Devbhoomidwarka: જિલ્લાના ઓખામઢી (Okhamadhi) ગામે મેલી વિદ્યાના ચક્કરમાં પરોઢિયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ માર મારી ડામ દઈ અમાનુષી હત્યા (Murder) નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતાં હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
મૃતકનાં પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખૂલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર, દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને ‘મેલું કાઢવા’ માટે તેનાં પરિવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ધોકા વડે માર મારી શરીરે ડામ દેતાં ગંભીર ઇજાઓ થતાં રમીલાબેને દમ તોડયો હતો.
આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો. બીજી બાજુ, પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યાના બનાવમાં અમુક પરિવારજનોની પણ સંડોવણી સામે આવતાં પોલીસે પાંચેક લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
બીજી બાજુ, મેલી વિદ્યાના ચક્કરમાં એક પરિણીતાની અમાનુષી હત્યાના બનાવને પગલે દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકનો પરિવાર, ભૂવાઓની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. અંધશ્રદ્ધના ખપ્પરમાં પચીસ વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતાં તેનાં ત્રણ માસૂમ બાળકોએ તેની માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ કાંડમાં મહિલાને સળિયા ગરમ કરી ડામ દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર
381 Views, 1