતનાં બહુજન સાહિત્યકારો પોતાની કલમ ને કલાના જોરે વિચારધારાનાં પ્રચાર-પ્રસારનાં માર્ગે નવો જ ચીલો પાડી રહ્યાં છે.

આ લેખના લેખક મયુર વાઢેર

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *