દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

SHARE THE NEWS

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર બની જાય છે ! આટલો દંભ અને હલકી માનસિકતા દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન હેઠળના ભજપુરા ગામે 6 માર્ચ 2021 ના રોજ દલિત સમાજના દુર્લભ સુતરિયાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો; તેનો પોલીસ બંદોબસ્ત ગજબનો હતો : 1 DySP; 1 PI; 7 PSI; અને 60 પોલીસ કોન્સ્ટેબલ્સના બંદોબસ્ત વચ્ચે આ વરઘોડો નીકળ્યો હતો ! કેટલાંક કહે છે કે વરઘોડો કાઢવો/સાફો બાંઘવો/મૂછો રાખવી વગેરે સામંતશાહીની નિશાનીઓ છે; એને છોડી દેવી જોઈએ. આવી દલીલ કરીને છટકી શકાય નહીં. સમાજનો ઉપલો વર્ણ દલિતો સાથે અપમાનજનક વર્તન કરી શકે નહીં. ઘોડી ઉપર બેસવું/સાફો બાંધવો એ માત્ર ઉપલા વર્ણના લોકોનો રિવાજ છે; જેનું અનુકરણ દલિતો કરી શકે નહીં; એવી દલીલ કરી શકાય નહીં.

આ સમય ભારતીય બંધારણના માનવીય ગૌરવનો છે; મનુસ્મૃતિનો નથી; આટલી સમજ આપણામાં કેમ ઊગતી નથી? 60 પોલીસ કર્મચારીઓ અને 9 પોલીસ અધિકારીઓ એક વરધઘોડા પાછળ રોકાય તે સરકાર માટે શરમજનક બાબત કહેવાય.

ક્યાં સુધી પોલીસ બંદોબસ્ત હેઠળ દલિતોના વરઘોડા કાઢશો? પટેલો/ઠાકોર/કોળી વગેરે સમાજના લોકો પણ દલિત વરઘોડાનો વિરોધ કરે છે; તેમણે મનુસ્મૃતિ વાંચી લેવી જોઈએ. તેઓ ઉપલા ત્રણ વર્ણમાં આવતા નથી; છતાં શામાટે દલિતોનો વિરોધ કરતા હશે?

મોરારીબાપૂ/પાંડુરંગ શાસ્ત્રી/શ્રી શ્રી રવિશંકર/જગ્ગી વાસુદેવ વગેરેની મોટિવેશનલ વાતોથી સમાજ સુધરતો નથી; જો કંઈક પણ ફરક પડતો હોય તો દલિત વરઘોડા વખતે તોતિંગ પોલીસ બંદોબસ્ત રાખવાની જરુર જ ન રહે ! આ પ્રકારના અન્યાય બંધ ન થઈ શકે? શું માનવીય ગૌરવને હાનિ ન પહોંચે તે માટે કોઈ ઉપાય નથી? ઉપાય તો છે; પણ નિષ્ઠાનો અભાવ છે. એટ્રોસિટી એક્ટ તેમજ ગુજરાત પોલીસ એક્ટમાં સામૂહિક દંડ વસૂલ કરવાની પરફેક્ટ જોગવાઈ છે ! મારી દ્રષ્ટિએ જે ગામમાં/કસબામાં દલિત વરઘોડાનો વિરોધ કરવામાં આવે અને એ વરઘોડો જો પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવે તો; પોલીસ બંદોબસ્તનો સઘળો ખર્ચ ગામના બિનદલિતો પાસેથી વસૂલ કરવો જોઈએ; તો જ બિનદલિતોની માનસિકતામાં સુધારો થશે !

લેખક: રમેશ સવાની (પૂર્વ આઈજીપી ગુજરાત પોલીસ અને પૂર્વ આચાર્ય પોલીસ ટ્રેનિંગ સ્કૂલ વડોદરા)

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *