બળાત્કાર, છેડતી, ઘરેલું હિંસા કે મહિલા અત્યાચારમાં આખરે પરીવાર સમાધાન કેમ કરી લે છે?: નેલ્સન પરમાર

SHARE THE NEWS
Symbolic image

આપણે જોઈએ છીએ કે, મહિલા અત્યાચાર, બળાત્કાર, કે પછી કોઈ ગંભીર ઘટનામાં છોકરી અથવા તો છોકરીના પરીવાર વાળા સમાધાન કરી લેતાં હોય છે. ન્યાય માટે લડતાં હોતાં નથી. પણ આમ કરવા પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર છે. આપણી સિસ્ટમ એટલી નબળી છે કે, ન્યાય મેળવવા માટેનુ મોરલ પહેલાથી જ તુટી જાય છે. ઘટના બની હોય ત્યારથી લઈ અદાલતનાં ફેસલા સુધી તો એ છોકરી અને પરીવારને ઘટના કરતાં પણ વધારે વેદનાં સહન કરવી પડે છે. આવાં સમયે પરીવાર આખરે સમાધાનો સરળ માર્ગ અપનાવી લે છે. ઘણીવાર આપણે આવા લોકો ને ગાળો આપતાં હોઈએ છીએ કે બોલતાં હોઈએ છીએ. પણ એ પરિસ્થિતિ શું હોય છે એ તો ફ્કત એ વ્યક્તિ અને એ પરીવાર જ જાણતું હોય છે. અહીં કેટલાક કારણો સાથે રજુઆત કરું છું.

પોલીસતંત્રનું વર્તન – આપણે સહુ જાણીએ જ છીએ કે પોલીસ તંત્રનું વર્તન કેવું હોય છે. પરિસ્થિતિ એવી છે કે, તમે સાવ નિર્દોષ હોવ છતાં તમને પોલીસ સ્ટેશન જતા ડર લાગે. પોલીસને જોઈને સલામતી અનુભવવાને બદલે લોકો આજે એમનાથી ડરી રહ્યા છે. આપણે ઘણી ઘટનાઓમાં જોયું જ છે કે, ઘટના બન્યા પછી વિકટમ અને પરીવાર પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા માટે જાય ત્યારે તેમની ફરીયાદ લેવામાં આવતી નથી. અને સામે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે. સામાન્ય લોકો તો સાચા હોવા છતાં પોલીસની માથાકૂટમાં પડવાં માંગતા જ નથી હોતાં. કારણ કે, પોલીસની નેગેટીવ ઈમેજ. અને એ ઈમેજ એટલી હદે ખરાબ છે કે, ભોગ બનનાર પહેલા પગાથિયાએ જ હારી જાય છે. ન્યાય મળવાની આશા છોડી દે છે. ઘણીવાર પોલીસ ખુદ આવા કેસમાં ફરિયાદ લેવાને બદલે સમાધાન કરાવી દેતી હોય છે. આવા સમયે પોલીસની નૈતિકતા સામે હંમેશાથી સવાલ ઉઠે છે. એટલે કેટીકલાર ભોગ બનનાર મહિલા અને પરીવારજનો પોલીસની માથાકૂટથી બચવા ફરીયાદ કરતાં નથી અથવા તો સમાધાન કરી લે છે.

આર્થિક પરિસ્થિતિ – આર્થિક પરિસ્થિતિની વાત કરીએ ત્યારે આપણે ભોગ બનનાર અને આરોપી બન્નેની પરિસ્થિતિ વિશે વાત કરીશું. આમ જોવા જઈએ તો મોટાભાગના કેસમાં ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. એવા સમયે તેઓ પાસે મોંધા વકીલ રોકી શકતાં નથી, આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પોલીસ સ્ટેશન, કોર્ટના ધક્કા ખાવા અઘરા પડી જાય છે. ઘરનું ગુજરાન ચલાવે કે પછી પૈસા આ કેસ પાછળ ખર્ચે એ પ્રશ્ન આવીને ઉભો રહે છે. હા, અમુક કેસોમાં આર્થીક વળતર મળવાનું હોય છે એટલે ઘણાં લડતાં હોય છે. પણ જ્યારે ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે ત્યારે એમની પાસે સમાધાનુ ઓપ્શન હોય છે. અને એ સમાધાન કરી લેતાં હોય છે. જ્યારે આગળ પણ નુકશાન જ સહન કરવાનું હોય ત્યારે લેવળ દેવળ કરી બધું ઘરમાં જ પતાવી દેતા હોય છે. આપણી સિસ્ટમ પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે ભોગ બનનાર ને એ વિશ્વાસ નથી હોતો કે ખરેખર ન્યાય મળશે જ એને‌ એવી જ રીતે સામે આરોપી પૈસા પાત્ર હોય એટલે સારા વકીલ રોકતાં હોય છે. જે સાચાનુ ખોટું ને ખોટાનું સાચું કરી દેતા હોય છે. એટલે જ્યારે વિકટમ આર્થિક રીતે નબળું હોય ત્યારે એને ‌લડવા કરતાં સમાધાન કરી લેવાનું સરળ લાગે છે. જ્યારે આરોપીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે ભોગ બનનાર લડી પણ લેતા હોય છે. એટલે બળાત્કાર, મહિલા અત્યાચાર, ધરેલું હિંસામાં આર્થિક પરિસ્થિતિ મહત્વનો ભાગ ભજવે છે. ઘરેલુ હિંસામાં ન્યાય મળવા સાથે ઘણીવાર આર્થિક વળતર પણ મળવાનું હોય ત્યારે ભોગ બનનાર હિંમત કરી આવા સમયે લડી લેતું હોય છે.

કોર્ટની કાર્યવાહી, ધીમી ન્યાય પ્રક્રિયા – આપણે એ વાત સ્વીકારવી જ પડશે કે આપણી ન્યાય પ્રક્રિયા ઘણી ધીમી છે. અને જટીલ પણ છે. ન્યાય મેળવવા માટે ઘણીવાર તો દસ થી પંદર વર્ષ રાહ જોવી પડે છે. એમાંય પાછું તારીખો પર હાજર થવાનુ. પોલીસ તપાસ, પુરાવા, ડોક્યુમેન્ટ

એ બધી પ્રક્રિયા ઘણી કઠીન લાગતી હોય છે. કોર્ટની કાર્યવાહીમાં ઘણીવાર સમય અને નાણાં બન્નેનો વેડફાટ થતો હોય એમ લાગતું હોય છે ભોગ બનનાર ને. કેટલાંક કેસમાં એવું પણ બનતું હોય છે કે શરુઆતમાં લડત આપતાં હોય અને પછી કંટાળી સમાધાન કરી લેતાં હોય છે. ઘણીવાર ભોગ બનનાર કોર્ટ પરથી વિશ્વાસ ગુમાવી દેતાં હોય છે કે, ન્યાય નહીં જ મળે ગમે તેટલું કરીશું તોય આવા સમયે પછી બનીલી ઘટનાં ભુલી વિકટમ અને પરીવાર સમાધાનનો સરળ માર્ગ અપનાવી લેતા હોય ‌છે.

ધાકધમકી, લોભ-લાલચ – મહિલા અત્યાચાર, બળાત્કાર કે ઘરેલુ હિંસામાં પણ ધાકધમકી અને લોભ લાલચ આપવામાં આવે છે. આરોપીઓ ધણીવાર દંબગ ટાઈપના હોય છે. અથવા તો નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો ધરાવતા હોય, પૈસા પાત્ર હોય ત્યારે એ લોકો ભોગ બનનારને ધાક ધમકી આપતાં હોય છે. જેમાં જાનથી મારી નાખવાની ધમકી, હાથ પગ તોડી નાંખવાની ધમકી કે પછી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન કરી લેવા અથવા તો કેસ પાછો ખેંચી લેવા, નિવેદન બદલવા, કે કોઇપણ રીતે આરોપી ને બચાવવાં માટે ધાકધમકી નો ઉપયોગ કરતાં હોય છે આવા સમયે ભોગ બનનાર પાસે કોઈ સામાજિક ટેકો ન હોય, એમની પડખે કોઈ ન હોય, પોલીસ વિભાગ કોઈ સહાય ન કરતું હોય ત્યારે આવી ધાકધમકી ને વશમાં થવા‌ સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી એમાં પણ આરોપીઓની ઊંચી ઓળખણ મહત્વનો ભાગ ભજવે છે. ડરવાવા ધમકાવવા માટે આરોપીઓ એમની આ ઓળખાણ કામે લાગેડતા હોય છે. ઘણીવાર આરોપી દ્વારા ધાકધમકી સાથે પૈસાની ઓફર પણ કરવામાં આવતી હોય છે. એટલે એવું પણ બનતું હોય કે ધણીવાર ધાકધમકી થી ન માને એ લોભલાલચમાં આવી માની જતાં હોય છે અપે આખરે સમાધાન કરી લેતાં હોય છે ‌

વકીલોની મિલીભગત – ઘણીવાર આ બાબત પણ નોંઘ કરવા જેવી છે કે, ઘણીવાર ઘણાં કેસમાં આરોપીનો વકીલ અને ભોગ બનનારના વકીલ પણ અંદરોઅંદર સમજુતા કરી લેતાં હોય છે. ઘણીવાર વકીલ પણ સામાધાન કરાવવા માટે કહેતાં હોય છે. ઘણાં કેસમાં તો વકીલને પણ આરોપીઓની ડર સતાવતો હોય છે. ઘણીવાર ભોગ બનનારના વકીલ આરોપી પાસેથી પૈસા લઈ કેસને ખોટી દિશામાં લઈ જવાની વાતો પણ સાંભળવા મળે ‌છે. વકીલ સાચી સલાહ ન આપવાનાં કારણે પણ ભોગ બનનારને હેરાનગતિ સહન કરવાની આવે છે. એટલે આ એક કરણ પણ સમાધાન માટે જવાબદાર છે.

પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા, રૂઢીવાદી માનસિકતા – આપણે એ વાત સ્વીકારવી પડશે કે આપણો સમાજ પુરુષ પ્રધાન છે અને એ વ્યવસ્થા કોઈકને કોઈ રીતે સ્ત્રીઓ સાથે અન્યાય કરે છે. જ્યારે પણ મહિલા અત્યાચાર, બળાત્કાર, ઘરેલુ હિંસાની ઘટનામાં આખરે દોષનો ટોપલો સ્ત્રીઓ પર જ ઢોળાઇ છે.આપણે હજૂય એ સ્વીકારી શકતાં નથી કે સ્ત્રી એકલી પણ જીવી શકે છે. આપણાને એમ જ છે કે સ્ત્રીઓને કોઈકનો ને કોઈકનો સહારો જોઈએ જ, એ સ્વતંત્રતા ન રહી શકે, કોઈ ઘટના બને પછી મહિલા ને ખરીખોટી સંભાળવામાં આવે છે. ચારિત્ર્યનું સર્ટીફીકેટ આપવામાં આવે છે. બદનામ કરવામાં આવે છે. એની સામે હિન ભાવાના રાખવામાં આવે છે. એમ માની લેવામાં આવે છે કે એ કહેવાતા સમાજનો હિસ્સો નથી. અપવિત્ર થઈ ગઈ છે. ચાલ બાજ છે. પૈસા પડાવવા માટે ખોટો આરોપ મુકે છે. આવાં તો કેટલાંય મેંહણા સ્ત્રીઓને સાંભાળવા પડે છે. એમ કહી શકાય કે, શારીરિક બળાત્કાર થયા પછી સમાજ અને સરકારી તંત્ર મળી ફરી એકવાર માનસિત બળાત્કાર કરે છે. આટ આટલાં સ્ત્રી તરફી કાયદા હોવાં છતાં ન્યાય મેળવવા માટે રેલીઓ, સભાઓ, વિરોધ પ્રદર્શન, અને સમાજને આગળ આવવું પડે છે. ત્યારે આવાં સમયે સમાજમાં બદનામીના ડરથી, લોકો શું કહેશે એ ડરથી, ઈજ્જત, સ્વમાન આ બધા કારણોથી અને માનસિક બળાત્કારથી બચવા માટે આખરે સમાધાનો માર્ગ અપનાવી લેવામાં આવે છે. પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામા આ તકલીફ તો રહેવાની જ છે એના થી ઉપર આજે પણ લોકો નથી ઉઠી શક્યા.

સ્વાર્થવૃતિ, પલાયનવૃતિ – ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, ભોગ બનનાર મહિલા કે એના પરીવાર પરિસ્થિતિ થી દુર ભાગતા હોય છે. અને ઘણીવાર સ્વાર્થી પણ હોય છે. આરોપી તરફથી મોટી રકમ મળતી હોય ત્યારે નૈતિકતા, ન્યાય જેવું કંઈ હોતું નથી અને આસાનીથી સમાધાન કરી લેતાં હોય છે.અને ઘણાની તો પરિસ્થિતિથી દુર ભાગવાની આદત હોય છે જેથી પહેલાથી જ આ બધી પ્રક્રિયામાં પડવાં કરતાં સમાધાનો સરળ માર્ગ અપનાવી લેવામાં આવે છે.

એડજેસ્ટમેન્ટ – કાયદા તો સારા જ છે પણ ખરેખર ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે એવી સિસ્ટમ નિમાર્ણ કરવાની જરુર તો ખરી જ તે.

© નેલ્સન પરમાર

૭૮૭૪૪૪૯૧૪૯

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *