World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ

SHARE THE NEWS

World Suicide Prevention Day: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ -10 સપ્ટેમ્બર, આપઘાતની બાબત કાનૂન વિશે વિશેષ લેખ. આપણા દેશના કાનૂન ઈન્ડિયન પીનલ કોડ (THE INDIAN PENAL CODE)ની કલમ 306માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને આપઘાત કરવામાં મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરી મજબુર કરી ફરજ પાડે તેના લીધે જે તે વ્યક્તિ આપઘાત કરી લે તો આવી મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરનાર ગુનેગારને દસ વરસ સુધીની જેલની સજાની જોગવાઈ છે. તે જ રીતે કોઈ વ્યક્તિ આપઘાત કરવાની કોશિશ કરે અને બચી જાય તો આવી આપઘાત કરવાની કોશિશ કરનાર પણ ઈન્ડિયન પીનલ કોડની કલમ 309 મુજબ ગુનેગાર ગણાય છે. અને તેને એક વરસ સુધીની જેલની સજા અને અથવા દંડ પણ થઈ શકે છે.

સામાન્ય રીતે પ્રજાજનોને આ આપઘાતમાં મદદગારીના ગુના વિષે જાણકારી ન હોય તેવું બને

જીવન અમૂલ્ય છે. માનવીના જીવનનો અંત તેનાં મૃત્યુથી આવે છે. મૃત્યુ કુદરતી હોય શકે અને અકુદરતી પણ થઈ શકે. કુદરતી મૃત્યુની સૌને ખબર પડે. અકુદરતી મોત અકસ્માતથી, ઝેરી જાનવર કરડવાથી, વીજળીના કરંટથી, કુદરતી આફત (Natural calamity)થી, મનુષ્ય વધ કે ખુનથી કસમય મરણ નિપજે તે અકુદરતી મૃત્યુ કહેવાય.

વાત લખવાની છે તે આત્મહત્યાથી નિપજતા મોત બદલ થતા ગુનાહિત અપરાધની છે. આત્મહત્યાના મદદગારીના બનાવમાં મદદગારી, દુષ્પ્રેરણ, ઉશ્કેરણી, અથવા ચઢવણીના તત્વોના અર્થ સમજવાની વાત છે. અર્થાત જે વ્યક્તિ આપઘાત કરે છે, તેને ઉશ્કેરણી, ચઢમણી કે દુષ્પ્રેરણ દ્વારા અમુક એવા સંજોગો કે પરિસ્થિતિમાં મુકી દેવામાં આવે કે તેને યાતના કે ત્રાસના કારણે આપઘાત કરવા સિવાય છૂટકો જ નહી હોવાથી આપઘાત કરી બેસે. તો આવી મદદગારી માટે જવાબદાર વ્યક્તિ આ ગુના માટે ગુનેગાર ઠરે છે.

ક્યારેક કોઈ વ્યક્તિ અચાનક આવેગ, આક્રોશ, નિરાશા, હતાશા કે ક્રોધના લીધે આપઘાત કરી બેસે તો તેના લીધે બીજા કોઈને જવાબદાર કહી શકાય નહીં

આપઘાતમાં મદદગારી કરનારાનું ગુનાહિત માનસ (mens rea)નું માનસિક તત્ત્વ હોવુ જરૂરી છે. ગુનેગારનો ઈરાદો મહત્ત્વનો છે. આપણા દેશમાં સામાન્ય રીતે વિવાહિત મહિલાઓના આપઘાતના કિસ્સાઓ સૌથી વધુ બને છે તેના કારણોથી સૌ કોઈ વાકેફ છે. ઉપરાંત વ્યાજ વટાવના ચક્કરમાં ફસાયેલા દેવાદાર, અમુક નોકરી કરનારા તેઓના માલિક, બોસ કે શેઠના ત્રાસથી અને બીજા લોકોના જુદા-જુદા કારણોસરના ત્રાસથી આપઘાતના બનાવોના ગુનાઓ બનતા હોય છે. અમુક તો સામુહિક આપઘાતના બનાવો પણ બને છે. ક્યારેક વહીવટી તંત્રના વલણ સામે, અત્યાચારો સામે કે અન્યાય સામે સંબંધિત કચેરી ખાતે આત્મવિલોપનના બનાવો બને ફરિયાદો થાય.

પરિણિત યુવતીઓના આપઘાતના કિસ્સાઓમાં અને ઉપર જણાવ્યું તેવા બીજાં આપઘાતના કેસોમાં સર્વોચ્ચ અદાલતે અને વિવિધ હાઇકોર્ટોના અનેક ચુકાદાથી અમૂક ગાઇડલાઇન અને માર્ગદર્શક સિદ્ધાંતો પ્રતિપાદિત થયેલ છે. જેને નીચેના કોર્ટોએ લાગું પડે ત્યાં અનુસરીને ચુકાદાઓમાં લાગુ પાડે. કોર્ટો સમક્ષ રોજબરોજ આવા કેસો ચલાવવામાં આવે તેમાં જે તે કેસની હકીકતો, પુરાવાઓ અને સંજોગોને ધ્યાનમાં લઈ ચુકાદા આવતા હોય છે.

લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં પરિણિત સ્ત્રીઓના આપઘાતના કિસ્સામાં પતિ કે સાસરિયા પક્ષના કોઈ સામાન્ય ઝઘડા, બોલચાલ, મારપીટ કે ત્રાસના લીધે આવેશમાં આવી જઈ આપઘાત કરી બેસે તેમાં ગુનાહિત માનસનું કોઈ એવું તત્ત્વ હોતું નથી કે પતિ કે તેના ઘરના એવું ઈચ્છતા હોતા નથી કે તેણી આપઘાત કરી મરી જાય. તો તેવા કિસ્સામાં આ ગુનો ન બને, અલબત્ત તે એક સામાજિક ગુનો તો છે, દૂષણ પણ છે.

કોઈ વ્યક્તિ અંગત, કૌટુંબિક, સામાજીક, આર્થિક, આધ્યાત્મિક કે માનસિક બિમારી જેવા કારણોથી આપઘાત કરે તેમાં બીજા કોઈ વિરુદ્ધ ગુનો ન પણ બને. મનોવૈજ્ઞાનિક કે માનસિક બીમારીના (Schizophrenia) કારણે, માનસિકતા નિર્બળતા વિગેરે કારણોસર આપઘાત કરે તેવું બને. તેમાં પણ જેનાં પર આરોપ હોય તેની જવાબદારી નથી.

લાખો કિસ્સામાં બે પાંચ કિસ્સાની વાત

બ્રિજલાલ vs પ્રેમચંદના કેસમાં આપઘાત કરનાર પત્ની પાસે પતિ દ્વારા સતત પૈસાની માંગણી કરવામાં આવતી રોજીંદી આ વાત, એક દિવસ આ વાતથી ત્રાસીને પત્નીએ કહ્યું કે કાયમી આવા માંગણીના ઝઘડાના કારણે હવે તો હું મરી જાઉં તો સારુ. તે વખતે પતિએ સાંત્વના આપવાના બદલે કહ્યું કે તું મરી જા તો કાલ સુધી રાહ જોવાની જરૂર નથી. ત્યારબાદ પતિ બહાર કામ પર ગયો પાછળ થી પત્નીએ સળગી જઈ આપઘાત કરી લીધો. તે કેસમાં પતિને ગુનેગાર ઠરાવી સજા કરવામાં આવી.

સ્વામી પ્રહલાદ દાસના કેસમાં સર્વોચ્ચ અદાલતે એવું ઠરાવેલ કે પતિએ ઝગડા વખતે એવુ કહ્યું કે ‘તું જા અને મરી જા’ અને પત્નીએ આપઘાત કરી લીધો તે કેસમાં હકીકતો અને સંજોગો પરથી જોતાં પતિએ આપઘાતમાં મદદગારીના હેતુથી ચઢામણી કરી તેમ ન કહી શકાય. પતિને નિર્દોષ જાહેર કરેલ.

ગુજરાતમાં એક કિસ્સો એવો બનેલ કે વીમા કંપનીના એક ઓફિસરે કે જે ખૂબજ પ્રામાણિક હતો. કોઈ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવામાં વાંધાજનક આવે તો પાસ ન કરવાના કિસ્સામાં અણબનાવ અને ખટપટના લીધે તે ઓફિસરના ઉપરી અધિકારીઓએ તે પ્રામાણિક ઓફિસર વિરુદ્ધની ફરિયાદોના લીધે ખાતાકીય પગલા લઈ સસ્પેન્ડ કરતાં તે પ્રકરણ લાંબુ ચાલતાં આર્થિક તકલીફ અને ઉપરી અધિકારીઓના ત્રાસના લીધે કંટાળી જઈ પોતે, તેની પત્ની અને બે સંતાનો સહિત બધાએ પોતાના ફ્લેટમાં ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધેલ.

અને Suicide noteમાં ચારેક ઉપરી અધિકારીના અને એક કોન્ટ્રાક્ટરના નામજોગ ત્રાસના લીધે અમે બધાએ આપઘાત કરી લીધેલ છે, તેવુ લખીને તેઓએ આપઘાત કરેલો. આ કેસની ફરિયાદ થવાથી પેલા આરોપીઓને જામીન ખુબ સમય સુધી મળેલાં નહીં. અંતે પોલીસ દ્વારા તે લોકોની વિરૃધ્ધ ચાર્જશીટ થયું. છેવટે આરોપીઓએ સર્વોચ્ચ અદાલતના ખુબજ વિદ્વાન સીનિયર વકિલ ને રોકીને FIR તથા ચાર્જશીટ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી.

તે પીટીશનમા આરોપીઓ વિરુધ્ધની FIR અને ચાર્જશીટ રદ કરી આરોપોને છોડી મુકવામાં આવેલ. તે ચૂકાદો એકદમ perfect કારણોસર હતો. તેમાં હાઇકોર્ટે આ ગુનો IPCની એક જોગવાઈ મુજબ અપવાદમાં આવે છે. ઉપરી અધિકારીઓએ તેઓની ફરજના ભાગ રૂપ કોઈ ખાતાકીય પગલાં લીધા હોય તો તે ઓફિસર પોતાનો બચાવ કરી શકતા હતાં.

ઓફિસરોની ફરજ હતી તે ન નિભાવે તો તેની વિરુધ્ધની ઓથોરિટી સામે જવાબદાર ઠરે. આવા ઉપરી અધિકારીઓ તેઓની ફરજના ભાગ રુપ નીચેના કર્મચારી વિરુધ્ધની કોઇ સાચી કે ખોટા ફરીયાદોના કિસ્સામાં કોઇ નિયમ અનુસાર સસ્પેન્ડ કરે કે ખાતાકિય તપાસ કરે તો તેવા કિસ્સામાં અધિકારીઓનો ‘મેન્સ રીયા’ (mens rea)ગુનાહિત ઇરાદો એવો ન કહી શકાય કે જેની વિરુદ્ધ પગલા લીધા તે આપઘાત કરી મરી જાય. આવા કિસ્સા અનેક છે.

ઈન્ડિયન પેનલ કોડમાં કલમ 306 (IPC-306)માં આ ગુનાની સજાની જોગવાઈ લખી છે. દસ વરસની કેદની સજા અને દંડ થઇ શકે.અલબત, આપઘાત એ સામાજિક દૂષણ કે કલંક છે. સમગ્ર માનવ જાત માટે શરમજનક છે. આપઘાત ટાળવા , કોઇ આપઘાત ન કરે તે માટે મોટીવેશનસ સ્પીકરો, સાહિત્ય, આપઘાત ન થાય તે માટે ચિંતકો વિચારકો સાયકોલોજીકલ એક્યપર્ટો, માનસિક રોગોના નિષ્ણાત ડોકટરો સંખ્યાબંધ બુક્સ બહાર પાડે અને અવેરેલસના પ્રોગ્રામો કરે છે. માનવ માત્ર જીવનમાં કોઇપણ આપઘાતનો પ્રયત્ન કરનારનુ જીવન બચાવી લે તો તેનાથી મોટું કોઇ માનવતાનું કામ જ નથી.

IPCની એક કલમ 309 (IPC-309)માં જોગવાઈ એવી છે કે આપઘાતની કોશિષને શિક્ષા પાત્ર ગુનો ગણી તે ગુના બદલ સજા અને દંડની જોગવાઈ છે. કાયદાની વિચિત્રતા તો જુઓ! એક તો જીવનથી કંટાળી જનાર માણસ જો આપઘાત કરવાના પ્રયાસમાં ગમે તે કારણસર સફળ ન થાય કે કોઇ બચાવી લે અને જીવી જાય તો તેના વિરુદ્ધ ગુનો નોંધાય અને કોર્ટમાં જઇ વધુ બદનામ થઈ શિક્ષા પણ ભોગવવાની?

કાયદાની આ જોગવાઈનો હેતુ એ છે કે માનવ જીવન અમૂલ્ય છે તેને તેનો કસમયે અંત લાવી પોતે જાતે મરી જવાની છૂટ નથી. બીજી રીતે જોઈએ તો એક માનવીનુ જીવન સમગ્ર માનવ જાત માટે પણ અમૂલ્ય છે. અને સરકાર અર્થાત રાજ્યની દરેક માનવી તે અમૂલ્ય મિલ્કત છે. કેવું વિચિત્ર કહેવાય આ માનવ જીવન.

Note: આ લેખ નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબની (Retd. Additional District Judge K. B. Rathod) ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સંબંધિત વિગતો માટે સંબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading